આરોગ્ય સંજીવની : રોગો અને તેનાં ઉપચારો

આજે કેટલાક રોગો અને તેના આયુર્વેદિક ઔષધોપચાર વિશે ચર્ચા કરીશું જે વાચકમિત્રોને ઘણા ઉપયોગી સાબિત થશે. જેમાં સૌ પ્રથમ -
૧. તાવ :- તાવ શરીરમાં હોય ત્યાં સુધી તદ્દન ઉપવાસ કરાવવો. તાવ ઉતાર્યા પછી હરડે આપવી. હીમેજ નો એકાદ જુલાબ ઉતાર્યા પછી કિરાતાદિ ક્વાથ આપી શકાય. જો તે ન મળે તેમ હોય તો સુદર્શન ચૂર્ણનો ક્વાથ પણ અપાય છે. હરડે અને ઉકાળો તાવ ન હોય ત્યારે આપવા.
૨. અતિસાર :- જ્યારે ઝાડા સાથે આમ પણ નીકળતો હોય તો તેને આમાતિસાર કહે છે. આ રાત્રિમાં સવાર-સાંજ પાણી સાથે સૂંઠ ફકાવવી અને પછી જ્યારે ઝાડા નિરામ થાય એટલે કે જ્યારે ઝાડા પાણીમાં તરે તેવા થાય ત્યારે ધાણા, સૂંઠ, ઇન્દ્રજવ, હરડે, પીપર અને નાગરમોથનો ક્વાથ આપવો.
૩. અર્શ (પાઈલ્સ) :- આ રોગ મોટાભાગે કબજિયાતની તકલીફવાળા દર્દીમાં જોવા મળી છે. આ રોગથી પીડાતા રોગી માટે પેટ સાફ રહેવું ખૂબ જરૂરી છે. અર્શ રોગમાં હીમજ, ઇન્દ્રજવ, નાગકેસર અને વાવડિંગ એ ચારેય સમભાગે લઈ ખાંડી તેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરવું.
૪. અજીર્ણ (અપચો) : અજીર્ણમાં ઉપવાસ કરાવવા ત્યારબાદ પહેલા કાળી દ્રાક્ષ અને સાકર સાથે સૂંઠ, મરી અને પીપરનું ચૂર્ણ પાચન-ઔષધ તરીકે આપવું પણ સાથે ઉપવાસ કરાવવા. ઉપવાસ છૂટયા પછી હલકો ખોરાક ભૂખ પ્રમાણે આપવો અને હીમજ રોજ આપવી.
૫. કૃમિરોગ :- કૃમિરોગ માટે એક સચોટ ઉપાય બતાવું છું જેમાં કૃમિ જીવતા બહાર નીકળશે. મોટા બાળકોમાં ચણા જેટલો અને નાના બાળકોમાં અડધા ચણા જેટલો ખુરસાની અજમો દિવસમાં બે-બે વાર આપવાથી જીવતા કૃમિ મળ વાટે શરીરમાંથી બહાર નીકળી જાય છે.
૬. પાંડુરોગ :- દરરોજ ૧ તોલો હીમજ આપવાથી રોજ અડધો શેર ગોમૂત્ર આપવાથી અને મધમાં ૧ તોલો ત્રિફળા દિવસમાં બે વાર આપવાથી પાંડુ મટે છે.
૭. કમળો (કામલા) :- આ રોગમાં દર્દીને પુષ્કળ હીમજ આપવી, પુષ્કળ ગોમૂત્ર આપવું તથા દૂધ, ભાત, કાળી વસ્તુઓ અને પિત્તશામક શેરડી વગેરે ઠંડી વસ્તુઓ આપવી. દૂધમાં ૫-૬ પીપર ઉકાળી દિવસમાં બે વાર દૂધ પીવું. પાશેર દૂધમાં પીપર નાખીને પાશેર પાણી નાખીને ઉકાળવું. પછી પાણી બળી જાય અને પાશેર દૂધ બાકી રહે એટલે ઉતારી લેવું અને ઠંડુ પડયા પછી પીપર ચાવી અને ઉપર એ જ દૂધ પી જવું.
૮. નસકોરી ફૂટવી :- નસકોરી ફૂટે તો તાત્કાલિક ભીની માટી મૂકવી. ફૂલવ્યા વિનાની ફટકડીનાં પાણીનાં ટીપાં નાકમાં નાખવા. અઢી તોલા પાણીમાં ૧/૧૬ તોલો ફટકડીનું પ્રમાણ રાખવું.
૯. ક્ષય :- ક્ષય રોગમાં પોષણ પૂરું પાડનારા બંધ થયેલા સ્રોતોને ખુલ્લા કરવા માટે દ્રાક્ષાસવ પછી અડધા કલાકે કલાકે બકરીનું દૂધ, બકરીનાં દૂધનું ઘી, ગળ્યા પદાર્થો, દાળ-ભાત, ખિચડી, શાક, થોડી રોટલી વગેરે ખોરાકમાં આપવા. દવામાં અરડુસીનાં પાંદડાનો બે તોલા રસ રોજ બે વાર આપવો. વધારે ઉધરસ હોય તો રસ રોજ ત્રણ વાર આપવો. અરડૂસીથી દસ્ત પણ સાફ ઉતરે છે.
૧૦. અરુચિ :- અરુચિ રોગમાં દર્દીને ખાવાની ઇચ્છા જ મારી જાય છે. આવી અરુચિમાં રોજ હીમજ આપવી. રુચિ ઉત્પન્ન કરવા દવા તરીકે રોજ દિવસમાં ત્રણ વાર દરેક વખતે આદુ ઉપર થોડું સિંધાલૂણ ભભરાવી ચાવડાવવું.
૧૧. દાહ-બળતરા :- આ રોગમાં ધાણા અને કાળી દ્રાક્ષ પાણીમાં ચોળીને પીવાથી આંતરદાહ અને બાહ્યદાહ મટે છે. આંતરદાહવાળાને હરડે આપવી અને બાહ્યદાહવાળાને અનેકવાર ધોયેલું ઠંડું ઘી શરીરે ચોપડવું.
૧૨. એપીલેપ્સી (વાઈ) :- આ રોગમાં દરરોજ એક તોલો હીમજ આપવી. દિવસમાં સવાર-સાંજ બે વાર વજ ને પાણી સાથે ફકાવવી અથવા ૧ થી ૨ તોલા લસણની કળીઓ ઘી માં તળીને દિવસમાં બે વાર ખવડાવવી.
કોઈપણ પ્રકારની દવા કર્યા વગર ફક્ત ગાયના શુદ્ધ દૂધ ઉપર દર્દીને રાખવાથી પણ વાઈ મટી જાય છે. પણ આ ગોયના દૂધનો પ્રયોગ ચાલે તે દરમિયાન પાણી પીવાનું તદ્દન બંધ કરવું જોઈએ.
૧૩. અશમરી (પથરી) : આ રોગમાં રોજ હીમજ લેવાથી અને દિવસમાં બે વાર સવાર-સાંજ હરિતક્યાદિ ક્વાથ પીવાથી ગમે તેવી પથરીની રેતી થઈ પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે.
૧૪. દૌર્બલ્ય (કૃશતા) :- આ રોગમાં દિવસમાં બે વાર ૧-૧ તોલો અશ્વગંધા ચૂર્ણ ફકાવી તેની ઉપર દૂધ આપવું.
૧૫. મેદોવૃદ્ધિ (ર્મીજૈાઅ) :- આ રોગમાં હીમજ ૧ તોલો રોજ બે વાર આપવી. ચોખ્ખું મધ બે તોલા અને પાણી રોજ બે વાર પીવાથી આ રોગ મટે છે. રોગ મટયા પછી પણ હીમજનું સેવન ચાલુ રાખવું.
ઉપરોક્ત રોગોમાં ઉપરોક્ત ઉપાયો ખરેખર સચોટ અને અસરકારક પરિણામ આપે છે.
-જ્હાનવી બેન ભટ્ટ




