આજે ઘર ભરેલા છે પણ મન ખાલી છે...

- રિલેશનના રિ-લેસન- રવિ ઇલા ભટ્ટ
- હવે જો ન્યૂક્લિયર ફેમિલિનું પણ વિઘટન થતું જશે તો આ સમાજમાં કશું વધશે જ નહીં. પહેલેથી એક જ સંતાન રાખવાની ફેશનના કારણે ઘણા ભાવી સંબંધોનો અંત આવવા લાગ્યો છે ત્યાં હવે માતા-પિતાને પણ એકલા છોડીને જતા રહેવું અથવા તો માતા-પિતા તેમને જવા દઈને જે એકલતા પસંદ કરી રહ્યા છે તે નવા સમાજ માટે વધારે જોખમી છે.
તાજેતરમાં એક કેસ મુદ્દે મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ જાડેજા સાહેબ સાથે વાતચીત કરવાનો અવસર મળ્યો. તેમણે વાતચીત દરમિયાન જણાવ્યું કે, અહીંયા વડીલોની સંખ્યા વધારે છે, સિનિયર સિટીઝન વધી રહ્યા છે. તેમની આ વાતમાં ચિંતા અને નારાજગી બંને હતા. વડીલોનું ધ્યાન રાખનાર કોઈ નથી તેવું તેમણે કહ્યું અને સંતાનો વિદેશ ભાગી જાય છે અથવા તો બીજા વિસ્તારોમાં પલાયન કરી જાય છે અને માતા-પિતા અહીંયા રહી જાય છે તેવા પણ કિસ્સા તેમણે ટાંક્યા. તેમણે માત્ર એક જ વિસ્તારની વાત કરી પણ ચારેતરફ નજર કરીએ તો સમજાશે કે મોટાભાગે હવે એકલવાયા વડીલોની સંખ્યા વધી રહી છે.
સદીઓથી ભારતીય સમાજમાં સંયુક્ત પરિવારો ટકેલા હતા. છેલ્લાં લગભગ પાંચ દાયકાથી તેમાં ભંગાણ શરૂ થયું અને હવે તો મોટાભાગે ન્યૂક્લિયર ફેમિલી જ વઘ્યા છે. હવે તો એવા ન્યૂક્લિયર ફેમિલી છે જેમાં માતા-પિતા પણ સાથે હોતા નથી. ભારતીય સમાજમાં સંયુક્ત પરિવારો લાંબા સમય સુધી સામાજિક સુરક્ષા અને ભાવનાત્મક આધાર બની રહ્યા હતા, પરંતુ છેલ્લા કેટલાક દાયકાઓમાં આ માળખું ઝડપથી તૂટી રહ્યું છે. શિક્ષણ, રોજગાર અને વધુ સારા જીવનની શોધમાં યુવા પેઢીનું મહાનગરો અને બીજા દેશો તરફ પલાયન કરવું હવે એક સામાન્ય પ્રક્રિયા બની ગયું છે. આની સાથે પાછળ છૂટી રહેલા માતા-પિતા એક એવા જીવનમાં પહોંચી રહ્યા છે, જ્યાં દિવસ કોઈ પણ વાતચીત વગર વીતી જાય છે અને સાંજ ઉદાસીમાં ફેરવાઈ જાય છે. વાત કદાચ થાય તો બે-ચાર મિનિટ સુધી ફોન ઉપર થાય અને ત્યારબાદ ફરીથી ગુંગળાયેલા સંબંધોનો સન્નાટો છવાઈ જાય.
થોડા સમય પહેલા એક અભ્યાસ થયો હતો જેમાં વડીલોની લાગણીઓ વિશે કેટલાક સવાલ કરવામાં આવ્યા હતા. આ સવાલોના જે જવાબ આવ્યા તે ખરેખ સમાજ વ્યવસ્થા માટે ચિંતાજનક છે. તેમાં જણાવાયું છે કે, ૫૪ ટકા વૃદ્ધો વધતી ઉંમરને નકારાત્મક લાગણીઓ સાથે જોડે છે, જેમાં એકલવાયાપણું મુખ્ય છે. બીજી તરફ આશરે ૭૯ ટકા વૃદ્ધોએ સ્વીકાર્યું છે કે પરિવારના સભ્યો તેમની સાથે પૂરતો સમય વિતાવતા નથી. આ સ્થિતિ આપણા બદલાતા સામાજિક વ્યવહારનો સંકેત છે. વડીલો ઘરમાં એકલા જ હોય તો એકલતા કોરી ખાય તે સ્વાભાવિક છે પણ સંતાનો સાથે રહેવા છતાં કોઈ વાત કરનારું ન હોય અને એકલતા લાગે તે સૌથી વધારે વ્યથા આપે છે.
દિવસના અજવાળામાં તો જેમ-તેમ કરીને ઘરના નાના-મોટા કામોમાં કે ભૂતકાળની બારીઓમાંથી જોતાં-જોતાં વૃદ્ધોનો સમય પસાર થઈ જાય છે, પણ સાંજ ઢળતાં જ ઉદાસી ઘેરી બનવા લાગે છે. ન તો કોઈ વાત કરવાવાળું હોય છે અને ન તો કોઈ તેમની પૂછપરછ કરવાવાળું હોય છે. આ અગાઢ મૌનથી ગભરાઈને ઘણા વૃદ્ધો પોતાનો સમય પસાર કરવા કે ધ્યાન બીજે દોરવા સોશિયલ મીડિયાનો આધાર લેવા લાગ્યા છે. જેમની શારીરિક ક્ષમતા છે તેઓ નાની-મોટી પ્રવૃત્તિ કરીને સમય પસાર કરે છે પણ આ બધું દિવસ દરમિયાન થાય છે. દિવસ આથમતા જ તેમના જીવન અને મનમાં જે એકલતાનો અંધકાર ફેલાય છે તે જોનાર, સાંભળનાર કે અનુભવનાર કોઈ નથી.
સોશિયલ મીડિયામાં આપણે ઘણા વડીલોને ગીતો ગાતા, પોતાની ગમતી પ્રવૃત્તિ કરતા કે પછી તેમની યુવાનીના સમયના ગીતો ગણગણતા જોઈએ છીએ. આ આનંદ ક્ષણભંગુર હોય છે. માત્ર રિલ બનાવવા પૂરતો ટકે છે. દુનિયા એવું માને છે કે, વડીલોને સોશિયલ મીડિયા ગમે છે પણ હકિકતે તેમની પાસે તેને ગમાડવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. સંતાનો બીજા શહેર, બીજા રાજ્ય કે પછી બીજા દેશમાંથી વીડિયો કોલ કરે અથવા કોલ કરે ત્યારે અડધો કલાક કે કલાક વાત થાય, એકબીજાના મોઢા જોવા મળે અને ફરી પાછો એ જ ખાલીપો.
એક સમયે જે પરિવારને પૈસાની ભુખ હતી, વિકાસની ઝંખના હતી, આગળ વધવાના અભરખા હતા તે હવે ઓસરતા જાય છે. સંતાનો તેમની દુનિયા ઊભી કરીને તેમાં મસ્ત થઈ જાય છે અને વડીલો પાછળ છુટવા લાગે છે. શારીરિક સ્થિતિ સાથ આપતી નથી અને ત્યારબાદ ધીમે ધીમે માનસિક સ્થિતિ પણ ખરાબ થાય છે. આજે ઘણા એકલવાયા વૃદ્ધોને માનસિક સમસ્યા છે અને તેઓ મનોચિકિત્સકોની દવા કરાવે છે અથવા તો તેમના થેરાપી સેશન લેતા હોય છે. સામાજિક વિકાસનું આ એક વરવું સ્વરૂપ છે જેને આપણે જોતા નથી અથવા જોવા માગતા નથી.
પરિસ્થિતિ ત્યાં સુધી વણસી ગઈ છે કે, આ વડિલો ઘણી વખત ઘરમાં એકલા મૃત્યુ પામે તો કોઈને ખબર પડતી નથી. મહાનગરોમાં સ્થિતિ આવી જ છે. ફ્લેટમાં એકલા રહેતા વૃદ્ધોની ડેડબોડ અઠવાડિયે, પંદર દિવસે મળે છે અને બાજુમાં રહેનાર લોકોને ખબર હોતી નથી કે તેમને રસ પણ હોતો નથી. વિદેશમાં રહેતા સંતાનો ઘણી વખત આવે છે અને ઘણી વખત પડોશીઓ, સંબંધીઓ કે પછી પોલીસના આધારે બાકીના ક્રિયાકરમ છોડી દે છે. આ અતિશયોક્તિ નથી પણ આવી ઘટનાઓ જોયેલી, બનેલી અને જગજાહેર છે. આજે એવા કેટલાય વૃદ્ધો છે, જેમના બાળકો વિદેશમાં સ્થાયી થયા છે. તેમનો સંપર્ક માત્ર ફોન અને વીડિયો કોલ સુધી જ મર્યાદિત રહી ગયો છે.
જ્યારે યુવાનો નોકરી કરવા બહાર જાય છે, ત્યારે તેમના માતા-પિતા એકલા રહી જાય છે. આ યુવાનો પોતાના માતા-પિતાને તમામ સુખ-સુવિધાઓ તો આપી દે છે, પરંતુ તેમના એકલવાયાપણાનો તેમની પાસે કોઈ ઈલાજ હોતો નથી. વૃદ્ધો ઘરના નોકરો પર નિર્ભર થઈ જાય છે, પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં આ નિર્ભરતા અસુરક્ષામાં બદલાઈ જાય છે. દેશમાં અવારનવાર વૃદ્ધો સાથે લૂંટફાટ, હિંસા અને હત્યા જેવી ઘટનાઓ એ વાતનો સંકેત છે કે એકલવાયાપણું હવે માત્ર ભાવનાત્મક મુદ્દો નથી, પણ સામાજિક સુરક્ષાનો સવાલ પણ બની ચૂક્યો છે. વૃદ્ધોમાં એકલવાયાપણાનું બીજું એક મોટું કારણ છે - માતા-પિતા દ્વારા મિલકત બાળકોના નામે કરી દેવી. આ પછી ઘણા કિસ્સાઓમાં તેમની સ્થિતિ બદલાઈ જાય છે. કેટલાક વૃદ્ધો ઘરની અંદર જ ઉપેક્ષાનો સામનો કરે છે, તો કેટલાકને વૃદ્ધાશ્રમનો સહારો લેવો પડે છે અથવા બાળકો તેમને જબરદસ્તી વૃદ્ધાશ્રમમાં છોડી આવે છે.
લાંબા સમય સુધી એકલવાયાપણું વૃદ્ધોમાં ડિપ્રેશન, અનિદ્રા અને યાદશક્તિ સંબંધિત સમસ્યાઓ વધારે છે. આ એકલવાયાપણાથી જે બીમારીઓ સૌથી ઝડપથી પગ પેસારો કરી રહી છે, તેમાં સૌથી ગંભીર છે 'ડિમેન્શિયા' અને અલ્ઝાઈમર. જ્યારે મગજને વાતચીતનું સક્રિય વાતાવરણ મળતું નથી, ત્યારે મગજના કોષો મરવા લાગે છે. વૃદ્ધો ધીમે-ધીમે પોતાની યાદશક્તિ, પોતાના લોકોના નામ અને અહીં સુધી કે પોતાની મૂળભૂત ઓળખ પણ ભૂલવા લાગે છે. આ એકલતા દવાઓથી સાજી થનારી બીમારી નથી, આ એક એવી શાંત માનસિક વિકૃતિ છે, જેને માત્ર આત્મીયતા અને પ્રેમથી જ રોકી શકાય છે.
સરકારે આ સમસ્યાનો સામનો કરવા માટે યોજનાઓ શરૂ કરી છે, પરંતુ તેમની પહોંચ અને અસર મર્યાદિત છે. ઘણા વૃદ્ધો આ સેવાઓ સુધી પહોંચી જ શકતા નથી. કાગળ પર સરકારે માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકો માટે 'ભરણપોષણ અને કલ્યાણ અધિનિયમ' બનાવી રાખ્યો છે. આ અંતર્ગત બાળકો જો માતા-પિતાને હેરાન કરે, તો તેમને મિલકતમાંથી બેદખલ કરી શકાય છે. પરંતુ વાસ્તવિકતા નિરાશાજનક છે. કોઈ પણ લાચાર અને બીમાર પિતા પોતાના જ બાળકો વિરુદ્ધ કોર્ટ-કચેરીના ચક્કર કાપવાની હિંમત એકઠી કરી શકતા નથી.
સમાજના ડર અને માતા-પિતાની લાગણીઓના કારણે કાયદો માત્ર ફાઈલોમાં જ દબાયેલો રહી જાય છે. રહી વાત રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન જેવી સરકારી યોજનાઓની, તો થોડા રૂપિયાની સરકારી મદદથી આજના યુગમાં વૃદ્ધો પોતાની દવાઓનો ખર્ચ પણ ઉઠાવી શકતા નથી. આ સમસ્યા હવે માત્ર શહેરો પૂરતી સીમિત નથી. ગામડાઓમાં પણ વૃદ્ધો એકલા થતા જઈ રહ્યા છે. સંયુક્ત પરિવારો તૂટી રહ્યા છે. પરંતુ આ બાબત તરફ કોઈનું ધ્યાન જતું નથી, અથવા એમ કહીએ કે આ વિકરાળ સમસ્યાને જોઈને પણ બધા લોકો તેને અવગણી રહ્યા છે.
આપણા સમાજની પરિસ્થિતિ એવી છે કે, જ્યારે આપણે સક્ષમ હોઈએ છીએ ત્યારે આપણે ભૌતિક બાબતોને પ્રાધાન્ય આપીએ છીએ. નોકરી, વ્યવસાય, કારકિર્દી, વિદેશમાં સ્થાયી થવું, માઈગ્રેશન કરવું. તે સમયે આધેડ ઉંમરે પહોંચેલા માતા-પિતા ઉત્સાહભેર સાથ આપતા હોય છે અથવા તો ઘણી વખત લાગણીસભર થઈને પણ સાથ આપતા હોય છે. માણસ જ્યાં સુધી શારીરિક રીતે સક્ષમ હોય છે ત્યાં સુધી એકલતા, અધુરપ કે પછી અભાવ નડતા નથી પણ જેમ જેમ ઉંમર વધતી જાય છે અને શરીર સાથ આપવાનું છોડે છે અને ઘરમાં પુરાઈ રહેવાનું આવે છે ત્યારે સાચી મુશ્કેલી શરૂ થાય છે. આજે લોકોના ઘર ભરેલા છે. લોકો પાસે પૈસા છે, સગવડો છે, ભૌતિક સુવિધાઓ છે પણ સંવાદ અને સંવેદનાનો અભાવ થવા લાગ્યો છે. ઘરમાં વાત કરનારું, બોલનાર કે સાંભળનારું માણસ નથી. હવે જો ન્યૂક્લિયર ફેમિલિનું પણ વિઘટન થતું જશે તો આ સમાજમાં કશું વધશે જ નહીં. પહેલેથી એક જ સંતાન રાખવાની ફેશનના કારણે ઘણા ભાવી સંબંધોનો અંત આવવા લાગ્યો છે ત્યાં હવે માતા-પિતાને પણ એકલા છોડીને જતા રહેવું અથવા તો માતા-પિતા તેમને જવા દઈને જે એકલતા પસંદ કરી રહ્યા છે તે સમાજ માટે વધારે જોખમી છે.









