Sahiyar

ભોજનનો ખરો સાર કાંટા-ચમચાથી નહિ, હાથેથી જમવામાં છે

By GS Team
6 Oct 20263 mins read
ભોજનનો ખરો સાર કાંટા-ચમચાથી નહિ, હાથેથી જમવામાં છે

પશ્ચિમના દેશોને અનુસરવાની આપણને આદત પડી ગઈ છે. આંખ મીચીને આપણે એમનું સારુ-નરસુ અપનાવી લઈએ છીએ. મોડર્ન ડાઇનિંગ કલ્ચર એની જ ફળશ્રુતિ છે. એમાં કાંટા-ચમચાથી જમવું એક પૂર્વશરત છે. નીચે જમીન પર બેસી જમવાનું છોડી ડાઈનિંગ ટેબલ પર ગોઠવાઈ ગયેલી યુવા પેઢી કાંટા-ચમચાથી જમવા ટેવાઈ ગઈ છે. એમાં તેઓ પોતાની સંસ્કૃતિ અને સ્વાસ્થ્ય બંનેને નુકસાન કરે છે. આપણાં આયુર્વેદમાં હાથેથી ભોજન કરવાનો મહિમા છે. એને હસ્ત ભોજન એવું નામ અપાયું છે. સદીઓથી ભારતીય પરિવારોમાં હસ્ત ભોજનની ઉજ્જવળ પરંપરા છે. એ અકારણ નથી. એની પાછળ આરોગ્ય માટે લાભકર્તા સબળ કારણો છે. હાથેથી ખાઈને તમે શરીરની ચયાપચય ક્રિયાને સક્રિય કરો છો અને શરીરમાં આપમેળે એક પ્રકારની સજાગતા આવી જાય છે. હસ્ત ભોજનને માત્ર એક રિવાજમાં ખપાવી દેવાને બદલે આપણે એક હકીકત ગાંઠે બાંધવાની જરૂર છે કે ખોરાક ખાધા પહેલા આપણે એને હાથથી સ્પર્શ કરીએ છીએ ત્યારે સભાન જાગરૂકતા, ચયાપચયના ગ્નિ અને સુચારું પાચનક્રિયા વચ્ચેનો એક જરૂરી સેતુ બંધાઈ જાય છે.
વેદિક દર્શનશાસ્ત્ર એમ કહે છે કે હાથ બ્રહ્માંડ સાથેના આપણાં આદાનપ્રદાનમાં પ્રાથમિક વાહક બની રહે છે. એને પગલે જમવાનું એક મિકેનીકલ મટીને સ્વાસ્થ્ય માટે બહુવિધ ઈન્દ્રિયોનો સમાવેશ કરતી વિધી બની જાય છે. આયુર્વેદ એમ કહે છે કે માનવ શરીર પાંચ મૂળભૂત તત્વોનું બ્રહ્માંડનું એક સૂક્ષ્મ સ્વરૂપ છે. આપણો દેહ આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વીના પંચતત્વોથી બનેલો છે. હાથની પ્રત્યેક આંગળી આમાનાં એક તત્વ સાથે જોડાયેલી હોવાથી એના શરીરમાં સ્ફુર્તિ લાવતા ગુણધર્મોના વાહક તરીકે કામ કરે છે. એ વિશે થોડું વિગતવાર જાણીએ :
સૌપ્રથમ હાના અંગુઠાની વાત કરીએ તો એ ચયાપચયની ગરમી અને પાચનતંત્રની અગ્નિને અંકુશમાં રાખે છે. એની પાસેની આંગળી તર્જની ચેતાઆવેગનું સંચાલન કરે છે. જ્યારે વચલી આંગળી સૂક્ષ્મ નાડીઓનું સંકોચન અને વિસ્તરણ સંભાળે છે. એના પછીની રિંગ ફિંગર ગ્રાઉન્ડિંગ સ્ટ્રક્ચર પુરું પાડે છે. અને ટચલી આંગળી પ્રવાહીને સંતુલન રાખી ખોરાકમાંથી પોષક તત્વો છુટા પાડે છે. ઈન શોર્ટ, અંગુઠો અગ્નિ, તર્જની વાયુ, વચલી આંગળી આકાશ, રિંગ ફિંગર પૃથ્વી અને ટચી આંગળી જળ તત્વ સાથે જોડાયેલી છે. એટલે આપણે બધી આંગળી ભેગી કરી ખોરાકનો કોળિયો મોઢામાં મુકીએ છીએ ત્યારે પવિત્ર હસ્ત મુદ્રા બની જાય છે. આ ક્રિયા ખોરાકમાનાં પાંચ તત્વો વચ્ચે સંતુલન બનાવી ભોજનના શક્તિવર્ધક ગુણધર્મોને શરીરના ત્રણ દોષ-વાત, પિત અને કફ સામે હારબંધ ગોઠવી દે છે.
હવે હાથેથી જમવાના સ્વાસ્થ્યને થતા મહત્ત્વના મુખ્ય લાભો વિશે જાણીએ :
જઠરાગ્નિ પ્રગટાવે : તમારા આંગળાના ટેરવા જેવા ખોરાકને સ્પર્શ કરે એટલે તરત તમારા લાખ્ખો જ્ઞાાનતંતુના છેડાં મગજને સિગ્નલ્સ મોકલી દે છે. ચેતા તંત્રનું આ ફીડબેક નર્વ સિસ્ટમને ખોરાકના તાપમાન, પોત અને ઘનતાથી વાકેફ કરે છે. એને પગલે પેટ અને સ્વાદુપિંડ પાચન માટે જોઈતા એક્ઝેટ ઉત્સેજકોનો સ્ત્રાવ કરે છે.
ભોજન સંયમમાં લેવાય : કાંટા-ચમચાથી ખાઈએ ત્યારે યંત્રવત અને ઝડપથી કોળિયા ભરાય છે જ્યારે એની સામે હાથથી જમીએ ત્યારે આપણે પૂરેપૂરી સજાગતા સાથે ધીમે ધીમે કોળિયા લેતા હોઈએ છીએ. બે કોળિયા વચ્ચેની ગતિ ઘટવાથી મગજને ધરાઈ જવાના સિગ્નલ્સ મોકલવા પુરતો સમય મળી રહે છે. એનાથી વધુ પડતી જમી અપચો નોતરવાનું સહેલાઈથી ટળી જાય છે.
જીભ બળતી રોકાય : સ્ટીલની ચમચીથી ખાઈએ ત્યારે આપણને ખોરાક કેટલો ગરમ છે એનો ચોક્કસ અંદાજ નથી આવતો. પરિણામે બહુ ગરમ વાનગી ખાવાથી આપણું મોઢુ અને જીભ બળી જાય છે. જ્યારે હાથથી જમીએ ત્યારે વાનગીને અડતાવેંત એ કેટલી ગરમ છે એનો ખ્યાલ આવી જતો હોવાથી જીભ બળવાનું જોખમ ટળી જાય છે.
વાતનો દોષ નિવારી શકાય : ઉતાવળે વગર વિચારે ખાધા કરીએ ત્યારે શરીરમાં વાતનો દોષ સર્જાય છે. એને કારણે ખોરાક સરખો પચતો નથી અને પેટ ભારેભારે લાગવાની અને ગેસની સમસ્યા ઊભી થાય છે. જ્યારે હસ્ત ભોજન નર્વ સિસ્ટમને શાંત રાખી ભોજનને પચાવવામાં મદદરૂપ થાય છે.
જાણીને નવાઈ લાગે કે જમવા બેસવા પહેલા હાથ ધોવાના પણ હેલ્થ બેનિફિટ્સ છે. એને કારણે ચામડી પરના સૂક્ષ્મ બેક્ટીરિયા ભોજન સાથે પાચનતંત્રમાં જઈ આંતરડાના બેક્ટીરિયાને પાચનમાં મદદરૂપ થાય છે.

  • રમેશ દવે