Sahiyar

એકબીજાને ઓળખવા માટે યુવાનોમાં વધી રહેલી સ્પીડ ડેટીંગની પ્રથા

By GS Team
24 Aug 20265 mins read
એકબીજાને ઓળખવા માટે યુવાનોમાં વધી રહેલી સ્પીડ ડેટીંગની પ્રથા

ટેક્નોલોજી, ટેલિવિઝન અને આધુનિક જિંદગીની ઝડપે આજની ડેટિંગ પ્રથાના નિયમોને નાટકીય રીતે બદલી નાખ્યાં છે. આજનો ભારતીય યુવા વર્ગ આયોજિત સંસ્થા કે ફોરમ દ્વારા પોતાને ગમતી વ્યક્તિ શોધતો થઇ ગયો છે.
એક લેખકે પોતાના પુસ્તકમાં લખ્યું છે, ''આજે આખા વિશ્વમાં સ્પીડ ડેટીંગ ખૂબ જ પ્રખ્યાત બની છે અને તેની પાછળનું કારણ સમજવું અઘરું નથી. દરેક વ્યક્તિ એક ટેબલ સામેની વ્યક્તિ સામે બેસે છે અને એક સાવ સરળ પ્રશ્ન પૂછે છે: શું હું આ વ્યક્તિને ફરી મળવાનું પસંદ કરીશ? અને તે પ્રશ્નનો જવાબ આપવા આપણે આખી સાંજ વીતાવવાની જરૂરત નથી.''
મુંબઇની ૨૫ વર્ષની કામીની ગુપ્તા આ બાબતે સંમત થતાં કહે છે, ''કોઇ વ્યક્તિને હું મળું એટલે મને ૧૦-૧૫ સેકંડમાં ખબર પડી જાય છે કે તે મને ગમે છે કે નહીં.'' કામિની ૨૫ વર્ષની આકર્ષક અને જુદા જુદા શોખ ધરાવતી યુવતી છે, જે સ્પીડ ડેટીંગનાં મુંબઇમાં એક મહિના અગાઉ યોજાયેલા કાર્યક્રમમાં ૨૬ વર્ષના બિઝનેસમેનને મળી હતી. ગયા વર્ષે સ્પીડ ડેટીંગની પ્રથા મુંબઇમાં શરૂ થઇ હતી. તેમાં ૧૫-૨૦ મહિલાઓ અને પુરુષો ભેગાં થાય છે. મહિલાઓ ટેબલ પર બેસે છે, જ્યારે પુરૂષો દર ત્રણ મિનિટે દરેક ટેબલ પર ફેરવાતાં રહે છે. તેઓ એકબીજાને પ્રશ્નો પૂછે છે અને ત્રણ મિનિટમાં સ્ત્રી અને પુરુષ બંને એકબીજાના નામ સામે ''ઇન્ટ્રેસ્ટેડ'' ઉપર માર્કિંગ કરે તો ડેટીંગ કંપની તેમને તે વ્યક્તિનું ઇ-મેઇલ એડ્રેસ મોકલે છે અને તે યુગલ ત્યાંથી પોતાનો પરિચય વધારવાનું કામ કરી શકે છે. પણ માત્ર ત્રણ મિનિટની મુલાકાતમાં જ વ્યક્તિને ઓળખવા કરતાં પણ કામિની અને તેના મિત્રો આ ડેટીંગ પ્રથામાં નામ લખાવવા પાછળનું કારણ આપતાં કહે છે, ''અમે દિવસના ૧૨ કલાક અને અઠવાડિયાના છ દિવસ કામ કરીએ છીએ. અમને કોઇ સારી વ્યક્તિને મળવાનો સમય જ હોતો નથી.''
વીસીથી થોડી વધુ ઉંમર ધરાવતો ભારતનો શહેરી યુવા વર્ગ જુદી જુદી આયોજિત ડેટીંગ ફોરમ, જેવી કે સ્પીડ ડેટીંગ કાર્યક્રમો, સિંગલ્સ નાઇટ, ટેલિવિઝન અને રેડિયો શો, ડેટિંગ પોર્ટલ અને એસએમએસ ડેટિંગનો ઉપયોગ મિત્રો શોધવા માટે કરે છે. કામના લાંબા દિવસો અને એરેન્જડ્ મેરેજની અણગમતી પ્રથાને લીધે મનગમતું પાત્ર શોધવામાં મુશ્કેલી ઊભી થાય છે. આધુનિક જગત સાથેનું જોડાણ, વિશ્વમાં વધતી જતી આધુનિકતા વગેરેને કારણે ડેટીંગ કંપનીઓ, ટીવી કાર્યક્રમની ચેનલ, રેડિયો વગેરે છોકરા-છોકરીને મેળવવામાં ગોરમહારાજનું કામ કરતી જોવા મળે છે.
લોકોમાં ઓનલાઇન ડેટીંગનું પ્રમાણ ખૂબ વધ્યું છે. સ્પીડ ડેટીંગ તેનું થોડું વિસ્તારીત સ્વરૂપ છે, એમ કહી શકાય. નિયોજિત ડેટીંગ ફોરમ કે સંસ્થાઓ વધી રહી છે, તેની પાછળ પણ લોકોનો બદલાઇ રહેલો અભિગમ છે. માત્ર ભારતીય યુવાન જ ડેટીંગ બાબતે ઉત્સુક છે, એવું નથી પણ સ્પીડ ડેટ વખતે મહિલાને તેના કુટુંબીજનો સાથ આપવા આવતાં હોવાના કે મિત્રો એકબીજાને સ્પીડ ડેટ્સ ભેટમાં આપતા હોવાના કિસ્સા પણ બનતાં હોય છે. લોકોની જિંદગી એટલી ઝડપથી વહી રહી છે કે 'હમણાં અને અત્યારે જ' એવી વિચારસરણી લોકોમાં ખૂબ પ્રબળપણે વિકસી રહેલી જોવા મળે છે.
આ બાબતે પણ બેવડા ધોરણો પ્રવર્તતા જોવા મળે છે ખરાં. આયોજિત ડેટીંગ પ્રત્યે ઘણાં લોકો જાગૃત બની રહ્યાં છે પણ તેઓ પોતાની ઓળખ છુપાવવા માંગતા હોય છે. મોટા ભાગના લોકો પોતાની આ સંદર્ભે ફોટોગ્રાફી થવા બાબતે વાંધો લે છે. પણ વેબસાઇટ ઉપર ડેટ તરીકે પોતાના ફોટા કે વિગતો મોકલવામાં કોઇ ખચકાટ અનુભવતાં નથી. અમેરિકાના ફ્લોરિડાના મિયામી બીચ ખાતે શરૂ થયેલી એક ડેટીંગની વેબસાઇટમાં ભારતીયોને આમંત્રણ અપાતાં માત્ર મોટા શહેરોનાં જ નહીં પણ ભુવનેશ્વર અને વડોદરાનાં ૧૮થી ૩૫ વર્ષની વયના યુવાનોએ પણ તેમાં ભાગ લીધો હતો.
ટેક્નોલોજીને લીધે યુવાનોની પોતાની જીવનસાથી શોધવાની રીતમાં ખોટી ક્રાંતિ આવી છે. પોર્ટલ પર એકબીજાનાં પરિચય મોકલ્યા પછી ચેટરૂમમાં વાતો કરવા ઉપરાંત આધુનિક પદ્ધતિરૂપે સેલફોનનાં બ્લુ ટુથ ધરાવનાર લોકો ૧૦થી ૩૦ મીટરનાં પરિઘની અંદર એકબીજાને પ્રોફાઇલ મોકલી શકે છે. તેનાથી કારણ વગરનું કોઇનું ધ્યાન પણ દોરાતું નથી અને યોગ્ય વ્યક્તિની શોધ શાંતિથી થઇ શકે છે.
એસએમએસ ડેટીંગ એ અન્ય વિકલ્પ છે. એમાં ગુપ્તતા જળવાઇ રહે છે અને કોઇ જાતનું દબાણ થવાની શક્યતા રહેતી નથી. ડેટીંગ માર્કેટમાં સિંગલ્સ ક્લબોનો પણ રાફડો ફાટયો છે. આ ક્લબો માત્ર સિંગલ પુરૂષો કે સ્ત્રીઓ જ નથી ધરાવતી પણ અહીંના લોકો નવા મિત્રો બનાવવા પણ ઇચ્છતા હોય છે. ઓર્ગેનાઇઝ્ડ ડેટીંગ ૨૦થી ૩૫ વર્ષની વયના લોકો માટે યોજાતી હોય છે. તેમાં ત્રીસીએ અને ચાલીસીએ પહોંચેલા લોકો પણ ખૂબ જોવા મળે છે. તેમાંના કોઇ ડિવોર્સી હોય, જુદા રહેતાં હોય કે જેમના જીવનસાથી મૃત્યુ પામ્યા હોય તેવા લોકો પણ કંપની શોધવા આવતા હોય છે.
એવું નથી હોતું કે ઓર્ગેનાઇઝ્ડ ડેટીંગમાંની દુનિયા હંમેશા સારી જ હોય.
ડેટીંગ ખરાબ નીકળી હોય તેવા પણ અનેક કિસ્સાઓ જોવા મળે છે. વળી, સારાની સાથે ક્યારેક ખરાબ લોકો પણ પોતાના પ્રોફાઇલ મોકલતાં હોય ત્યારે સમસ્યા ઊભી થઇ શકે છે. સિંહ, જે એસએમએસ દ્વારા ડેટીંગ કરતો હતો, તે તેની ડેટ સાથે દિલ્હીની સેન્ટ સ્ટીફન કોલેજના કેફેમાં મળ્યો ત્યારે તેને સમજાયું કે તે યુવતી માત્ર એસએમએસ મોકલવામાં જ હોશિયાર હતી. ''અમારી પાસે વાત કરવા જેવું કાંઇ જ હતું નહીં.'' તે કહે છે. જોકે, આ બધા ઉપાયો વગર કરાતી ડેટીંગ પણ હકારાત્મક નિવડશે, એની કોઇ જ ગેરંટી હોતી નથી. એવા કિસ્સાઓ પણ બને છે કે પોતાની સ્પીડ ડેટીંગને મળવા પુરૂષો દારૂ પીને જાય, તેમના ફોનનંબરનો ગેર ઉપયોગ કરે. આવી વ્યક્તિઓની આયોજકો નોંધ રાખતાં હોય છે અને તેઓ જો ફરીવાર સ્પીડ ડેટીંગ માટે આવે તો તેઓ તેમને ભાગ લેવા દેતાં નથી કે જગ્યા નથી કહીને ટાળી દે છે.
સ્પષ્ટપણે જોવા જઇએ તો આ પ્રકારની ડેટીંગ હજી પણ આપણા સમાજમાં સ્વીકાર્ય નથી. ઘણાં લોકો આવી ફોરમને વળગી રહે છે, તેમાં ભાગ લેતાં રહે છે પણ તેનો સ્વીકાર કરતાં ડરે છે. પોતે સાવ હતાશ થઇ ગયા હોવાથી આવા વિકલ્પો શોધી રહ્યાં છે, તેવી છાપ ઊભી થવા દેવા માંગતા નથી. સમાજ સ્વીકારે કે ન સ્વીકારે, પણ જીવનસાથીને શોધવા જે પ્રકારે શોધ ચાલતી હતી, તેવા પ્રકારની શોધ આજે સંભવિત મિત્રને શોધવા માટે ડેટીંગની મદદથી કરવામાં આવે છે.