જાણી લો પ્રસિદ્ધ ગાયિકા બ્રિટની સ્પીપર્સનો અકળાવી મૂકનારો અનુભવ

- બૉટોક્સ લેવાથી પહેલા…
પ્રસિદ્ધ ગાયિકા બ્રિટની સ્પીયર્સે તાજેતરમાં પોતાને થયેલો ચિંતા ઉપજાવનારો અનુભવ નિ:સંકોચપણે ઇન્સ્ટાગ્રામ પર મૂક્યો હતો. વાત જાણે એમ બની હતી કે સંખ્યાબંધ સેલિબ્રિટીઓની જેમ બ્રિટનીએ પણ બૉટોક્સની ટ્રીટમેન્ટ લીધી. પરંતુ આ ટ્રીટમેન્ટ લીધા પછી તેની આંખો પાસેની કરચલીઓ દૂર થવાની વાત તો છોડો તેનું સૌંદર્ય સમૂળગુ હણાઇ ગયું. ૪૪ વર્ષીય ગાયિકાની ડાબી આંખની પાંપણ જ નમી પડી. સામાન્ય રીતે વૃદ્ધાવસ્થામાં થતી આ સમસ્યાને તબીબી ભાષામાં ટોસિસ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ બ્રિટનીની ડાબી આંખની પાંપણ બૉટોક્સને કારણે નમી પડી. ગાયિકાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાનો આવો ફોટો મૂકવા સાથે નેટિઝનોને ચેતવણી આપી હતી કે તમે તમારા શરીરની કાળજી કરો. મેં બૉટોક્સ ટ્રીટમેન્ટ કરાવી ત્યારે ડૉકટરે મારી ડાબી આંખ પાસે એટલું બધુ બૉટોક્સ ભરી દીધું કે મારી પાંપણ લચી પડી. અને મને આવી નમેલી પાંપણ સાથે એક મહિનો ગાળવો પડયો. મને મારો ચહેરો જોઇને અકળામણ થતી હતી.
જોકે અહીં એવો પ્રશ્ન થવો સહજ છે કે બૉટોક્સને લીધે આંખની પાંપણ નમી પડવાનું કારણ શું ? આના જવાબમાં તજજ્ઞાો કહે છે કે આઇલિડ ટોસિસ તરીકે ઓળખાતી આ સમસ્યા ત્યારે જ થાય જ્યારે બૉટોક્સમાં રહેલા વિષારી તત્વો આંખની પાંપણને ઊંચી રાખવાની કામગીરી બજાવતાં સ્નાયુઓમાં સરી જાય. તેઓ વધુમાં કહે છે કે બૉટોક્સ આપતી વખતે ઇન્જેકશનનું પોઇંટ, ઊંડાઇ અને બૉટોક્સનો ડૉઝ તેમ જ જે તે વ્યક્તિના ચહેરાની સંરચના મહત્વના બની રહે છે.
'ધ ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ એસ્થેટિક પ્લાસ્ટિક સર્જરી (આઇએસએપીએસ)ના સૂત્રો જણાવે છે કે સામાન્ય રીતે એકથી પાંચ ટકા કેસમાં જ આ પ્રકારની સમસ્યા સર્જાય છે. અને તે ત્રણથી ચાર અઠવાડિયામાં આપોઆપ ઠીક પણ થઇ જાય છે. તેમાં જમા થયેલા વિષારી તત્વો આપોઆપ ઘટતાં જાય તેમ તેમ આ સમસ્યા ઉકેલાતી જાય.
વાસ્તવમાં બોટુલિનમ ટોક્સિન ચેતાતંતુઓના સંકેતને નિર્ધારિત સ્નાયુઓ સુધી પહોંચતા ખાળવાનું કામ હંગામી ધોરણે જ કરે છે. પરિણામે આ સમય દરમિયાન સંબંધિત સ્નાયુઓની હલનચલન મર્યાદિત બને છે. બોટુલિયમ ટોક્સિનનો ઉપયોગ ચહેરા પરની કરચલીઓ દૂર કરીને ત્વચાને સુંવાળી બનાવવા માટે મોટાપાયે થાય છે. આમ છતાં એ વાત પણ ધ્યાનમાં લેવી રહી કે તીવ્ર માઇગ્રેન સર્વાઇકલ ડાયસ્ટોનિયા અને વધારે પડતા પરસેવા જેવી શારીરિક સમસ્યાઓ દૂર કરવા માટે પણ બોટુલિયમનો ઉપયોગ કરવામાં આવે છે.
બોટુલિયમ ટોક્સિન શસ્ત્રક્રિયા કર્યા વિના કરવામાં આવતી પ્રક્રિયાઓ માટે વિશ્વભરમાં પ્રિય થઇ પડયું છે. ભારતની જ વાત કરીએ તો વર્ષ ૨૦૨૪માં પ્લાસ્ટિક સર્જનોએ તેના વડે ૭૬,૭૨૦ પ્રક્રિયાઓ પાર પાડી હતી. આઇએસએપીએસના સૂત્રોએ જણાવ્યું હતું કે સોશ્યલ મીડિયાના પ્રભાવ તેમ જ મિનિમલ ઇન્વેસિવ પ્રોસિજરને પગલે ભારતમાં બૉટોક્સ ટ્રીટમેન્ટ લેનારાઓની સંખ્યા ઝપાટાભેર વધી છે. આ પ્રક્રિયા બાદ જે તે ભાગ થોડો ભારે લાગે તે સામાન્ય બાબત છે. તેનો અર્થ એવો નથી થતો કે પ્રક્રિયામાં કોઇ ક્ષતિ રહી ગઇ છે. હા, જો તેના લક્ષણો તીવ્ર બને તો તરત જ જે તે સર્જનનો સંપર્ક કરવામાં વાર ન કરવી.
તબીબનો સંપર્ક સાધવાની આવશ્યકતા ક્યારે પડે ?
બૉટોક્સ ટ્રીટમેન્ટ પછી જો પાંપણ ઢળી પડે તો તે ત્રણથી ચાર અઠવાડિયામાં આપોઆપ સામાન્ય થઇ જાય છે. પરંતુ તેના સિવાય નીચે આપેલા કોઇ લક્ષણો દેખાય તો ડૉકટરની મુલાકાત લેવી.
- ઝાંખુ અથવા ડબલ દેખાવું.
- આંખ ખોલવામાં મુશ્કેલી થવી.
- ઇન્જેકશન આપવામાં આવ્યું હોય તે ભાગ સિવાય ચહેરાના અન્ય ભાગમાં પણ નબળાઇ જણાય ત્યારે.
- વધારે પડતા સોજા ચડી આવવા, એલર્જીક રીએકશન આવવું કે ચેપ લાગવો.
- ગળવામાં, બોલવામાં, શ્વાસ લેવામાં તકલીફ થવી.
- ચહેરાના વધારે પડતા ભાગમાં અથવા જે તે ભાગના સ્નાયુઓમાં અસામાન્ય નબળાઇનો અનુભવ થવો.
આઇએસએપીઓસ અનુસાર સામાન્ય આડઅસરો હળવી અને હંગામી હોય છે. જેમ કે… - ઇન્જેકશન આપવામાં આવ્યું હોય એ ભાગમાં સહેજ સોજો આવવો, ખંજવાળ આવવી, નબળાઇ લાગવી.
- માથુ દુખવું અને થોડીવાર માટે માંસપેશીઓમાં નબળાઇનો અનુભવ થવો.
- ચહેરા પર સહેજ વિષમતા લાગવી.
- પાંપણ અથવા ભ્રમર ઢળી પડવી, ખાસ કરીને કપાળ અને આંખોની આસપાસ ઇન્જેકશન આપવામાં આવશે ત્યાર પછી.
સામાન્ય રીતે આવી આડઅસરો આપોઆપ ઠીક થઇ જાય છે. પરંતુ બૉટોક્સ ટ્રીટમેન્ટ કરાવનારને તેમાં કાંઇ અસામાન્ય જણાય તો તરત જ પોતાના કોસ્મેટિક સર્જનનો સંપર્ક કરવો.




