Sahiyar

આત્મસુરક્ષાનાં કવચ-કુંડળ

By GS Team
5 Oct 20263 mins read
આત્મસુરક્ષાનાં કવચ-કુંડળ
  • વંદના ગોસ્વામી

એકવાર સત્યાગ્રહ છાવણીમાં હિંસક શસ્ત્ર રાખીને ફરતી સત્તરેક વરસની એક છોકરી સામે સૌએ વિરોધ નોંધાવ્યો. વડીલોએ કહ્યું કે 'ગાંધીબાપુ પાસે અમે ફરિયાદ કરીશું' ત્યારે છોકરીએ કહ્યું કે 'સ્વરક્ષણ માટે સ્ત્રીઓએ હથિયાર રાખે એમાં ખોટું શું છે ? તમે શું ફરિયાદ કરવાના ? હું જ સામે ચાલીને બાપુને આ વાત જણાવીશ.'
ગાંધીજી રાજકોટ આવ્યા એટલે છોકરી રાજકોટ પહોંચી. અનેક લોકોથી બાપુ ઘેરાયેલા હતા. બાપુ એકલા પડયા એટલે પુષ્પાએ પહોંચી ગઈ. પોતાની કમરમાં રાખેલી કટાર બાપુના ખોળામાં મૂકીનેને જણાવ્યું કે 'પોતે અનેક અજાણ્યાં ગામોમાં સ્ત્રીઓને ગાંધીસંદેશ પહોંચાડે છે એટલે સ્વરક્ષણ માટે હથિયાર રાખે છે. આપ કહો તો નહીં રાખું.'
બાપુએ રાજી થઇને કહ્યું 'તારી વાત મને ગમી છે, સ્વરક્ષણની કળા તું બીજી બહેનોને પણ શીખવ.'
એ યુવતીએ બાપુની આજ્ઞાાનું પાલન કરી બહેનોના આત્મરક્ષણના આજીવન કર્યું, એ વિચાર બીજ વટવૃક્ષ થઇ ઋતંભરા વિશ્વવિદ્યાપીઠ સ્વરૂપે પાંગર્યું.
એ યુવતી એટલે મહાન સ્વાતંત્ર્ય સેનાની પૂણમા પકવાસા.
દીકરી તો દુર્ગાનું સ્વરૂપ છે, પ્રત્યેક દીકરી શક્તિ છે આપણે શક્તિના ઉપાસકો છીએ, આપણા પૌરાણિક દેવીઓથી માંડીને ઝાંસીની રાણી કે લોકમાતા અહિલ્યાબાઈ સુધી દરેકે પોતાના સ્વ અને સ્વદેશનું રક્ષણ કર્યું છે. આ સંદર્ભમાં આધુનિક જમાનામાં દરેક દીકરી પોતાની એ સુષુપ્ત શક્તિ જાગ્રત કરે અને સમાજના દૂષણો અને દુર્જનો સામે લડી અને વિજેતા થવાની જરૂર છે. ઈ. પૂ. ૩૦૦ વર્ષ પહેલાં ભારતમાં સ્ત્રીઓની પરિસ્થિતિ ખૂબ સારી હતી. ભગવાન મનુએ જણાવે છે કે ઉપાઘ્યાયથી આચાર્ય દસગણા, આચાર્યથી પિતા સોગણા અને પિતાથી માતા હજારગણી વધુ પૂજ્ય છે. આ આદર્શ મુઘલ શાસનકાળ દરમિયાન ભૂસાઇ અને ભૂલાય ગયો. પછી સ્થિતિ વકરતી ગઈ. બંગાળમાં રાજા રામમોહનરાય, પંડિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, મહારાષ્ટ્રમાં જ્યોતિબા ફુલે, ગોપાલ ગણેશ આગરકર અને ગુજરાતમાં વીર નર્મદે આ નારી ઉત્થાન માટે ઉત્તમ પ્રયાસો કર્યા. બીજું વિશ્વયુદ્ધ પૂરું થતાં ભારતને આઝાદી મળી. હિંદુ કોડ બિલ બનાવી મહિલાઓની સ્થિતિ સુધારવા પ્રયત્ન આદર્યો.
સ્ત્રીઓના આત્મરક્ષણ (જીીનક-ઘીકીહજી) માટે મુશ્કેલીના સમયે તુરંત પોલીસ સહાય મેળવવા માટે નંબરો હંમેશા યાદ રાખો. હુમલો કરનારની આંખો, નાક, ગળું, ઘૂંટણ અને ગુપ્ત ભાગો પર વાર કરો. હથેળીનો ઉપયોગ મુક્કો મારવાને બદલે હથેળીના નીચેના મજબૂત ભાગથી હુમલાખોરના નાક કે ગળા પર પ્રહાર કરો. સુરક્ષા માટે હંમેશા મોંઘા સાધનોની જરૂર નથી હોતી, તમારી બેગમાં રહેલી વસ્તુઓ જ તમારું રક્ષણ કરી શકે છે, ચાવીઓને આંગળીઓની વચ્ચે પકડીને પંચ તરીકે ઉપયોગ કરી શકો. હુમલાખોરના હાથ કે ગળા પર સેફટી પીન કે પેનથી તીક્ષ્ણ પ્રહાર કરી શકો છો. મુસાફરી દરમિયાન પેપર સ્પ્રે હંમેશા હાથ વગો રાખો અને હુમલાખોરની આંખોમાં છાંટો. કોઈ શંકાસ્પદ દેખાય તો ચૂપ રહેવાને બદલે મોટેથી બૂમો પાડો. હંમેશા આત્મવિશ્વાસથી ચાલો કેમ કે નબળા દેખાવથી ગુનેગાર તમને ટાર્ગેટ સમજે છે. રાત્રે ઓટોમાં જતા સમયે તમારા પરિવાર સાથે લાઈવ લોકેશન શેર કરો. ગુજરાત સરકાર દ્વારા સરકારી શાળાઓમાં રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ હેઠળ કરાટે અને જુડોની બેઝિક તાલીમ આપવામાં આવે છે. દરેક બહેનોએ આજે આત્મસુરક્ષા નામનું કવચ બાંધવું રહ્યું.
સમાપન
જીવનમાં જો કોઈ ખરાબમાં ખરાબ દોષ હોય તો તે નિર્બળતા છે.

  • પ્રેમચંદ