પેટ પરના ચરબીના થર ઉતારવાના ઈલાજ

આપણે ત્યાં મુશ્કેલી એ છે કે સગર્ભાવસ્થા વિના પણ આપણી મહિલાઓના પેટ ફૂલી જાય એ તો સમજ્યા, પણ કેટલીય અપરિણીત કન્યાઓ, કોલેજિયનો પણ ફૂલેલા પેટની ફરિયાદ લઈને ડોક્ટર પાસે આવે છે.
ઊપસેલું પેટ આખા શરીરની આકૃતિ બગાડી નાખે છે. ફિગરની સભાનતા હવે વધતી જાય છે ત્યારે કમરનો ઘેરાવો કોઈને ગમતો નથી. ફેશનનો પ્રચાર વધતો ચાલ્યો છે ત્યારે ઊપસેલું પેટ તેમના વસ્ત્રોની પસંદગી પર મર્યાદા મૂકી દે છે. સૌંદર્ય ઝંખતી સ્ત્રીઓ માટે આ વાત દુ:ખદ બની જાય છે. તેમને ફિગરની ચિંતા આખો દિવસ કોરી ખાય છે.
ફાંદ વધવાના કે પેટ ઊપસેલું રહેવાના ઘણાં કારણો છે, અપચો, ગેસ વારંવાર થવો, ભારે પદાર્થો ખાવા, સ્થૂળતા વધવી, વજન વધવું એ બધા જ કારણો સંભવિત છે, પણ વ્યાયામનો અભાવ એ મૂળ કારણ છે અને યોગ્ય માવજત ન કરી હોય તો ફાંદ વધતી જાય છે, કમર પર પણ ચરબીના થર જામતા જાય છે.
સારા દેખાવું અને સુંદર પેટ હોવું તે સૌંદર્યની દ્રષ્ટિએ જરૂરી છે. પણ કલાત્મક દ્રષ્ટિ ઉપરાંત સ્વાસ્થ્ય અને તંદુરસ્તીની દ્રષ્ટિએ પણ પેટ સપાટ હોવું જરૂરી છે. વધુ પેટવાળાને કમરનો દુ:ખાવો થાય છે. સામાન્ય સ્થિતિમાં આંતરિક અંગોને પેટ ટેકવે છે. તેથી આંતરિક પ્રક્રિયા યોગ્ય રીતે થાય છે. નીચલી કરોડરજ્જુને ટેકો આપે છે. કબજીયાત પણ રોકે છે. આપણે ત્યાં પેટને કસરત આપી તેના સ્નાયુને મજબૂત સપાટ રાખી શકીએ. પેટની કસરત શરૂ કરો ત્યારે ડોક્ટરની સલાહ લઈ જુઓ. પછી ધીમે ધીમે ધક્કો આપ્યા વગર કસરતો કરો. એક જ બેઠકમાં બધી કસરત પૂરી ન કરો.
કસરત શરૂ કરતાં પહેલાં મેઝર- ટેપથી ફૂલેલું પેટ માપો. (નાભિની નીચેથી) પછી ઊંડો શ્વાસ લઈ પેટ શક્ય એટલું અંદર લઈ ફરી માપો અને બંને આંકડા વચ્ચેનો તફાવત નોંધો. દર અઠવાડિયે નોંધવાથી પેટનો ઘેરાવો ઓછો થયાની નોંધ રહેશે, જો તમે નિયમિત વ્યાયામ કરતાં હશો તો.
જે લોકોના પેટ મોટા થયા પછી નાના થાય છે તેમને પેટ પર થોડા સ્ટ્રેચ માર્ક (લીટા ) પડી જાય છે. એટલે શક્ય હોય તો પહેલેથી જ પેટ વધે નહીં તેની કાળજી રાખવી. ખાસ કરીને પ્રસૂતિ પછી કસરત કરી, પટ્ટો પહેરી, પેટ દબાવેલું રાખવું ગેસ થાય તેવો ખોરાક ન લેવો, કબજીયાત ન થવા દેવું પેટની કસરત કરવી. આખા દિવસમાં થોડું ચાલવાનો નિયમ પડવાને બદલે બહાર ફરવા નીકળો.
સાદો વ્યાયામ
સાદા અંગૂઠા પકડવાની,૧૦ મિનિટ ઊંધુ સૂઈ રહેવાની, ખુલ્લી હવામાં નાભિમાંથી ઊંડા શ્વાસ લેવાની, બેસતાં, ઊઠતાં, ઊભા કે ચાલતી વખતે પેટ અંદર ખેંચેલું રાખવાની ટેવ પણ પેટના ઘેરાવનો આંક ઓછો કરી દે છે.
વસ્ત્રોની પસંદગી
ઊપસેલા પેટવાળી વ્યક્તિએ વસ્ત્રોની પસંદગીમાં પણ ધ્યાન રાખવું જોઈએ. નાભિની નીચે પેટીકોટ બાંધી સાડી ન પહેરતાં નાભિ પર પહેરવી, પેટ ઊઘાડું ન રહે તેવા વસ્ત્રો પસંદ કરવા, ખૂલતાં વસ્ત્રો જેવાં કે કફતાન ઝભ્ભા, પંજાબી ડ્રેસ, સાડી ઉપસેલા પેટને દેખાડતાં નથી. ચુસ્ત પેન્ટ, મેક્સી વગેરે ન પહેરવા.
કેટલીક હળવી કસરતો
(૧) જમીન પર સપાટ સૂઈ જાવ. હાથમાંથા પર ઊંચા રાખો. જમીનને સ્પર્શે તે રીતે બંને પગ ભેગા રાખો. હવે જમણો પગ ઘુંટણથી વાળી ઘુંટણને છાતી તરફ લઈ જાવ પછી ૧ સેકન્ડ રાખી પાછો જમીન પર સીધો લઈ જાવ. પછી બીજા પગને આ રીતે વાળો અને ત્રીજીવાર બંને પગ સાથે વાળો અને છાતી સુધી ખેંચો. પછી પાછા જમીન પર સીધા મૂકી દો.
(૨) જમીન પર પલાંઠીવાળી બેસો. બંને હાથના આંગળાને પાછળ ઈન્ટરલોક કરો (એકબીજામાં ભીડાવો) હવે પેટથી વળીને ધીમે ધીમે આગળ ઝૂકીને નાક ઘુંટણને અડાડો. પછી સીધા થઈ, બીજા ઘુંટણને અડકાવો. બંને તરફ આ કસરત ત્રણ ત્રણ વખત કરો.




