શ્રાવણના હિંડોળા એટલે કળા અને ભક્તિનો અનેરો સંગમ

પવિત્ર શ્રાવણમાસ એટલે તહેવારોની હારમાળા. શૈવો,વૈષ્ણવો તેમજ ભાવિકો માટે ભગવાનની આરાધના કરવાના દિવસો. આ દિવસોમાં લોકોના દિલનો દરિયો હિલોળે ચઢે છે. શાસ્ત્રોમાં કહ્યું છે તેમ'સેવાયાં લૌકિકી યુક્તિ: સ્નેહસ્તત્ર નિયામક: !' અર્થાત્ ભગવાનની સેવા પૂજામાં લૌકિક તહેવાર, વગેરેનો સમાવેશ કરવો, તેમાં કોઇ શાસ્ત્રની વિધિ નથી, પણ સ્નેહ જ તેનું કારણ છે.
હિંડોળાનું આકર્ષણ બાળકથી માંડીને વૃદ્ધો સુધી તમામને રહ્યું છે. અષાઢ, શ્રાવણ માસમાં આ આકર્ષણ વધુ રહે છે. તેથી ભગવાનને પણ હિંડોળે ઝુલાવાય છે. અષાઢ માસના કૃષ્ણ પક્ષની દ્વિતીયાથી માંડીને શ્રાવણ વદ બીજ સુધી આ હિંડોળ ાઉત્સવ ચાલે છે.
આ હિંડોળા સૂકામેવા, ફળો, રાખડીઓ, પવિત્રાઓ, કઠોળ, શાકભાજી, બિસ્કિટ, ચોકલેટ, કેળના સ્થંભ, ફૂલો, હીરની દોરી વગેરેના બનાવવામાં આવે છે.
ખાસ કરીને આ ઉત્સવનું અધિક્ય પુષ્ટિમાર્ગ તેમજ સ્વામીનારાયણ સંપ્રદાયમાં વધુ જોવામાં આવે છે.
પુરાણોમાં બલિરાજાએ વામન ભગવાનને હિંડોળે ઝુલાવ્યા હતા એવો ઉલ્લેખ વાંચવા મળે છે. આ ઉપરાંત, વન-ઉદ્યાનોમાં ગોપીઓ પુષ્પ લત્તાઓ તેમજ અન્ય વનસ્પતિઓની શોભા કરીને પરમાત્મા શ્રીકૃષ્ણને પ્રેમથી હિંડોળે ઝુલાવતી. ભગવાન સ્વામીનારાયણને પણ ભક્તોએ અનેકવાર હિંડોળે ઝુલાવીને પ્રસન્ન કર્યા છે.તેની નોંધ કાવ્ય-કિર્તનોમાં તેમના સંત કવિઓએ લીધી છે.
વડતાલ ગામમાં નિષ્કુળાનંદ સ્વામીએ સહજાનંદજીને ઝુલાવવા માટે બાર બારણાનો એક સુંદર કલાત્મક હિંડોળો બનાવ્યો હતો. તેમનો ભાવ પૂરો કરવા સહજાનંદ સ્વામીએ બાર સ્વરૂપે દર્શન આપ્યાં હતાં. દરેક દરવાજે ઊભા રહીને ભક્તના હાથમાં રહેલી પુષ્પમાળા તેઓ છડી દ્વારા લેતા હતા.
સહજાનંદજી મહારાજ તેમનું આ કલાકૌશલ્ય જોઇને ખૂબ રાજી થયેલા.નિશ્કુળાનંદજીએ જ્યારે હીરની દોરીથી શ્રી હરિને ઝુલાવ્યા ત્યારે થયેલું કે મન મુકીને કરેલી કૃતિ ગમે તેટલી સુંદર હોય, પણ તેનાથી ભગવાન રાજી થાય ત્યારે સમજવું કે તેનું મૂલ્ય વધી ગયું છે.
ઉત્સવમાં આવેલા તમામ ભક્તોને પ્રતિતી થઇ કે મનુષ્ય એના કર્તાને સંભારી ભાવ, દ્રવ્ય અને કર્મ અર્પણ કરે એ કંઇ ઓછું ન કહેવાય, પણ એના માટે નવું સર્જન કરે એ ઘણું કહેવાય. કાવ્ય, ચિત્ર, શિલ્પ, સંગીત એના સર્જનમાં પ્રભુ પ્રત્યે હૃદય રેડાય ત્યારે ઉત્તમ કૃતિ સર્જાય છે.
સંતકવિ પ્રેમાનંદ સ્વામીએ હૃદય રડીને બનાવેલું કાવ્ય 'હીંડોરના મેં હોરે ઝુલો આજ…છેલ ઝુલાવતું રત્ન હીંડોળે, સુફલ કરું અબકાજ…' આ કાવ્ય ભગવાનને હીંડોળે ઝુલાવવાનો આનંદ રજૂ કરે છે.
વર્ષાઋતુમાં આકાશ મેઘાચ્છાદિત હોય, ઝરમર ઝરમર મેઘ વરસતો હોય, વાદળોમાં ગાજવીજ થતી હોય. મોર, બપૈયા, દાદુર (દેડકા), બોલી ઊઠતાં હોય અને સર્વત્ર હર્ષોલ્લાસનું વાતાવરણ સર્જાયું હોય ત્યારે ભગવાનને હીંડોળે ઝુલાવવાની કલ્પના જ આહલાદક લાગે છે.
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે દાદર સ્વામીનારાયણ મંદિરમાં, વૈષ્ણવોની હવેલીમાં તેમજ અન્ય મંદિરોમાં સુશોભિત હિંડોળા બનાવાય છે.
આપણા મંદિરોમાંં શ્રાવણ માસ દરમિયાન શાકભાજીના પણ હિંડોળા બનાવાય છે. વર્ષાઋતુમાં નવું જ શાક, ભાજી વગેરે વાડીએ ઊગ્યું હોય. ક્યારેક તો દૂર દૂરના ગામડાઓમાંથી ભક્તો પોતાની વાડીનો પ્રથમ શાકભાજીનો ફાલ દેવમંદિરે પહોંચાડતા હોય છે. કારેલા, ટીંડોળા વગેરેને પરોવીને તેમાંથીજ બનાવવામાં આવતા હિંડોળા નયનરમ્ય લાગે છે. ઠાકોરજીને ઝુલાવવાની દોરી પણ શાકભાજીમાંથી જ બનાવવામાં આવતી હોય છે. રોજરોજ વિવિધ પ્રકારના હિંડોળામાં ઝુલતા ઠાકોરજીને જોઇને ભક્તો ભાવવિભોર બની જતા હોય છે.
હિંડોળો છોડાય ત્યારે આ શાકભાજી ભક્તો પ્રસાદી તરીકે ઘેર લઇ જાય છે અને તે આરોગતાં ખૂબ જ ધન્યતાં અનુભવે છે.
જગદગુરુ શ્રી વલ્લભાચાર્યે સ્થાપેલ પુષ્ટિમાર્ગમાં નિરૂપિત સેવા પ્રણાલિકા શ્રીમદભાગવત પર આધારિત છે. પુષ્ટિમાર્ગના વિવિધ સેવાક્રમમાં શ્રાવણ માસમાં હિંડોળાની લીલા પ્રમુખ સ્થાન ધરાવે છે. શ્રીમદભાગવતમાં એવો ઉલ્લેખ છે કે ભગવાન શ્રીકૃષ્ણે એકવાર યમુના તટે શ્રી ગિરિરાજના કુંડમાં વૃક્ષ પર દોરી બાંધીને ઝુલવવાની મજા માણી હતી.
આજે પણ ભૂલેશ્વરમાં આવેલી મોટી હવેલીમાં પુષ્ટિમાર્ગીય ભક્તો હિંડોળાનો ઉત્સવ ઉજવીને પરમ આનંદ અનુભવે છે. આ મોટી હવેલીમાં વિવિધ કલાત્મક હિંડોળાના દર્શન થાય છે. એના ગુલાબ, કેવડા,કલી (બાંધીકળી) વગેરેને મચકનમાં બાંધીને ઠાકોરજીને ઝુલાવવાનો મનોરથ અહીં થાય છે. મચકનના હિંડોળા રસ્સીથી બનાવીને તેના પર ગજરાથી સુશોભન કરવામાં આવે છે અને શ્રીકૃષ્ણવ્રજમાં વૃક્ષ પર મચકનમાં ઝુલ્યા હતા તેવું આબેહૂબ દ્રશ્ય ખડું કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.
હિંડોળાની અલૌકિક લીલાનું વર્ણન અષ્ટછાપ કવિઓએ પોતાની બાનીમાં કર્યું છે. પરમાનંદદાસનું એક પદ છે :
' યહ સુખ સાવનમેં બની આવે,
દુલ્હા દુલ્હન સંગ ઝુલાવે,
નંદભવનરચિયો સુરંગ હિંડોળા,
જહાં ગોપીજન મિલમંગલ ગાવે.'
તો વળી નંદદાસનું પદ છે :
'ઝુલતા રાધા મોહન કાલિન્દિ કે સંગ,
સધનલતા સુહાવની,ચહુ દિસતે ફલે ફૂલ.'
હિંડોળાના મનોરથ કાંદિવલીમાં આવેલી ગિરિરાજની હવેલીમાં પણ થાય છે. વરસો જૂની આ હવેલીમાં સૂકો મેવો, ફળ લીલોતરી જેવા વિવિધ પ્રકારના હિંડોળા કરવામાં આવે છે. કાંદિવલી શાખા સંચાલિત આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદના વિદ્યાર્થીઓ પણ હિંડોળા બનાવવાની સેવા કરે છે. આ દરેક હિંડોળામાં લાખથી પણ વધુ ખર્ચો થાય છે. કાંદિવલીમાં જ આવેલી શ્રી દ્વારકાધીશજીની હવેલીમાં આભલાં,તૂઇ, બંધીકાળી અને કેસરના હિંડોળા બનાવવામાં આવે છે જે માટે સરેરાશ રૂ. ૪૦,૦૦૦ નો ખર્ચ થાય છે.
સાંતાક્રુઝની વલ્લભનદર્શન હવેલીના વિશાળ પ્રાંગણમાં વૈષ્ણવો હિંડોળાની સેવા કરવા આવે છે. આરંભના સમયે વાજિંત્રોના મધુરનાદ સાથે ભક્તો ભગવાનની ઝાંખી કરી ધન્ય બની જાય છે. હિંડોળાની સાથે કૃષ્ણ ભગવાનની લીલાનાં દ્રશ્યોની સજાવટ પણ કરવામાં આવે છે. રાજેશ્વરી રાકેશ ગોસ્વામી કહે છે કે જેમ બાળકને રોજ નવીનતા જોઈએ તેમ ઠાકોરજી પણ બાલસ્વરૂપ હોવાથી પારણાને જુદી જુદી જુદી રીતે શણગારી લાડ લડાવવામાં આવે છે. સાંતાક્રુઝમાં જ આવેલી ગોવિંદલાલજીની હવેલીમાં એલચી, સુકોમેવો, કેસર, ફૂલ એમ વિવિધ પ્રકારના હિંડોળાના દર્શન થાય છે.
પાર્લાના લક્ષ્મીનારાયણ મંદિરના પૂજારી હિંડોળાના દર્શનમાં નવીનતા લાવવા હિંડોળામાં ઠાકોરજી, શ્રીનાથજી, મહાપ્રભુ લક્ષ્મીનારાયણ, પાર્વતીજી અને રાધાકૃષ્ણને ફૂલના હિંડોળામાં ઝુલાવે છે અને જાણે અખિલ બ્રહ્માંડરૂપી હિંડોળામાં અખિલેશ્વર ઝુલી રહ્યા હોય તેવું લાગે. તેમનાં વસ્ત્રો લઈને વૃક્ષો પર ટીંગાડયા હોય તથા આજ ભગવાને દ્રૌપદીના ચીર પૂર્યા હોય તેવાં દ્રશ્યો પણ ઊભા કરવામાં આવે છે.
પાર્લા ઈસ્ટમાં આવેલી શ્રી દ્વારકાધીશની હવેલીમાં કચ્છની લાલ-પીળી ખારેકના તેમ જ ફૂલના હિંડોળામાં ઠાકોરજીને ઝુલાવવામાં આવે છે. પાર્લાના દસમા રોડ પર આવેલી હવેલીમાં નાવનાં દર્શન, લીલી હરિયાળી, કાચ, ફૂલ, ફળ, રાખડી, પવિત્તા વગેરેના બનેલા હિંડોળામાં ઠાકોરજીને ઝુલાવવામાં આવે છે.
દાદરમાં આવેલા અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ મંદિરમાં આદમકદ (લાઈફસાઈઝ)ના હિંડોળામાં ભગવાનને ઝુલાવવામાં આવે છે. અહીં ભગવાન માટે પેન્સિલ, રબર, ફળ, ફૂલ, શાકભાજી, સુકોમેવો વગેરેમાંથી હિંડોળા બનાવવામાં આવે છે. વૈષ્ણવધર્મી ભારતીબેન કહે છે કે બિસ્કિટના હિંડોળા ખૂબ કલાત્મક રીતે બનાવવામાં આવે છે અને આ બિસ્કિટ પણ સ્વામીનારાયણ મંદિરવાળા પોતાની બેકરીમાં જ બનાવે છે. જુદાં જુદાં આકારનાં બિસ્કીટો દ્વારા વીસ ફૂટ પહોળો અને પાંચ ફૂટ ઊંચો હિંડોળો બનાવવામાં આવે છે.
સાંતાક્રુઝના ટાગોર રોડ પર આવેલા લક્ષ્મીનારાયણ મંદિરના પૂજારી કહે છે કે આ મંદિરમાં અષાઢ વદ એકમથી શ્રાવણ વદ એકમ સુધી હિંડોળાના દર્શન થાય છે. તેમણે જણાવ્યું હતું કે શ્રી વલ્લભાચાર્ય પુષ્ટિ સંપ્રદાય શરૂ કર્યો હતો અને મહાપ્રભુજીના પુત્ર સંગાઈજી (વિઠ્ઠલનાથ) એ સંપ્રદાયનો પ્રસાર કર્યો. શ્રી કૃષ્ણે પોતાનાં જીવન દરમિયાન જે લીલા કરી તેનું પ્રતિબિંબ પુષ્ટિમાર્ગમાં મળે છે. હિંડોળા ઉત્સવ, વસંતઋતુ ઉત્સવ, ગોવર્ધન પૂજા અને અન્નકૂટ ઉત્સવ આનંદની લહાણી કરવાના ઉત્સવો છે તેમ પુષ્ટિ માર્ગીઓ માને છે.શ્રાવણ માસ એટલે ભક્તિભાવની ભરતીનો મહિનો, વ્રતો અને તહેવારોનો મહિનો. આનંદ અને ઉત્સવનો સમય તેમાં પણ હિંડોળાનું પોતાનું અનેરું આકર્ષણ છેક અષાઢ વદ બીજથી હિંડોળા શરૂ થાય અને શ્રાવણ સુદ બીજ સુધી ચાલે. હિંડોળાના દર્શન કરવા શ્રધ્ધાળુઓની ભીડ જામે. ભુજના સ્વામીનારાયણ મંદિરમાં હિંડોળાના દર્શન કરવા ભુજ તો ઠીક પણ આસપાસમાં ગામોના ભક્તોનાં પણ ટોળે ટોળાં ઉમટી પડે.
આ હિંડોળા એટલે અનન્ય ભક્તિ સાથે કલાત્મક સર્જનનું સંમિશ્રણ. કલા હંમેશા લગની માંગે છે સમર્પણ માગે છે. કલાકારને કલાસર્જન કરતી વખતે તેમાં મગન થયલો જોયો છે ને? બસ, અહીં તો સંતો અને હરિભક્તો રાતદિવસ ભૂલીને પોતાના વહાલા પ્રભુના હિંડોળાને સુશોભિત કરવા મંડયા રહે છે. દરરોજ વિશિષ્ટ પ્રકારનાં હિંડોળા સર્જવા એ એક પ્રકારનો પડકાર જ છે…. અને એ પડકાર ઝીલી આ કલાકારો કોઈ પણ પ્રકારની ઔપચારિક તાલીમ વગર દરરોજ અવનવાં માધ્યમો શોધી કાઢી હિંડોળાને શાકભાજીથી તો ક્યારેક વિવિધ પ્રકારના અનાજના દાણાઓની ભાત ચીતરીને સજાવે છે. સમયની છાપ પણ હિંડોળામાં ઝીલાય છે. ક્યારેક વિવિધ પ્રકારનાં રમકડાં, બેટરીઓ કે ચશ્માની ફ્રેમો કે ઘડિયાળોથી પણ શણગાર સજવામાં આવે છે. દર્શનાર્થીઓમાં દરરોજ ઉત્કંઠા જોવા મળે છે કે આજે શાના હિંડોળા હશે?
હિંડોળાની પ્રથા ઘણી પ્રાચીન છે એવું મંદિરના એક સ્વામીનું કહેવું છે ભગવાન શ્રીકૃષ્ણના સમયથી હિંડોળા પ્રચલિત છે. બલિરાજા પૂર્વ જન્મની કથામાં પણ જ્યારે તે સ્વર્ગ-લોકમાં જાય છે ત્યારે ભગવાનના હિંડોળાના દર્શન કર્યાનો ઉલ્લેખ આવે છે. શ્રી સહજાનંદ સ્વામી સ્વયં ઈ.સ. ૧૮૫૯ થી ૧૮૬૮ સુધી મોટાભાગે કચ્છમાં રહ્યા હતા ત્યારથી કચ્છમાં હિંડોળાની પ્રથા શરૂ થઈ.
તે સમયે ભક્તો તેમની પધરામણી પોતાના ઘેર કરાવતા અને હિંડોળામાં ઝુલાવતા. ભુજના ઘણા ઘરોમાં એ સમયના હિંડોળા પ્રસાદીરૂપે સાચવવામાં આવ્યા છે. હિંડોળા સંબંધી એક સુંદર ઘટના નોંધાયેલી છે. શ્રી સહજાનંદ સ્વામી રાજકોટ હતા ત્યારે બાવળના ઝાડમાં હિંડોળો બાંધી ઝૂલતા, એક વખત તેમના માથામાં બાવળની શૂળ વાગી. શ્રી સહજાનંદ સ્વામીએ બાવળને ઉદ્દેશીને કહ્યું કે આટલો વખત મારી સાથે ગાળ્યા છતાં તુ સુધર્યો નહીં? કહે છે કે તરત જ બાવળના બધા જ કાંટા ખરી પડયાં! આજે પણ એ બાવળ રાજકોટમાં મોજૂદ છે અને તેમાં એક પણ કાંટો નથી જોવા મળતો. કેટલાક લોકોએ બાવળની એ વિશિષ્ટ જાત જ છે એમ પુરવાર કરવા તેના બી લઈ જઈ વાવ્યાં પણ તેમાંથી ઉગતા બાવળ તો કાંટાવાળા જ નીકળ્યાં!
- નયના




