વાચકની કલમ

વર્ષારાણી
વર્ષારાણી મદમાતી રૂમઝૂમ પધારી
અંગે ઓઢી નવરંગ ભીની ચુંદડી
ટપ… ટપ વરસી રહી
છમ-છમ ગાતી રહી
યૌવનમાં આગ લગાડી
ઠંડી હવા સંગે વધતી રહી
તપતી ધરતીને ઠંડકની ચુંદડી
ઓઢાડી હરખી રહી વર્ષારાણી
વૃક્ષ નગરી રહી ખૂબ ડોલી
પાંદડે-પાંદડે ગીત ગાતી રહી
વરસ… વરસ મેઘા વરસીને
ખુશીની લ્હાણી કરતી રહી
જગતતાત કિસાન ડોલે
ધરતીના હૈયા હિલોળે ચઢે
નાના ભૂલકાં ભીંડાઈને
નાચતા કૂદતા ગીતો ગાશે
નાવડી લઈને નીકળી પડશે
ઝૂમી ઝૂમીને ગીતો ગાશે
વર્ષારાણીની મહેરબાની થકી
ડૂંડા ખેતરોમાં રહેશે ડોલી
માનવહૈયા રહેશે હરખી
આનંદની વહેશે કંઈક સુરખી
ધન્ય ધન્ય વર્ષારાણી
દેતી જીવનને તે ઉજાળી
'જીવો અને જીવવા દો'
સૂત્રને સાકાર કરતી
ભારતી પી. શાહ (અમદાવાદ)
કુંવારી કન્યાની વેદના
કયા ગામની લાડીને કયા ગામનો વર?
સૈયરા ઢોલ વાગસ લંકાની લાડીને ઘોઘાનો વર
સાહેલી મોરી! વાજાં વાગસ
પાછર ઢોલઢમકે ને છલડું મારું ચમકે
સૈયાર! ઢોલ વાગસ ફરતો ફાગણા આવે ને
વાય વૈશાખી વાયરો સાહેલી મોરી! વાજાં વાગસ
મૈયર મારું નોંધારું ને મોસાળે સૂનકાર
સૈયરા! ઢોલ વાગસ
લખ્યા લલાટે લેખ ને લખ્યું તે લેવાય
સાહેલી મોરી! વાજાં વાગસ
કંકર એટલા પૂજ્યા શંકર ને
નાગલા અપરંપાર સૈયર! ઢોલે વાગસ
આથમણો સૂરજ આથમે ને ઉગમણે ઉજાસ
સાહેલી મોરી! વાજાં વાગસ
થઈસ તારો માડીજાઓ,
ને હું થાઉં તારી લુણારી સાહેલી મોરી તારા
નામનો ઢોલ વાગસ
ગિરિશ મેસરિયા (માણસા)
હતી મેઘલી રાત
સુરજ તો ક્યારનો સૂઈ ગ્યો 'તો
ને શ્વેત ચાંદો કાળા ડિબાંગ
વાદળોથી બીયને છુપાઈ ગ્યો 'તો
કુતરાના થયા કાન ઊચા
એ પણ જુઠુ જ ભસતુ 'તું
જાણે કોઈના આવવાના એંધાણ
તેને થયા 'તાં ને કાળી બિલાડી કરતી 'તી
ઘુરકિયા એક બાજુ તમરાનો
કર્કશ અવાજ ચામાચીડીયા
ટોળે વળી કરતા 'તા ચીચિયારીયું
બારી બારણાં અંદરથી વાસી ને
લઈ ભગવાનનું નામ, હું પોઢી ખાટલે
નીદર રાણી આવું આવું થતી 'તી
ત્યાં તો અચાનક બારણું ખખડવા લાગ્યું
જાણે કોઈ બહારથી મારતું 'તું
જોરથી ધક્કો બારણાની સાકળ પણ
બીકમાને બીકમા તેની લાગી 'તી ધુ્રજવા
હું તો પડી વિચારમાં આ અડધી રાતે કોણ હશે?
જોયું બારણાની તીરાડમાંથી ગગને
મોટો વીજળીનો કડાકોને તેજ લિસોટો
અને આભેથી વરસ્યો વરસાદ…?
રેખા રસિક નાકરાણી (નવી મુંબઈ)
બસ આમ જ શરમાઈ જશો!
એક જ મુલાકાત થઈ છે
હજુ વાત અધૂરી થઈ છે
બસ, આમ જ શરમાઈ જશો
નીત કરો વોટ્સએપ પર વાત ઘણી
નીત કરો ચેટ ને ઇન્સ્ટાગ્રામ
પર વાત ઘણી
બસ, આમ જ શરમાઈ જશો
કુદરતના ખોળે મુલાકાત થઈ ગમતી
મન મૂરાદે મળી રંગીન મુલાકાત ગમતી
બસ, આમ જ શરમાઈ જશો
થઈ છે વાત ઘણી પ્રમ ભરી
થઈ છે મુલાકાત આજ પ્રેમ ભરી
બસ, આમ જ શરમાઈ જશો
આમ જ ચાલ્યા જશો અધૂરી વાતે
એક નજર કરી તો જુઓ આ બાબતે
બસ, આમ જ શરમાઈ જશો
ફરી મળવાના કોલ આપી જશો જરા
ફરી નજર ફેરવી હસી જોશો જરા
બસ, આમ જ શરમાઈ જશો
પાછા ફરી નજર મિલાવી કહો તો ખરા
પાછા ફરી ક્યારે મળશો કહો તો ખરા
બસ, આમ જ શરમાઈ જશો
બંકિમચંદ્ર બ્રહ્મભટ્ટ 'ચંદ્ર' (અમદાવાદ)
ધાત
હોય જેના દિલમાં દર્દની પીડા
પૂછો એની શું હાલત છે?
જાગ્યા હોય ને સિતારા સાથે રાતભર
ખબર માત્ર એને હોય શું રાત છે?
અટવાઈને નીકળ્યા હોય ઘોર અંધકારથી
જાણતા એ હોય કે શું પ્રભાત છે?
એવો વરસાવે પ્રેમ કે હૈયું પીગળી જાય
પૂછો એને કે શું વરસાદ છે?
માંડ બચ્યા હોય નજરના તીરથી
પૂછો એને કે શું 'ધાત' છે
મણિલાલ ડી. રૂઘાણી (રાણાવાવ)
દીલનાં તોરણે
રોજ ટહુકે છે પંખીઓ પારણે
નિત પરોઢે નૂરલાવે આંગણે
જાગ મનવા ભીતરેથી એ ક્ષણે
લાભશુભ પણ ઊભા છે બારણે
કેસુડા મ્હોરી ઉઠયા છે ફાગણે
હર ખુશીને બાંથ દીલના તોરણે
સૌ અભરમાં ઓરતા પૂરા થશે
અવસરોની લે મજા હર ટાંકણે
જિંદગી 'અંજાન' જીવો શાનથી
મોતને વટભેર ભેટશું આપણે
અબ્દુલ ગફુર 'અંજાન' (પંચમહાલ)
મન
હું કંઈ વિચારતી નથી
છતાંય વિચારે છે મારું મન
હું કંઈ જ લખતી નથી
છતાં પણ ખૂબ લખે છે
મારું મન
કોઈ એકાંતના
ખૂણે બેસી રહું છું
છતાં પણ
વિહરે છે
મારું મન
સદાય
હું સ્વસ્થ
દેખાઉ છું
છતાંય અસ્વસ્થ છે મારું મન
દોસ્તોની મહેફીમાં
મલકું છું
છતાંય એકલવાયું છે મારું મન
કોઈ અતીતના વિચારે મલકી જાઉં છું
છતાંય ઉદાસ છે
મારું મન
આ એકલી વ્યસ્ત છે
જિંદગી
છતાંય વેદનાગ્રસ્ત છે મારું મન
મીના બી. લીંબડ 'વેદના' (સચીન)
કાગળના ફૂલોની વચ્ચે
કાગળના ફૂલોની વચ્ચે
ભ્રમરોના ગુંજની આશા
કરી હતી મેં….
મધદરિયે તૂટેલા વ્હાણે
તરી જવાની વૃથા કલ્પના
કરી હતી મેં….
મેલાં ઘેલાં ચીંથરાં વીટી
વાઘ થવાની પરિકલ્પના
કરી હતી મેં….
પોતાના પરિશ્રમથી થાકી
મરી પડેલાં હરણાં જોતાં
આજ શિકારીને સમજાયું
કેવી ભ્રામક જીવન કલ્પના
કરી હતી મેં….
કાગળના ફૂલોની વચ્ચે
ભ્રમરોના ગુંજનની આશા
કરી હતી મેં….
નરેન્દ્ર રાવળ (વડોદરા)




