કારકિર્દીમાં બ્રેક પછી રમો 'નવી ગિલ્લી, નવો દાવ'

નેહા પોતાના પાંચ વર્ષના પુત્રને બગીચામાં લઈ જઈ રહી હતી ત્યારે અચાનક જ તેનો ભેટો સુરાહી સાથે થઈ ગયો. એક સમયની સહકર્મચારીણીઓ એકી વખતે અલગ અલગ ઓટોરિકશામાંથી ઉતરી અને એકમેકને જોતાં જ ખુશીની મારી ઉછળી પડી. બેઉ જણી એકસાથે બોલી પડી, 'તું અહીં?' અને એકબીજાને ભેટી પડી. નેહાએ કહ્યું, 'આજે હું મારા દીકરા સાગરને અહીં ફરવા લઈ આવી.' સુરાહીએ પણ ઉત્સાહપૂર્વક કહ્યું કે 'આજે શનિવાર છે એટલે હું પણ મારી દીકરી શીતલને અહીં લઈ આવી.'
બંને સખીઓએ એકબીજાના બાળકોને હેતપૂર્વક બોલાવ્યાં અને તેમના હાથ પકડી ઉદ્યાનમાં પ્રવેશી પોતાની મમ્મીઓને પરસ્પર વાત કરતી જોતાં જ સાગર અને શીતલે પણ ગણતરીની મિનિટોમાં દોસ્તી કરી લીધી અને એકબીજાના હાથ પકડી રમવા દોડી ગયા. બાળકોને રમતાં જોઈને બંને સખીઓ એક બાંકડા પર બેઠી. બેસતાવેંત નેહાએ સુરાહીને પૂછ્યું, 'તેં ફરીથી જોબ પર જવાનું શરૂ કરી દીધું ? આપણી જૂની કંપનીમાં જ ફરીથી જોડાઈ કે પછી નવો જોબ શોધ્યો?'
નેહાને ઉત્તર આપતાં સુરાહીએ કહ્યું 'નવો જોબ લીધો. શીતલ ત્રણ વર્ષની થઈ એટલે ઘરની નજીક જોબ શોધવા માંડી અને સદનસીબે મારા ઘરથી ૧૦ મિનિટના અંતરે આવેલા એક કોર્પોરેટ પાર્કમાં નોકરી મળી પણ ગઈ. ત્રણ વર્ષથી ત્યાં કામ કરું છું. સવારના ઘરનું કામ આટોપીને શીતલને ડે-કેરમાં મૂકી આવું અને ત્યાંથી સીધી ઓફિસે જવા નીકળી જાઉં. સાંજે ઓફિસેથી નીકળીને સીધી શીતલને ડે-કેરમાંથી લઈને જ ગરે જાઉં. ત્રણ વર્ષથી આ રૂટિન સેટ થઈ ગયું છે.'
સુરાહીનો ઉત્તર સાંભળીને નેહાની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. સાથે સાથે તેણે થોડી લઘુતાગ્રંથિ પણ અનુભવી. જોકે લઘુતાગ્રંથિને મનના ખૂણે ધરબી દઈને તેણે સુરાહીને લાગવું જ પૂછી લીધું, 'તને નવો જોબ કેવી રીતે મળ્યો. શું તને ત્રણ વર્ષના બ્રેક પછી ફરી કામે ચડતાં ડર ન લાગ્યો. ઝપાટાભેર બદલાતી જતી ટેકનોલોજી સાતે તેં શી રીતે મેળ પાડયો. મારો તો ફરીતી નોકરી કરવાનો આત્મવિશ્વાસ જ ડગી ગયો છે.'
નેહાની વાત સાંભળીને સુરાહીને જરાય નવાઈ ન લાગી. તેણે પોતાની આસપાસે નેહા જેવી ઘણી યુવતીઓને જોઈ હતી, જેમણે એક અથવા બીજા કારણસર નોકરીમાંથી બ્રેક લીધો હોય ત્યારબાદ તેમને નવેસરથી જોબ કરતાં ડર લાગવા માંડયો હતો. તેણે તદ્દન સહજતાથી સુરાહીને જવાબ આપ્યો, 'આ રીતે આત્મવિશ્વાસ ગુમાવી બેસનારી તું એકલી નથી. તારી જેમ ઘણી યુવતીઓ જોબ પરથી બ્રેક લે ત્યાર બાદ નવું કામ શોધતાં ગભરાય છે. પણ મેં મારી જાતને અપડેટેડ રાખી હતી. હું Linkedin Learningમાં જોડાઈ. મેં મારા ફિલ્ડને લગતો કોર્સ કરીને મારી સ્કિલ અપડેટેડ રાખી. ત્યાર પછી મેં Linkedin પર મારું પ્રોપાઈલ અપડેટ કર્યું અને open to work ફીચરનો ઉપયોગ કર્યો. મેં મારા રેઝ્યુમમાં પણ બ્રેક લેવાનું સાચું કારણ જણાવી દીધું હતું. સાથે સાથે ગરે બેસીને હું શું શીખી તેનો ઉલ્લેખ પણ કર્યો. હા, મારા ભાગ્યએ પણ મને સાથ આપ્યો અને હું નવી નોકરીમાં જોડાઈ ગઈ.'
નેહા સુરાહીની વાત ધ્યાનપૂર્વક સાંભળી રહી હતી. તેના ચહેરા પર અફસોસ તરી આવ્યો. તે વિચારી રહી કે તેણે નાહક જ સમય વેડફી નાખ્યો. તે પણ આવુ કાંઈક કરી શકી હોત. નેહાનો ચહેરો વાંચીને સુરાહીએ અત્યંત શાલીનતાથી તેને કહ્યું, 'હજી પણ કાંઈ મોડું નથી થઈ ગયું. તું ચાહે તો તરત જ આવો કોઈ ઓનલાઈન કોર્સ કરીને તારા કૌશલ્યને પુન:જીવિત કરવા સાથે અજવાળી પણ શકે છે. પ્રયાસ તો કરી જો, વહેલી-મોડી નોકરી પણ મળી જશે અને તું ગુમાવેલો આત્મવિશ્વાસ પણ પાછો મેળવી શકીશ.' નિષ્ણાતો કહે છે કે સુરાહીની વાત સો ટકા સાચી છે. સંજોગવશાત્ જોબ છોડીને ઘરમાં બેસવાની નોબત આવે ત્યારે મોટાભાગની મહિલાઓ પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે. તેમને એમ લાગે છે કે હવે તેમને નવી નોકરી નહીં મળે અને મળશે તોય તમારા માટે નવેસરથી કામ કરવાનું મુશ્કેલ બની જશે. પરંતુ આ તેમનો ભ્રમ છે. જો તેઓ મનના ડરને કોરાણે મૂકીને નવો જોબ મેળવવાના પ્રયાસો હાથ ધરે તો બ્રેક પછી પણ કારકિર્દીમાં આગળ વધી શકે. હા, બ્રેક દરમિયાન તેઓ સુરાહી જેવી સ્માર્ટનેસ દાખવી શકે. આજની તારીખમાં Coursera, Harvard online, vdemy ઇત્યાદિમાં જોડાઈને પોતાના ફિલ્ડને લગતી નવી નવી જાણકારી મેળવી શકે છે. તેના સિવાય તેઓ 'ગૂગલ'નો ડિજિટલ માર્કેટિંગગ કોર્સ, મેટાનો સોશ્યલ મીડિયા માર્કેટિંગ કોર્સ કરીને તેના સર્ટિફિકેટ મેળવી શકે. એટલું જ નહીં, મહિલાઓ માટેની ખાસ પ્રોફેશનલ કમ્યુનિટી herkey.com, sheroes.com ઇત્યાદિમાં પણ જોડાઈ શકે. જો જે તે યુવતી આવા નાના નાના પ્રયત્નો જારી રાખે તો કારકિર્દીનો બ્રેક તેને મનથી તોડી ન શકે. તેઓ વધુમાં કહે છે કે આપણા સમાજમાં આજે પણ ઘર સંભાળવાની જવાબદારી મહિલાઓના શિરે જ હોય છે. તેઓ માતા બનવાની હોય ત્યારે બ્રેક લે એ તદ્દન સ્વાભાવિક છે. પરંતુ ઘરમાં વડિલોને સાચવવાના હોય, પતિની નોકરીમાં ટ્રાન્સફર આવી પડે કે અન્ય કોઈ કારણ હોય, નોકરી તેમને જ છોડવી પડે છે. આવી સ્થિતિમાં તેઓ પોતાની સર્જનાત્મકતા જાળવી રાખે, પોતાના ક્ષેત્રને લગતું અથવા અન્ય કાંઈક નવું નવું શીખતી રહે, અત્યાધુનિક ટેકનોલોજીની જાણકારી રાખે તો તે પોતાની કારકિર્દી ફરીથી શરૂ કરી શકે. હા, કેટલીક વખત તેમને પદ અને પગાર બાબતે થોડું સમાધાન કરવું પડે એવું બને. પરંતુ કાંઈક પામવા કશુંક ગુમાવવું પડે એમ માનીને તેઓ નવી શરૂઆત કરી શકે. એક વખત તેઓ કામે ચડી જાય તો ભૂતકાળના અનુભવને કામે લગાડીને ઝડપથી આગળ વધવાનું તેમના માટે મુશ્કેલ ન બને.
નિષ્ણાતો ઉમેરે છે કે કારકિર્દીમાં બ્રેક પછી મોટી કંપનીનો મોહ છોડનારી યુવતીઓને સ્ટાર્ટઅપ્સમાં વધુ સારી તકો મળી શકે. તેઓ ચાહે તો પાર્ટટાઈમ જોબથી પણ કમબેક કરી શકે. ટૂંકમાં એમ કહી શકાય કે 'હવે મારાથી થશે કે નહીંય'નો ડર કોરાણે મૂકીને દ્રઢ સંકલ્પ સાથે 'નવી ગિલ્લી, નવો દાવ' રમનાર રમનાર અચૂક વિજયીકૂચ કરી શકે.
- વૈશાલી ઠક્કર









