આરોગ્ય સંજીવની : અતિકષ્ટદાયક રોગ : શિર:શૂલ

આજના જમાનામાં 'શિર:શૂલ' એક અતિકષ્ટદાયક રોગ તરીકે માનવામાં આવે છે. સમાજમાં 'માયગ્રેન' નામથી ઓળખાતા રોગનો સમાવેશ પણ શિર:શૂલમાં કરી શકાય છે. અનેક રોગનાં લક્ષણરૂપે અથવા તો ઉપદ્રવરૂપે પણ 'શિર:શૂલ' જોવા મળે છે. જેમકે, ભિન્ન ભિન્ન જ્વર, વિવિધ કાસ, પાંડુરોગ વગેરે રોગોમાં લક્ષણ રૂપે શિર:શૂલ જોવા મળે છે. 'શિર:શૂલ' જ્યારે કોઈ વ્યાધિનાં લક્ષણરૂપે હોય ત્યારે પ્રધાન વ્યાધિની ચિકિત્સા કરવાથી તેનું પણ શમન થઈ જાય છે, પરંતુ જ્યારે આ રોગ સ્વતંત્રરૂપે જોવા મળે ત્યારે વિશેષ ઔષધોપચાર કરવો પડે છે. આયુર્વેદમાં ૧૧ પ્રકારનાં શિર:શૂલનું વર્ણન કરવામાં આવેલું છે. ધૂમાડો લાગવાથી, તાપમાં ખૂબ ફરવાથી, વધારે પડતો વ્યાયામ કરવાથી, વાયુપ્રકોપક આહાર-વિહારનું અતિશય સેવન કરવાથી, દિવસે અધિક ઊંઘવાથી, અધિક રડવાથી, માથામા ંતેલ ન નાખવાથી, ઊંચા સ્વરે અધિક બોલવાથી, દૂષિત 'આમ'નાં સંચયથી કે શિર પર અભિઘાત થવાથી આ રોગ ઉત્પન્ન થતો જોવા મળતો હોય છે.
ઘણીવાર સંપૂર્ણ માથામાં દુ:ખાવો ન થતાં શિરનાં ડાબા કે જમણા ભાગમાં જ અતિશય દુ:ખાવો થતો જોવા મળે છે. આ દુ:ખાવો ખૂબ જ અસહ્ય હોય છે. ઘણીવાર આ દુ:ખાવાનાં કારણે ભ્રમર, આંખ, કાન, ડોક, કપાળમાં પણ ભયંકર વેદના થતી જોવા મળે છે. આ રોગને આયુર્વેદમાં 'આધાશીશી' કે અર્ધાવભેદર કહે છે. આજકાલ આ રોગ વ્યાપક પ્રમાણમાં દર્દીઓમાં જોવા મળતો હોય છે. મોર્ડનમાં આ રોગને 'માઈગ્રેન' નાામ આપેલું છે.
આ રોગમાં અડધા મસ્તકમાં તાણ, ભેદ, ભ્રમ અને પીડા રહે છે. તેમજ આ પીડા ગમે ત્યારે શરૂ થાય છે. રોગ વધતા ક્યારેક સમગ્ર માથામાં પણ દુ:ખાવો થતો હોય છે. ઘણીવાર એવા પણ દર્દીઓ જોવા મળે છે કે જેમને જેમ જેમ દિવસ ઉગતો જાય તેમ તેમ ભ્રમર-કપાળમાં દુ:ખાવા સાથે માથાનો દુ:ખાવો વધતો જાય છે. અને સૂર્યાસ્ત સાથે દુ:ખાવો ક્ષીણ થતો જાય છે. મધ્યાહ્નનાં સમયે આવા દર્દીઓનો મહત્તમ દુ:ખાવો રહે છે. આયુર્વેદમાં આ રોગને 'સૂર્યાર્વત'ના નામે ઓળખવામાં આવ્યો છે. કેટલીકવાર ત્રણેય દોષો ગ્રીવાની 'મધ્યાનાડી'ને પીડીત કરી ગ્રીવામાં પાછળનાં ભાગમાં ખૂબ જ પીડા ઉત્પન્ન કરે છે. આ ત્રિદોષજ શિરોરોગને આયુર્વેદમાં 'અનંતવાત' કહે છે. આ રોગમાં કોષ્કશુદ્ધિ માટે સૌ પ્રથમ વિરેચન આપવું જોઈએ.
'માઈગ્રેન' કે 'આધાશીશી' નો રોગ ઘણીવાર બાળકોમાં પણ થતો જોવા મળે છે. ઘણીવાર અતિસંવેદનશીલ વ્યક્તિઓમાં આ રોગ થતો વધારે જોવા મળે છે. આવી વ્યક્તિઓમાં માઈગ્રેનનાં હુમલા પણ વારંવાર જોવા મળે છે.
કોઈપણ પ્રકારનાં શિરોરોગો શિર:શૂલ કે આધાશીશી માઈગ્રેનનાં રોગીઓએ જરા પણ ગભરાયા વગર ખૂબ જ ધીરજથી ઔષધોપચાર ચાલુ કરવા.
શિર:શૂલમાં પથ્યાદિક્વાથ ખૂબ જ ઉત્તમ ઔષધ છે. વૈદ્યની સલાહ મુજબ તેનું નિયમિત સેવન કરવું. આ ઉપરાંત શિર:શૂલાદિવજ્રરસ, પથ્યાદિ ગુગળ, સપ્તામૃત લૌહ અને લક્ષ્મીવિલાસરસ પણ દરેક પ્રકારનાં શિર:શૂલમાં સારું પરિણામ આપે છે, તેથી તેનો ઉપયોગ વૈદ્યની સલાહ મુજબ કરવો.
માઈગ્રેન કે અતિ શિર:શૂલનાં રોગીએ સૂર્યોદય પહેલાં દૂધ અને જલેબી અથવા શીરો કે દૂધની વાનગી લેવી. જેથી વાયુનો પ્રકોપ શાંત થાય, અને ત્યારબાદ વૈદ્યની સલાહ મુજબ અભ્યાંતર ઔષધો લેવા.
આ ઉપરાંત પંચકર્મમાં બતાવેલ 'નસ્ય ચિકિત્સા' અને 'શિરોધારા' પણ શિર:શૂલમાં અકસીર પરિણામ આપે છે. નાક એ શિરનું દ્વાર છે. જેથી 'નસ્ય ચિકિત્સા' દ્વારા નાકમાં નાખેલું ઔષધ માઈગ્રેન-આધાશીશીમાં ખૂબ જ ફાયદાકારક પરિણામ આપે છે. આ ઉપરાંત 'શિરોધારા' પણ શિરોરોગમાં ખૂબ સારું પરિણામ આપે છે. કપાળ અને શિર પર ઔષધયુક્ત ધૃત કે તેલ સ્વરૂપમાં પડતી ધારા સમગ્ર શિરમાં રક્તનો પ્રવાહ સુચારુ રૂપે કરાવે છે, જેથી મસ્તિષ્કનાં તમામ રોગોમાં શિરોધારાથી ખૂબ જ સારું પરિણામ મળે છે.
માઈગ્રેન કે શિર:શૂલના દર્દીઓને સાદુ ભોજન કરવું, વાયુ કરે તથા વાયડા, ખાટા પદાર્થો, દહીં, છાશ, રાજમા, કઠોળ વગેરેનો ત્યાગ કરવો.
આયુર્વેદિક સારવાર આ રોગને નાબૂદ કરવામાં અતિ મહત્વની ભૂમિકા ભજવે છે.
- જ્હાનવીબેન ભટ્ટ




