Sahiyar

કળિયુગમાં તો માતાનું દૂધ પણ અમૃત નથી રહ્યું

By GS Team
5 Oct 20263 mins read
કળિયુગમાં તો માતાનું દૂધ પણ અમૃત નથી રહ્યું
  • બિહારના છ જિલ્લામાં સ્તનપાન કરાવતી માતાના દૂધમાં યુરેનિયમનાં તત્વ મળ્યાં

બિહારના ભોજપુર, સમસ્તીપુર, બેગુસરાઇ, ખગરિયા, કટિહાર, નાલંદા એમ કુલ છ જિલ્લાની ૪૦ માતાઓનાં દૂધના નમૂનાનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું છે : આ તમામ ૪૦ માતાઓની ઉંમર ૧૭ - ૩૫ વર્ષની છે.
માતાનું દૂધ અમૃત સમાન ગણાય છે. કહેવાય છે કે માતાનું દૂધ તો દેવોને પણ દુર્લભ હોય છે. મા નું સ્તનપાન કરીને ભગવાન શ્રીરામચંદ્ર, શ્રીકૃષ્ણ, બુદ્ધ, મહાવીર જેવા અવતારોએ પણ ધન્યતા અનુભવી છે. ભારત માતાના મહાન સપૂત છત્રપતિ શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ, ભારતીય સંસ્કૃતિના તેજપૂંજસમા સ્વામી વિવેકાનંદજી વગેરેએ તેમની માતાના દૂધમાંના તેજસ્વી સંસ્કારોથી રાષ્ટ્રની ઉત્તમ અને ઉજળી સેવા કરી છે.
આજના આધુનિક તબીબીશાસ્ત્રના સંશોધનાત્મક અભ્યાસ મુજબ માતાના દૂધમાં સૌથી વધુ કુદરતી પૌષ્ટિક તત્વો હોય છે. એટલે જ તો જે શિશુએ માતાનું ભરપૂર સ્તનપાન કર્યું હોય છે તેના શરીરની રોગપ્રતિકાર શક્તિ ઘણી વધુ હોય છે. તે શિશુ મોટું થાય ત્યારે તેનું આરોગ્ય બહુ જ સારું રહે છે. તેને રોગ કે બીમારીની શક્યતા નથી રહેતી. આજના એકવીસમી સદીના આધુનિક યુગમાં તો તબીબી વિજ્ઞાાનીઓ આજની નવી પેઢીની માતાઓને તેમનાં સંતાનોને સ્તનપાન કરાવવાની ભારપૂર્વક સલાહ આપે છે.
બીજીબાજુ માતાના અમૃતસમા દૂધમાં યુરેનિયમનાં તત્વો મળ્યાં હોવાના સમાચારેથી આખા ભારતમાં ચિંતા ફેલાઇ ગઇ છે. સમાચાર એ છે કે બિહારના છ જિલ્લામાં સ્તનપાન કરાવતી માતાઓનાં દૂધમાં યુરેનિયમના અંશ મળ્યા છે.

  • માતાના દૂધમાં યુરેનિયમનું પ્રમાણ ક્યાં -- કેટલું મળ્યું ?
    ભારત સરકારની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયુટ આફ મેડિકલ સાયન્સ(એઇમ્સ : દિલ્હી) અને મહાવીર કેન્સર સંસ્થાન)પટણા) દ્વારા ૨૦૨૧ના ઓક્ટોબરથી ૨૦૨૪ના જુલાઇ દરમિયાન થયેલા સહિયારા તબીબી અભ્યાસમાં આવી ચિંતાજનક વિગતો જાણવા મળી છે. આ તબીબી અભ્યાસ બિહારના ભોજપુર, સમસ્તીપુર, બેગુસરાઇ, ખગરિયા, કટિહાર, નાલંદા એમ કુલ છ જિલ્લાની ૪૦ માતાઓનાં દૂધના નમૂનાનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ તમામ ૪૦ માતાઓની ઉંમર ૧૭ - ૩૫ વર્ષની છે.
    તબીબી પરીક્ષણ દરમિયાન ચોંકાવનારી વિગતો ધ્યાનમાં આવી છે કે આ તમામ ૪૦ માતાઓનાં દૂધના નમૂનામાં યુરેનિયમ( યુ-૨૩૮) ના અંશ મળ્યા છે. યુરેનિયમના જે અંશ મળ્યા છે તેનું પ્રમાણ ૦ થી ૫.૨૫ માઇક્રોગ્રામ્સ પર લિટર(એમજી/એલ) છે. યુરેનિયમનું સૌથી વધુ પ્રમાણ બિહારના છ જિલ્લામાં ખગરિયા જિલ્લામાં મળ્યું છે ,જ્યારે નાલંદા જિલ્લામાં સૌથી ઓછું મળ્યું છે.
  • સ્તનપાન કરતાં શિશુઓને કયા કયા રોગનું જોખમ છે ?
    ઘેરી ચિંતાજનક બાબત તો એ છે કે આ તબીબી પરીક્ષણની વિગતો એમ પણ કહે છે કે બિહારમાં સ્તનપાન કરાવતી માતાઓનાં દૂધમાં યુરેેનિયમના અંશ મળ્યા હોવાથી લગભગ ૭૦ ટકા જેટલાં ભૂલકાંના આરોગ્ય સામે જોખમ સર્જાયું છે. એટલે કે આટલાં બધાં શિશુઓને કેન્સર, મગજની ગતિવિધિમાં અવરોધ સર્જાવો, કીડનીની કુદરતી પ્રક્રિયાને નુકસાન થવું, શીખવાની અને સમજવાની પ્રક્રિયામાં વિલંબ થવો, વર્તનમાં સમસ્યા સર્જાવી વગેરે જેવાં ગંભીર રોગ -- બીમારી થાય.
  • માતાના દૂધમાં યુરેનિયમ હોવાનાં કારણો કયાં હોઇ શકે ? આ તબીબી અભ્યાસમાં એવો ઉલ્લેખ પણ છે કે બિહારના મોટાભાગના વિસ્તારોમાં પીવાનું અને કૃષિ સિંચાઇનું પાણી ભૂગર્ભમાંથી મેળવવામાં આવે છે. એટલે કે મોટાભાગનાં લોકો પીવાનું અને ખેતીના પાક માટેનું પાણીકૂવા, વાવ, તળાવ વગેરે દ્વારા મેળવે છે. ઉપરાંત, મોટા ઉદ્યોગ, કારખાનાં, ફેક્ટરીઓ દ્વારા વિવિધ પ્રકારનાં રસાયણો પણ બહાર છોડવામાં આવે છે. સાથોસાથ બિહારના અસંખ્ય ખેડૂતો ઘણાં વર્ષોથી રસાયણિક ખાતરનો અને જંતુનાશક દવાનો પણ ઉપયોગ કરે છે.
    આ બધાં કારણો અને પરિબળોની વ્યાપક અસર ભૂગર્ભમાંથી મેળવવામાં આવતા જળમાં, ખેતીના વિવિધ પાકમાં અને ફળમાં થાય તે સ્વાભાવિક છે. એ જ અનાજ, કઠોળ, ફળ વગેરેનો ઉપયોગ આહારમાં થાય. સરળ રીતે સમજીએ તો પીવાના પાણીમાં, અનાજ, કઠોળ, ફળમાં પેલાં ઝેરી રસાયણોની સીધી અસર હોય. આ જ પાણી પીવાથી અને અનાજ, કઠોળ, ફળ ના ે આહાર કરવાથી ઝેરી રસાયણોનાં તત્વો શરીરમાં જાય, જેની અસર સ્તનપાન કરાવતી માતાના શરીરમાં પણ થાય.
    આવી ચિંતાજનક પરિસ્થિતિમાં પણ તબીબી નિષ્ણાતોએ બિહારની તમામ માતાઓને તેમનાં ભૂલકાંને સ્તનપાન બંધ નહીં કરવાની સલાહ આપી છે. તમે તમારાં શિશુને દરરોજ સ્તનપાન કરાવો કે જેથી બાળકના શરીરમાં રોગપ્રતિકારક શક્તિનો સંચાર થાય. તેનો શારીરિક -માનસિક વિકાસ સતત થતો રહે.
    આમ છતાં આ ગંભીર પરિસ્થિતિમાં પીવાના પાણીની ગુણવત્તાનું પણ સચોટ વૈજ્ઞાાનિક પરીક્ષણ કરાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
  • જગદીશચંદ્ર ભટ્ટ