Sahiyar

વર્ષાઋતુમાં સ્વાસ્થ્ય-સૌંદર્યની વિશેષ માવજત જરૂરી

By GS Team
27 Jul 20263 mins read
વર્ષાઋતુમાં સ્વાસ્થ્ય-સૌંદર્યની વિશેષ માવજત જરૂરી

ભીની ભીની માટીની મહેક અને લીલીછમ ધરતી સૌના તમ-મનને પ્રફુલ્લિત કરી મૂકે છે. વરસાદમાં પલળવાનો એક અનોખો આનંદ મળે છે, પણ સાથે સાથે આ ઋતુ સ્વાસ્થ્ય અને સૌંદર્યની વિશેષ કાળજી માગી લે છે.
ગૃહિણીઓ કરતાં નોકરિયાત મહિલાઓને ચોમાસામાં વધારે તકલીફ પડે છે, કારણ કે નોકરિયાત મહિલાઓએ રોજ ચોક્કસ સમયે ઘરની બહાર નીકળવું જ પડે છે, પરંતુ વરસાદનો કોઈ ચોક્કસ સમય હોતો નથી. ઓફિસ જવાના સમયે વરસાદ પડતો હોય અને છત્રી કે રેઈનકોટની વ્યવસ્થા ન હોય, ત્યારે ભીંજાવા સિવાય બીજો કોઈ વિકલ્પ હોતો જ નથી. આવા સંજોગોમાં સ્વાસ્થ્ય અને સૌંદર્ય જાળવવું અત્યંત આવશ્યક બની જાય છે.
ચોમાસામાં વાળનું સવિશેષ ધ્યાન રાખવું પડે છે. એક બ્યુટિશિયન જણાવે છે કે, ''વરસાદમાં પલળવાથી વાળ ચીકણા થઈ જાય છે. પરસેવાને લીધે વાળનાં છિદ્ર ગંદા થઈ જાય છે. આથી વાળ નબળા થઈ ખરવા લાગે છે. ચોમાસામાં અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ વખત વાળ ધોવા જોઈએ. ધોયા પછી ભેજવાળા હવામાનને લીધે વાળ સુકાતા ન હોય, તો પંખાની તેજ હવામાં સૂકવવાનો પ્રયત્ન કરો. વાળ પૂરા સુકાય નહીં, ત્યાં સુધી એમને બાંધશો નહીં. જો આવું કરશો તો એમાંથી ખરાબ વાસ આવવા લાગશે, એટલા માટે વાળને ધોયા પછી સૂકવવા અનિવાર્ય છે.''
મમતા એક ખાનગી કંપનીમાં સવસ કરે છે. એના વાળ બહુ લાંબા, કાળા અને ભરાવદાર છે. પોતાના આટલા સુંદર વાળની તેણે કેટલી બધી માવજત કરી હશે? મમતા કહે છે કે, ''ચોમાસામાં વાળની જાળવણી માટે વધુ સમય ફાળવવો પડે છે. રોજ સવારે નવ વાગ્યે ઓફિસ જવા નીકળું છું. જે દિવસે વાળ ધોવા હોય, એ દિવસે હું ૭ વાગ્યે વાળ ધોઈ લઉં છું, જેથી એમને સૂકવવા માટે પૂરતો સમય મળી રહે. ક્યારેક એવું પણ બને કે વાળ સૂકવવાનો સમય જ નથી મળતો અને ઓફિસ જવાનો સમય થઈ જાય છે. એવા સંજોગોમાં હું મારા વાળ બાંધવાને બદલે ખુલ્લા જ રાખું છું. ચોમાસામાં જુદી જુદી હેરસ્ટાઈલ કરવાને બદલે સાદો ચોટલો કે અંબોડો વાળવો એ વધુ સારું છે. વાળ બહુ ટૂંકા હોય, તો પોની વાળવી જોઈએ. વળી, હેર સ્પ્રેનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે વરસાદના છાંટા હેરસ્ટાઈલને બગાડી મૂકે છે.''
મધુ કહે છે કે, ''વરસાદમાં પલળેલા ધોઈને તરત કોરા કરી નાખો. જો વાળમાં ગૂંચ હોય, તો મોટા દાંતવાળો કાંસકો વાપરો. આ રીતે તમે વર્ષાઋતુમાં પણ કાળજી રાખો, તો વાળની સુંદરતા જળવાઈ રહે.''
વરસાદમાં ભીંજાવાને લીધે ત્વચાને લગતા ઘણા રોગ થવાની સંભાવના છે, ખાસ કરીને ચહેરા પર ફોડકીઓ થાય છે અને તેથી સુંદર મજાનો ચહેરો પણ પોતાનું આકર્ષણ ગુમાવી બેસે છે. કવિતા શ્રીવાસ્તવ કહે છે કે, ''આ ઋતુમાં ચહેરા પર ફાઉન્ડેશન બ્લશર, આઈશેડો, મસ્કરા વગેરેનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ. તમને ચાંદલો લગાવવાની ટેવ હોય તો લિક્વિડ ચાંદલો કરવાને બદલે સ્ટિકર બિંદી લગાવો.''
ત્વચાની સંભાળ માટે તમે જાતે પણ ટોનિક બનાવી શકો છો. વળી તે માટે વધારે સમય ફાળવવાની કે ખર્ચ કરવાની જરૂર પડતી નથી. કાકડીના બે ચમચી રસમાં બેટીપાં લીંબુનો રસ ભેળવો. આ પ્રમાણ જાળવીને તમે જરૂરિયાત મુજબ ટોનિક બનાવી શકો છો. આ ટોનિકને ફ્રિજમાં રાખો. લગાવતી વખતે એમાં ગુલાબજળ પણ ભેળવો. આ મિશ્રણને રૂના પૂમડાથી ચહેરા પર લગાવો. ચિકાશ પકડે તે પછી તેને સ્વચ્છ કપડાથી લૂછી નાખો. આમ કરવાથી ચહેરાની ત્વચા સ્વચ્છ અને મુલાયમ રહેશે. એના ૫૨ વરસાદની કોઈ ખરાબ અસર નહીં થાય.
આ ઋતુમાં વસ્ત્રોની પસંદગીમાં પણ ધ્યાન રાખવું જોઈએ. પારદર્શક, કોટન, જરી ગોટા કે તૂઈ લગાવેલાં કપડાં બને ત્યાં સુધી ન પહેરવાં. ડોક્ટરોનું કહેવું છે કે, ''કોટનનાં વસ્ત્રો સ્વાસ્થ્ય અને સૌંદર્ય બંને માટે ઉત્તમ છે,'' તેમ છતાં વરસાદમાં સિન્થેટિક કપડાં જલદી સુકાઈ જાય છે. વળી, સિન્થેટિક કપડામાં સુકાઈ ગયા પછી કરચલીઓ પડતી નથી. આ ઋતુમાં ઘાટા રંગના કપડાં વધુ અનુકૂળ આવે છે.
બહાર જતી વખતે કે ઓફિસે જતી વખતે પર્સમાં કાંસકો, મોઈશ્ચરાઈઝર, હલકા રંગની લિપસ્ટિક અને એક નાનો જાડો હાથરૂમાલ સાથે રાખો, જેથી જો તમે પલળી જાવ, તો ફરીથી સૌંદર્ય નિખારી શકો.