Sahiyar

મોડર્ન માનુનીઓનો મનપસંદ પારંપારિક લુક

By GS Team
3 Aug 20262 mins read
મોડર્ન માનુનીઓનો મનપસંદ પારંપારિક લુક

આજની નારી વિચારસરણી પ્રમાણે આધુનિક બની છે. શિક્ષિત માનુની સ્ત્રી સ્વતંત્રતા તથા સમાન હકની હિમાયતી છે. પ્રત્યેક ક્ષેત્રમાં પુરુષ સાથે ખભેખભા મિલાવીને આગળ વધતી આ માનુની દેખાવની બાબતે હજી પણ પરંપરાગત લુકની અપેક્ષા રાખે છે. ભારતીય નારીનો ચહેરો અને તેનો દેખાવ ચોક્કસ પ્રકારનો છે એટલે તેને અનુરૂપ જ તે વસ્ત્રો, ઘરેણા તથા અન્ય એસેસરીઝ પસંદ કરે છે.
આધુનિક નારીએ પારંપરિક દેખાવ માટે થોડી વાતો ધ્યાનમાં રાખવી જોઈએ. જેમ કે, પ્રત્યેક સ્ત્રીએ ચોક્કસ પ્રકારનાં સમારંભોે તથા પ્રસંગે હમેશા પોતાના પારંપરિક પરિધાનને જ પહેરવો. ગુજરાતી સ્ત્રીઓએ સાડી પહેરવાનો જ આગ્રહ રાખવો. યાદ રાખો કે, વ્યક્તિ માત્ર કપડાંથી આધુનિક નથી બનતી. પરંતુ વિચારો દ્વારા આધુનિક દેખાય છે. તેથી હમેશાં આગવા અને આકર્ષક દેખાવ માટે સામાજીક પ્રસંગે ઈન્ડો-વેસ્ટર્ન વેર કે પાશ્ચાત્ય પરિધાનને બદલે સાડી પહેરવી. આકર્ષક રીતે પહેરાયેલી સાડી તમારા દેખાવને ગરિમા આપે છે. તે ઉપરાંત ભારે સાડીની ડિઝાઈન ક્યારેય જૂની થતી નથી. વર્ષોેના વર્ષો તમે ઘરચોળા, પાનેતર, પટોળા, બાંધણી, પૈઠણી, કાંજીવરમ વગેરે બધી જ સાડી પહેરી શકો છો. અને તે ક્યારેય આઉટ ઓફ ફેશન ગણાતી નથી. હા, સમયના પરિવર્તન સાથે તેને પહેરવાની ઢબમાં ચોેક્કસ પ્રકારનો ફેરફાર કરવો જેથી દેખાવ જુદો લાગે.પારંપરિક દેખાવમાં સોના કરતાં ચાંદીના ઘરેણાંઓનું મહત્ત્વ અધિક છે. સોેનાના આભૂષણો ઝાકઝમાળભર્યા લાગે છે જ્યારે ચાંદીની જ્વેલરી જાજરમાન દેખાય છે. ચાંદીના મોટા-મોટા ઝુમખાં, પાયલ, વીંટી બંગડી તથા હાંસડી ખૂબ જ સુંદર દેખાય છે. એન્ટીક ડિઝાઈનનાં આભૂષણોની ફેશન ક્યારેય જતી નથી. બહારગામ ફરવા જાવ ત્યારે બને ત્યાં સુધી પ્રત્યેક રાજ્યની સાડી અને ત્યાંની સંસ્કૃતિ દર્શાવતાં ઘરેણાંનંું કલેક્શન ભેગું કરવું. જેમ કે, બોમકાઈ, કાંજીવરમ, વલકલમ્ વગેરે. ગમે ત્યારે મૂડ આવ્યો એટલે વિન્ડો શોપીંગ કરવા ન નીકળી પડવું. જ્યારે પણ ખરીદી કરવા જાવ ત્યારે શું ખરીદવું છે તેની ચોક્કસ્ છબી મનમાં રાખો અને ત્યારબાદ તે અનુસાર ખરીદી કરવી. આડેધડ કરેલી ખરીદીથી પૈસાનો બગાડ થાય છે. પ્રત્યેક શહેરની હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટની દુકાનમાં અવશ્ય જવું. ત્યાંથી ત્યાંના લોકોની કલા અને સંસ્કૃતિના અનોખા નમૂનાઓ મળે છે.
હંમેશા તમારા પ્રોફેશનને ધ્યાનમાં રાખીને વસ્ત્રો અને એસેસરીઝની ખરીદી કરવી. ફેશનની પાછળ ઘેલાં બનીને કંઈક નવું કરવાના અભરખામાં લેટેસ્ટ ડિઝાઈનના પરંતુ શરીર પર ન શોભતાં પોશાક ખરીદવાં નહિ. જ્યારે પણ ડિઝાઈનર પરિધાન ખરીદવા હોય ત્યારે જાણીતા ડિઝાઈનરના જ વસ્ત્રો ખરીદવાનો આગ્રહ રાખવો.
પારંપરિક દેખાવમાં વધારે મેકઅપની પણ જરૂર હોતી નથી. માત્ર ચાંદલો, લિપસ્ટિક અને કાજળ લગાડવાથી રૂપ નિખરી ઉઠશે.
થોડી નાની-નાની વાતોની કાળજી રાખવાથી તમે તમારા દેખાવને પ્રસંગોપાત આધુનિક કે પારંપરિક બનાવી શકશો.