Sahiyar
ટી-શર્ટને આગળ નહીં, પાછળ ગાંઠ મારવાનો ટ્રેન્ડ
By GS Team
4 Aug 20262 mins read

- ઓવરસાઈઝ ટી-શર્ટ પણ બને ક્રોપ ટોપ
ફેશનનું ચક્ર આ વખતે ઊંધુ ફર્યું હોય એમ લાગે છે. સામાન્ય રીતે પામેલાઓ ટી-શર્ટને આગળના ભાગમાં એવી રીતે ગાંઠ મારતી હોય છે કે તેમનું પેટ અને નાભિ દેખાય. પરંતુ હમણાં ટી-શર્ટને પાછળની બાજુએ ગાંઠ મારવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. અલબત્ત, આ ટ્રેન્ડ નવો નથી. અગાઉ પણ આ ફેશન આવી ચૂકી છે. હમણાં હમણાં આ સ્ટાઈલ પાછી ફરી છે. પોપ સિંગર ટાયલાથી લઈને લિસા, હેલી બિબર, સ્નિગ્ધા નલિની ઓરે, શર્વરી જેવી ઘણી સેલિબ્રિટીઓએ બેક નોટ લગાવીને આ ફેશનને બળ આપ્યું છે.
ફેશન ડિઝાઈનરો કહે છે કે પાછળ ગાંઠ મારવાની પ્રેરણા ભલે આગળની ગાંઠ પરથી મળી હશે. આમ છતાં એ કબૂલવું રહ્યું કે બેક નોટ, ફ્રન્ટ નોટ કરતાં પણ વધુ સુંદર લાગે છે. આના કારણો ગણાવતાં તેઓ કહે છે..,
- પાછળ ગાંઠ મારેલું ટી-શર્ટ પહેરો ત્યારે તમારો ફોટો પણ ચોક્ખોચણાંક લાગે.
- જો તમારું ટી-શર્ટ ઓવરસાઈઝ હોય તોય તેમાં પાછળ ગાંઠ મારી દેવાથી તેની ફ્રન્ટ ફિટિંગ સરસ આવશે. વળી પાછળની બાજુએ ગાંઠ મારતી વખતે સળ વધુ આવવાથી તેની ડિઝાઈન પણ સરસ લાગશે.
- ઓવરસાઈઝ ટી-શર્ટને આગળથી ટક-ઈન કરીને પાછળથી ગાંઠ મારવાથી તમારા પેટ-કમરનો ઘેરાવો થોડો વધુ હશે તોય ઢંકાઈ જશે.
- જો તમારી કટિ કામણગારી અને પેટ સપાટ હશે તો પાછળ ગાંઠ લગાવવાથી પેટ-કટિનું સૌંદર્ય ઉડીને આંખે વળગશે.
ટી-શર્ટમાં પાછળની બાજુએ ગાંઠ શી રીતે મારવી તેની સમજ આપતાં ફેશન ડિઝાઈનરો કહે છે.., - ઓવરસાઈઝ ટી-શર્ટ અથવા બટનવાળા ખુલતા શર્ટથી શરૂઆત કરો.
- કમરની બંને બાજુએથી ટી-શર્ટ ભેગું કરતાં જાઓ અને વચ્ચે સુધી આવ્યા પછી ગાંઠ મારો.
- તમે તમારું ટી-શર્ટ આગળથી કેટલું ટાઈટ ઇચ્છો છો તે મુજબ પાછળની તરફ ગાંઠ લગાવો.









