Sahiyar

જાદુઈ ચિત્ર

By GS Team
17 Aug 20263 mins read
જાદુઈ ચિત્ર
  • વંદના ગોસ્વામી

એ ક ગરીબ ઘરની દીકરી અભ્યાસ કરવા માટે શાળાના સમય પછી ટોપલામાં થોડી વસ્તુઓ લઇ અને ઘરે ઘરે વેચે. એમાંથી જે થોડું ઘણું મળે એ અભ્યાસમાં ખર્ચ કરે અને પોતાના નાનાભાઈના ઉછેર માટે વાપરે. નાનપણમાં જ પિતા ગુમાવેલી દીકરી ભાઈના જન્મની સાથે જ માતા મૃત્યુ પામે છે. એટલે ભાઈની જવાબદારી એ દીકરી પર આવે છે. એટલે તે શાળાએ પણ જાય અને ઘર પણ ચલાવે. ભણવામાં ખૂબ હોશિયાર હતી પણ પરિસ્થિતિને કારણે બીજા કામ પણ કરવા પડતા હતા. એક દિવસ એ ઘરવખરીની નાની નાની વસ્તુઓ ટોપલામાં વેચવા નીકળી હતી પણ જરાય વેચાણ નહોતું થયું. એને થયું કે કોઈ કૈક લઈ લે તો ઘરે ભાઈ માટે જમવાનું લઈ જાય.
સ્વમાની હતી એટલે કોઈને આજીજી કરવી ગમતી નહીં. ભાગતા દોડતા શહેરમાં કોઈ એની મજબૂરી જોઈ ન શક્યું. દરેક પોતાના પ્રશ્નમાં અટવાયેલા હતા. રસ્તા પણ કોઈ લેતું ન હતું એથી છેલ્લે થાકીને એક ઘરની ડોરબેલ વગાડી. એની ઉંમરની જ એક છોકરી બહાર આવી, જે એના કલાસમાં સાથે ભણતી હતી. એણે કહ્યું કે 'તું અહીં કેમ આવી ?'
છોકરીએ સહેજ પણ શરમ રાખ્યા વગર કહ્યું 'સ્કૂલ સિવાયના સમયમાં વસ્તુ વેચીને ઘર ચલાવું છું'
પાછળ ઊભેલી એક સ્ત્રી આ વાત સાંભળતી હતી. એણે કહ્યું, 'બેટા પહેલા ઘરમાં આવ.' પહેલીવાર કોઈએ લાગણી ભીનાં અવાજે આવું કહ્યું. સંકોચ સાથે અંદર ગઈ. સ્ત્રીએ એને પાણી આપ્યું. સ્ત્રીએ આ છોકરીના ચહેરા પરની ઉદાસી વાંચી લીધી તેને જરૂર નહોતી તો પણ દીકરી પાસેથી થોડી વસ્તુઓ લીધી. કહ્યું કે 'બેટા તું જમીશ ?'
દીકરીએ ના કહી પણ સ્ત્રીએ બહુ આગ્રહ કર્યો તો દીકરીએ કહ્યું કે 'મને જમવાનું એક એક કોથળીમાં આપી દો, ઘરે મારો ભાઈ ભૂખ્યો હશે. એને જમાડયા વગર હું જમતી નથી. સ્ત્રીએ જમવાનું આપ્યું. ત્યારે ક્લાસમેટ છોકરીએ કહ્યું કે 'આજે તું સ્કૂલે ન આવી તો ક્લાસમાં તારું નામ બોલાયું કે તે સ્કૂલ ફી નથી ભરી'.
આ સાંભળી સ્ત્રીએ કહ્યું 'એક મિનિટ બેટા ઊભી રહે' અંદરથી એક મોટું કવર લાવીને કહે કે 'આમાં જાદુઈ ચિત્ર છે, જે તારા ભાઈને ગમશે'
છોકરી અને એનો ભાઈ ઘરે જઈ જમ્યા. પછી છોકરીએ કવર ખોલ્યું તો અંદરથી રૂપિયા નીકળ્યા અને જેનાથી ફી તો ભરાઈ જાય એમ હતી એ ઉપરાંત વધુ હતા.
આ વાતને વર્ષો વીતી ગયા. છોકરી ખૂબ મહેનત કરીને ગાયનેક ડૉકટર બની ગઈ. ડૉકટર તરીકે એટલી બધી પ્રખ્યાત થઇ ગઈ કે એક ઉદ્યોગપતિએ કહ્યું કે પાર્ટનરશીપમાં હોસ્પિટલ બનાવીએ. છોકરીએ હા કહી પણ શરત રાખી કે 'ખોટા બીલ નહીં બનાવે, ખોટા ચાર્જ નહીં લે, ખોટા રિપોર્ટ નહીં કરે કે ખોટા ઓપરેશન નહીં કરે. ઈમાનદારીથી કામ કરીશ'
ઉદ્યોગપતિએ હા કહી. હોસ્પિટલની ખ્યાતિ દિવસે ન વધે એટલી રાતે વધવા લાગી. એકવાર એક સ્ત્રીની ગંભીર સમસ્યાનો કેસ આવ્યો. છોકરીએ અભ્યાસ કર્યા પછી એના પતિને કહ્યું કે, 'આ માટે મુંબઈથી ડૉકટર બોલાવવા પડશે. ખર્ચો થશે.' એના પતિએ કહ્યું કે 'મારી પાસે બહુ પૈસા નથી'
છોકરીએ કહ્યું કે 'પૈસાનું જોયું જશે, પહેલા તાત્કાલિક ઓપરેશન કરવું પડશે.' મુંબઈથી ડૉકટર આવી ગયા. ઓપરેશન સફળ થયું. સ્ત્રીના પતિના હાથમાં બીલ આવે છે, પતિ સામું જોઈ પત્ની કહે કે 'કેટલું બીલ છે ? ત્યારે પતિ કહે છે કે 'કંઈ સમજ પડતી નથી બીલમાં રકમની જગ્યાએ જાદુઈ ચિત્ર એવું લખેલું છે.
સ્ત્રી આખી વાત સમજી ગઈ અને કહ્યું કે 'મારું ઓપરેશન કર્યું એ મેડમને મારે મળવું છે. ડૉકટર છોકરી જ્યારે આવી ત્યારે સ્ત્રી રડી પડી. ત્યારે છોકરીએ કહ્યું 'રડવાનું પછી પહેલા જમી લો,મારા હાથે બનાવીને લાવી છું.'
સ્ત્રીએ કહ્યું 'ભાઈ શું કરે છે ?'
એ એન્જીનિયર થઇ ગયો. એને જમાડીને સીધી અહીં આવી. સ્ત્રી જાદુઈ છોકરીને જોતી રહી.
સમાપન
ભગવાન એક વસ્તુ છીનવી લે છે તો બીજી અનેક વસ્તુઓ ધરી દે છે. - તુકારામ