વાચકની કલમ

આવ્યા કૃષ્ણ મોરારી
(રાગ-પ્રભુને ભક્તો છે બહું વ્હાલા)
જગતમાં આવ્યા કૃષ્ણ મોરારી
ધરમની ધજા ફરકાવી - જગતમાં…
પાંડવોના કામ જ કીધાં,
દ્રૌપદીના ચીર તમે પૂર્યાં
દુખડાં લીધાં વારી વારી- જગતમાં….
મામા કંસને તમે સંહાર્યો,
કાળ યવનને દ્વારિકામાં માર્યો
ભાર ભૂમિનો ઉતારી - જગતમાં….
મીરાંબાઇના ઝેર તમે પીધાં,
નરસૈયાના કામ તમે કીધાં
દુ:ખમાં આવ્યા
દોડી દોડી- જગતમાં….
સંત સખુબાઇ દ્વારિકા ગયાં છે,
ઘરના કામ તમે કર્યાં છે
બની ગયા પનિહારી- જગતમાં…..
શેઠ સગાળસા ચંગાવતી રાણી,
પુત્ર ચેલૈયાની ભક્તિ પ્રમાણી
કશોટી કરી બહુ ભારી- જગતમાં….
ભક્તિ અમારી શક્તિ તમારી,
ગુણલા નિશદિન ગાઉં મોરારી
ભાવના ભૂખ્યા છો વનમાળી
ઇશ્વર છો અવતારી- જગતમાં…
ભગુભાઇ ભીમડા (હલદર-ભરૂચ)
'બસ! મળે મને'
સપનાઓને છોડ તું…,
બસ! મળ મને…,
આ રાતનો અંધકાર ચીરી
હવે બસ, મળ મને…
જીંદગીની વાર્તાઓ ખૂબ છે,
વિસરી બધી એ યાતના
હવે, બસ મળ મને…
વહેતું રહેશે, પ્રણય ઝરણું,
તું રોકેશે એને ક્યાં સુધી?
બની જા ખુદ બધી યાદો,
પછી બસ, મળ મને…
વેદના તો છે, ને રહેવાની સદા,
કિનારો છોડને ચાલો સફર
હવે, બસ મળ મને
વિચારીશ કેટલું?
કોને કહીશું તું આ બધું?
ફૂલોનાં બાગમાં, ખુદ ફૂલ બની
હવે, બસ મળ મને.
અનિલ કે. ધનગર 'અશ્મિ' આહવા (ડાંગ)
યશોદા મૈયાનો શ્યામ…
ભક્તોની ભીડમાં મને
મળ્યો નહિ યશોદા મૈયાનો શ્યામ
મારે હવે કેમ કરીને પહોંચવું ગોકુળ ગામ?
ગાવડીયું ચરાવતા ચરાવતા
વાંસળી વગાડતો જોવો તો?
અખંડ બ્રહ્માંડમાં એનું,
ગુંજી ઉઠતા ચારે કોર,
છવાય ગયું… તું નામ
મોરલા ભલે, ને ટેહુકતા રહે,
મન મૂકીને, ભલેને,
શ્રાવણીયો વરસતો રહે,
યમુનાજી નદીના ઘુઘવતા,
પવિત્ર પાણીનો ધરાય ધરાયને
પીવો છે, ભક્તિ કેરોજામ.
દુહા લલકારે છે, ગોવાળીયાને,
ધ્યાન મગ્ન બની ગઇ છે, ગોવાલણી
એનો..જ, જ્ઞાાતિનું ખરેખર,
ગોવાલણી પામી,
ગઇ તી, એક રૂડેરૃં ગુમાન
આવો ભાવ ધરીને કંડારેલી,
કવિતાની જે કોઇ કડીયું લલકારશે,
કાચલિયા કહે એનું કાડું પકડીને,
ભવસાગર પાર કરાવી દેશે,
યશોદા મૈયાનો શ્યામ
નવિનચંદ્ર રતિલાલ કાચલિયા (નવસારી)
સ્વીકારીને રહું
મિલનની એ ક્ષણ આપે છે ઘણું
મિત્ર એનાથી વધારે તને શું કહું
નથી કોઈ આપણી આસપાસ બેઠું
છતાં તું કહે તમે ધીમે બોલો થોડું
હું અંગત વાતો તારી સાથે શેર કરું
હું તારી સાથે છું પ્રેમથી તને કહું
તારી હા મા મારી હા
ભળે તું ગમે છે વધુ
હું સાચું કહું ત્યારે તને લાગે છે ખોટું
વ્યસ્ત હોવા છતાં તું મને મળવા આવું
મોજ મસ્તીને હરવું ફરવું
તારી ઇચ્છા પૂરી કરું
મારી ખુશી માટે ઘણું કર્યું
એ ના ભૂલી શકું
મન મળ્યું છે સાથે
રહીને મોજથી જીવી જાણું
'આકાશ' માગ્યું નથી
છતાં તું આપે છે ઘણું
પ્રભુ સારું જ કરશે
એટલું સ્વીકારીને રહું
કિરણભાઈ આર. પંચાલ 'આકાશ' (વડોદરા)
લલાટે લેખ
કેવા લખાવ્યા તે લલાટે
લેખ જિંદગી
મારા મુકદરમાં મહેનતની
છે મેખ જિંદગી
સુખનું વિચારું ત્યાં
ઊભા સામે મલાલ છે
દુખને વટાવું કેમનો?
એકેક જિંદગી
મુરઝાઈ આશાઓ
દિઠી તોફાન આંગણે
બાકી રહ્યા હાથોમાં
ખંડેરેખ જિંદગી
સપના બધાઓ ખાક
થૈને ઉડી ગયા
બાકી રહી નયનોમાં
એની એક જિંદગી
શિકવા કરું કોના હવે?
છે નામ રૂપાળા
ખાબોચિયે છુંટી ગયા
તું દેખ જિંદગી
અંધારું દીલમાંથી
હવે ખસતું જ પણ નથી
માગું અગમની રોશની
દે ટેક જિંદગી
દુખો જનમની સાથ લખ્યા
'અંજાન' હો ભલે
ક્ષણની ખુશીનો કોઈ
હો ઉલ્લેખ જિંદગી
અબ્દુલ ગફુર 'અંજાન' (પંચમહાલ)
ઘરદે
એ જ જનમ એજ જિંદગી
એજ મરણ છે
ને કબર સુધી લઇ જવાતું
એજ કફન છે
એજ ચાંદ એજ સુરજ
એજ સિતારા છે
વરસો જૂનું જુઓ
એજ ગગન છે
બહાર આવે ફૂલ ખીલે
પાનખરે ખરે પાન
ઋતુ ઋતુએ બદલતું
એજ ચમન છે
એજ ઢોલ એજ શરણાઇ
એજ ફટાણાં છે
માંડવા નીચે સજેલા
એજ દુલ્હો દુલ્હન છે
અહી નવું કરવાની
કઇ મરજી થઇ નહીં
કોડે પડી ગયેલું દોસ્તો!
એજ જીવન છે
મણીલાલ ડી. રૂધાણી
(રાણાવાવ)
માણસ છું
માણસ જેવો માણસ છું
પોચટ છું, પથરાળો છું,
માણસ જેવો માણસ છું
આકાશે અનથક ઉડવું
આ ધરતી પર તરફડવું,
ઘાયલ છું, પાંખાળો છું
માણસ જેવો માણસ છું
આંખે અશ્રુની ધારા,
હોઠે સ્મિતના ઝબકારા
ખુલ્લો છું મર્માળો છું
માણસ જેવો માણસ છું
ધિક્કારું છું હું પળમા,
પ્રેમ પણ કરું છું
હું પળમાં આંશિક છું
કજિયાળો છું પણ માણસ
જેવો માણસ છું
વૈશાખે પાણી પાણી ચૈત્રે
લઝુરતી વાણી ભેજલ છું
તડકાળો છું માણસ જેવો માણસ છું
શ્વાસોની માયા મૃત્યુની નિશદિન છાંયા
ક્ષણ ક્ષણનો તરગાળો છું,
માણસ જેવો માણસ છું
નિત્ય વસે મારા હૃદયમાં
એ ઇશ્વરને પામવા
નિરંતર વહેતી આ જીવનની
સુખ દુખની સફરમા તણાતો
છતાં ડુબતો રહેલો સુરજ જેવો માણસ છું.
મીનાક્ષી દેસાઇ (વડોદરા)




