એસિડિટીનો ઈલાજ આપણા ઘરમાં જ હાજરાહજુર છે

એસિડિટી એક સામાન્ય રોગ છે અને એ કોઈને પણ થઈ શકે છે. લોકો એસિડિટી મટાડવાની ગોળીઓ લઈને કંટાળી જાય છે. આ તકલીફ થવાનું કારણ શું? પેટની પાચક રસો બનાવતી ગ્રંથિઓ જ્યારે વધુ પડતા એસિડ્સ શોષી લે છે ત્યારે આ તકલીફ થાય છે. બે ટંકના ભોજનમાં બહુ લાંબો ગેપ રાખવાથી, ભૂખ્યા રહેવાથી અથવા તો ચા-કોફી અને આલ્કોહલના વધુ પડતા સેવનથી એ થાય છે. એસિડિટી થયા બાદ છાતીમાં બળતરા થાય છે અને પેટ ભારેભારે લાગે છે એટલે વ્યક્તિ અસુખ અનુભવે છે અને એનો કામ કરવાનો ઉત્સાહ મંદ પડી જાય છે. એસિડિટી થવાના બીજા પણ ઘણાં કારણો છે. જેમ કે તીખુ તમતમતું ભોજન, તળેલી વાનગીઓ, ખાવામાં સતત અનિયમિતતા, શરાબનો નશો, સ્ટ્રેસ, સ્મોકિંગ, રાતના સુતા પહેલા નાસ્તો કરવો, જમ્યા બાદ તરત આડા પડવું વગેરે વગેરે. એસિડિટી વધી જાય તો ઊલટી પણ થઈ શકે છે. લોકો આ તકલીફ થાય ત્યારે ડૉક્ટર પાસે દોડી જાય છે. જ્યારે હકીકતમાં એસિડિટી કાયમ માટે મટાડવાના ૧૦ ઘરગથ્થુ ઈલાજ એમના માટે હાથવગા હોય છે. શું છે એ ઘરગથ્થુ ઉપાયો, આવો જોઈએ :
૧. એલચી :
એલચીના દાણાં પાચનક્રિયાને ઉદ્દીપ્ત કરી પેટમાં પડતી આંટીથી છુટકારો મેળવવાનો અકસીર ઉપાય છે. પેટમાં પેદા થયેલા વધારાના એસિડની અસરોને ખાળી એ આપણા જઠરને સાજુનરવુ રાખે છે. બે એલચી વાટીને એને પાણીમાં ઉકાળો. એ પાણી ઠંડુ થયા બાદ પી જઈને તત્કાળ રાહત મેળવો.
૨. નારિયેળ પાણી :
નારિયેળ પાણીને આયુર્વેદમાં અમસ્તા જ અમૃતનું નથી કહેવાયું. એ પેટને એસિડના અતિશય ઉત્પાદનની હાનિરૂપ અસરથી સુરક્ષિત રાખે છે. નારિયેળ પાણી પીવાથી શરીરનું પીએચ એસિડિક લેવલ ફરી નોર્મલ થઈ જાય છે.
૩. તુલસીપત્રો :
તુલસી જેટલી પવિત્ર છે એટલી મદદરૂપ પણ છે. તુલસી આપણાં પેટને વધુ લાળ કે લીંટ બનાવવા ઉદ્દીપ્ત કરે છે. આ દેશી ઓસડિયામાં વાતહર અને શાતા આપનારા ગુણો હોવાથી એના સેવનથી ગેસ્ટ્રીક એસિડ્સની અસર ઘટી જાય છે. હવે જ્યારે પણ તમને એસિડિટી થાય ત્યારે તુલસીના ચાર-પાંચ પાન ચાવી જવા. વધારાના ઈલાજ તરીકે પાણીમાં તુલસીના ત્રણ-ચાર પત્તા ગરમ કરી એ પાણીમાં મધ નાખીને પી જવું.
૪. કેળા :
ગરીબ અને તવંગર બધાને પોસાય એવા કેળામાં સારા એવા પ્રમાણમાં પોટેશિયમ ઉપરાંત કુદરતી આમ્લ શામક ગુણ હોવાથી એ શરીરમાં એસિડના સ્ત્રાવ સામે બફર બની રહે છે. એસિડિટીથી છુટકારો મેળવવાનો આ સૌથી સહેલો ઘરગથ્થુ ઉપાય છે. એસિડિટી થતી રોકવા રોજ કમસેકમ એક કેળુ ખાવાનો નિયમ બનાવો.
૫. તજ :
પાચનની મોટાભાગની સમસ્યાઓનો ઈલાજ તજ છે કારણ કે એમાં નેચરલ એન્ટી-એસિડ ગુણો છે, જે આપણાં પાચન અને પાચકરસો શોષવાની પ્રક્રિયામાં સુધારો કરવાની ક્ષમતા ધરાવે છે. એક કપ પાણીમાં અડધી ચમચી તજ પાવડર નાખી એને ઉકાળો એ પાણી ઠંડુ કરીને દિવસમાં ત્રણ વાર પીવાનું રાખો.
૬. ફુદીનો :
કોઈ કિચન એવું નહિ હોય જેમાં ફુદીનો ન હોય. એટલા માટે કે એ દાળ-શાકનો સ્વાદ વધારવા ઉપરાંત એક ઔષધી તરીકે પણ ઉપયોગી છે. ફુદીનાના પાન પેટમાં એસિડની માત્રા ઓછી કરી પાચન સુધારવાનું કામ કરે છે. એ પત્તામાં કુલિંગ ઇફેક્ટ પણ છે, જે એસિડનો સ્ત્રાવ વધવાથી પેટમાં થતો દુખાવો અને છાતીની બળતરા ઓછી કરવામાં પણ મદદરૂપ થાય છે. ફુદીનાના પાન કાપી એને ટોપમાં ઉકળતા પાણીમાં નાખી દો. એ પાણી ઠંડુ થયા પછી પીવાનું રાખો. પછી જુઓ તમારી એસિડિટી ગાયબ થાય છે કે નહિ!
૭. છાશ :
ગુજરાતી પરિવારોમાં જમ્યા પછી છાશ પીવાનો રિવાજ છે. એટલા માટે કે છાશમાં લેકટિક એસિડ હોય છે, જે પેટમાં એસિડિટીને નોર્મલ લેવલ પર લાવી દઈ બળતરામાંથી ઇન્સ્ટન્ટ રિલિફ આપે છે. બહુ ઓછા લોકો એ જાણતા હશે કે છાશ એટલે કે બટરમિલ્કમાં કેલ્સિયમ પણ હાજર હોય છે, જે ઉદરમાં એસિડનો સંગ્રહ થતા રોકે છે. એસિડિટીમાંથી તરત છુટકારો મેળવવા છાશમાં કાળા મરીનો ભુક્કો નાખીને પી શકાય.
૮. લવિંગ :
તમે જ્યારે જમ્યા પછી મુખવાસમાં વરિયાળી ખાવ છો ત્યારે હકીકતમાં એસિડિટીની દવા જ કરો છો. વરિયાળી એસિડિટી થતા રોકી આપણાં પાચનતંત્રને સાબુત રાખે છે. આ ઉપરાંત વરિયાળીના બીજમાં જે ઓઇલ્સ હો છે એ અપચા અને પેટના ફુગાવાની અકસીર દવા છે. અડધા કપ પાણીમાં થોડી વરિયાળી નાખી ગરમ કરો. પાણીને ઠંડુ થયા બાદ ગાળી લો. વરિયાળીની આ ચા પીવો એટલે તરત તમે શાતા અનુભવશો.
૯. બેકિંગ સોડા :
એસિડિટીના ઘરગથ્થુ ઇલાજમાં બેકિંગ એટલે કે ખાવાના સોડા પણ આવી જાય. ઈલાજ બહુ સિમ્પલ છે. એક ગ્લાસ પાણીમાં એક ચમચી બેકિંગ સોડા નાખી તરત પી જાવ. જો કે બેકિંગ સોડાનો અલ્પ માત્રામાં જ ઉપયોગ કરવો કારણ કે એનું વધુ પડતું સેવન શરીરનું સંતુલન બગાડી શકે છે. વળી, ગર્ભવતી સ્ત્રીઓ અને જેમને સોડિયમ લેવાની મનાઈ હોય એ લોકોએ આ ઈલાજ કરવાનું ટાળવું.
૧૦. ઠંડુ દૂધ :
સૌથી છેલ્લે આવે છે ઠંડુ દૂધ. કોલ્ડ મિલ્ક ઉદરમાં ગેસ્ટ્રિક એસિડ્સને સ્થિર રાખવામાં હેલ્પફૂલ થાય છે. દૂધમાં પુષ્કળ કેલ્સિયમ પણ મળે છે, પેટમાં એસિડનો જમાવડો થતા અટકાવે છે. હવે પછી તમને એસિડિટી થાય ત્યારે સૌથી પહેલા એક ગ્લાસ ઠંડુ પીવાનું રાખો. જુઓ તમને તરત આરામ મળે છે કે નહિ!
- રમેશ દવે




