Sahiyar

સંબંધોમાં સુખ : સરખામણીના ઝેરથી આત્મસંતોષના અમૃત તરફની યાત્રા

By GS Team
5 Oct 20266 mins read
સંબંધોમાં સુખ : સરખામણીના ઝેરથી આત્મસંતોષના અમૃત તરફની યાત્રા
  • સંબંધોની આ સુંદર સફરમાં સૌથી મોટી સફળતા એ જ છે કે જીવનની સંધ્યાએ આપણે ગર્વ અને સંતોષ સાથે કહી શકીએ કે અમે કોઈ અન્ય જેવા બનવાનો ઢોંગ ન કર્યો, પણ પૂરી નિષ્ઠાથી એકબીજાના સાથી બનીને, બાહ્ય જગતના પ્રભાવોથી મુક્ત રહીને એક શાંત, પ્રેમાળ અને અર્થસભર જીવન જીવ્યા.

આધુનિક યુગમાં મનુષ્ય બાહ્ય સુખ-સુવિધાઓ અને ભૌતિક સમૃદ્ધિની એવી અંધાધૂંધ દોડમાં ફસાઈ ગયો છે, જ્યાં સાચા આનંદનો અર્થ ખોવાઈ ગયો છે. આપણે મોંઘા મકાનો, લક્ઝુરિયસ ગાડીઓ, બ્રાન્ડેડ કપડાં અને બેંક બેલેન્સને જ સફળતા અને સુખનો પર્યાય માની લીધો છે. પરિણામે આપણું આત્મમૂલ્ય આપણા પોતાના અંતરમનના માપદંડને છોડીને સમાજના બાહ્ય માપદંડોને આધિન બની ગયું છે. આપણે એવું વિચારવા લાગ્યા છીએ કે જ્યાં સુધી બીજા લોકો આપણી પ્રશંસા ન કરે, આપણી જીવનશૈલીને શ્રેષ્ઠ ન માને, ત્યાં સુધી આપણે સુખી નથી. સત્ય એ છે કે બાહ્ય સુખો માત્ર ક્ષણિક ઉત્તેજના કે સંતોષ આપી શકે છે, જ્યારે જીવનને સાચી રીતે સાર્થક, સ્થિર અને આનંદિત રાખવા માટે આંતરિક શાંતિ અનિવાર્ય છે. આ જ માનસિકતા જ્યારે આપણા અંગત સંબંધોમાં પ્રવેશે છે, ત્યારે તે સંબંધોની નિર્દોષતા અને પવિત્રતાને નુકસાન પહોંચાડવા લાગે છે.
સ્વસ્થ સરખામણી જીવનમાં પ્રેરણાદાયી બની શકે છે, પરંતુ જ્યારે તે સરખામણી અહંકાર, લઘુતાગ્રંથિ, ઈર્ષ્યા અને અસંતોષ તરફ દોરી જાય ત્યારે તે સંબંધોને અંદરથી પોલા કરી નાખે છે. આજના સોશિયલ મીડિયાના યુગમાં આપણે અન્ય લોકોના જીવનની ઝગમગતી તસવીરો જોઈને આપણા પોતાના સંબંધોનું મૂલ્યાંકન કરવા લાગીએ છીએ. ''પેલા મિત્રના પાર્ટનરે તેને કેવી મોંઘી ગિફ્ટ આપી'', ''પેલા સંબંધીનો પરિવાર કેટલા મોટા ઘરમાં રહે છે અને કેવા વેકેશન માણે છે'', આવા વિચારો ધીમે-ધીમે મનમાં ઘર કરી જાય છે. આપણે એ સાદી વાત ભૂલી જઈએ છીએ કે આપણે માત્ર કોઈના જીવનનો બહારથી દેખાતો અને શણગારેલો ભાગ જ જોઈ શકીએ છીએ. તે ચમકદાર પડદા પાછળ છુપાયેલો વાસ્તવિક સંઘર્ષ, તણાવ, માનસિક બેચેની, ગેરસમજણો કે એકલતા આપણને દેખાતી નથી. બીજાના એડિટ કરેલા દ્રશ્ય સાથે પોતાના અસલી જીવનની તુલના કરવી એ સંબંધો માટે સૌથી મોટી માનસિક ભૂલ સાબિત થાય છે.
દરેક મનુષ્ય અને દરેક સંબંધની પોતાની અલગ વિશેષતા અને ગતિ હોય છે. પ્રકૃતિમાં કેરીના ગોટલા પાસેથી એવી આશા ન રાખી શકાય કે તે ગુલાબના છોડની જેમ તુરંત સુગંધિત ફૂલો આપી દે. કેરીને વૃક્ષ બનીને મીઠા ફળ આપવા માટે સમય, યોગ્ય માવજત અને ધીરજની જરૂર પડે છે. એ જ રીતે દરેક વ્યક્તિનો સ્વભાવ, ઉછેર, સંસ્કાર અને ક્ષમતાઓ અલગ હોય છે. કોઈ દંપતી પોતાની કારકિર્દીના શરૂઆતના વર્ષોમાં જ આથક રીતે સ્થિર થઈ જાય છે, જ્યારે કોઈને સંઘર્ષ કરતાં કરતાં વર્ષો લાગી જાય છે. જો કોઈ સંબંધ સમાજ દ્વારા ઘડવામાં આવેલા ભૌતિક ચોકઠામાં તરત ફિટ ન બેસે, તો તેનો અર્થ એવો કદાચ નથી થતો કે તે સંબંધ વ્યર્થ કે નિષ્ફળ છે. સંબંધની સાચી મૂડી પરસ્પરનો આદર, મુશ્કેલ સમયમાં એકબીજાનો હાથ પકડી રાખવાની હિંમત અને ઘરમાં પ્રવર્તતી શાંતિ છે.
સરખામણીનું મૂળ હમેશાં ભીતરના અસંતોષમાં રહેલું હોય છે. જ્યારે વ્યક્તિ પોતાની જાત સાથે શાંતિથી જીવી શકતી નથી, ત્યારે તે બહારના જગતમાં સ્વીકૃતિ શોધવા નીકળે છે. જ્યારે આપણે આપણા અસ્તિત્વને માત્ર સામાજિક મોભા કે ભૌતિક ચીજો સાથે જોડી દઈએ છીએ, ત્યારે પાર્ટનર પાસેથી પણ એવી બિનતાકક અને અવિચારી અપેક્ષાઓ રાખવા લાગીએ છીએ જે સંબંધ પર બિનજરૂરી દબાણ ઊભું કરે છે. જ્યારે વ્યક્તિ આંતરિક સંતોષ અને સમજણ કેળવે છે, ત્યારે બીજા પ્રત્યેની ઈર્ષ્યા આપોઆપ ઓગળી જાય છે. કોઈ અન્ય વ્યક્તિની સફળતા કે સુખ જોઈને મનમાં લઘુતાગ્રંથિ અનુભવવાને બદલે પ્રસન્નતા થાય છે. આંતરિક શાંતિ ધરાવતો માણસ પોતાના પાર્ટનરને જેવો છે તેવો સ્વીકારી શકે છે અને તેને સુધારવાના કે બદલવાના નિરર્થક આગ્રહોમાંથી મુક્ત થાય છે.
જો સરખામણી કરવી જ હોય, તો સૌથી સાર્થક અને હકારાત્મક સરખામણી પોતાના જ ગઈકાલના વ્યક્તિત્વ સાથે થવી જોઈએ. સંબંધોના સંદર્ભમાં પણ આ જ નિયમ શ્રેષ્ઠ પરિણામ આપે છે. આપણે બીજા પરિવારો સાથે સ્પર્ધા કરવાને બદલે આપણી જાતને પૂછવું જોઈએ કે, શું હું ગઈકાલ કરતાં આજે મારા જીવનસાથી પ્રત્યે વધુ સંવેદનશીલ બન્યો છું? શું મારા ક્રોધ, અહંકાર કે જીદ્દમાં ઘટાડો થયો છે? મુશ્કેલ પરિસ્થિતિઓમાં શું હું મારા પરિવાર માટે શાંતિ અને આશ્વાસનનો સ્ત્રોત બની શકું છું? શું મેં મારા પાર્ટનરના ચહેરા પર સ્મિત લાવવા માટે આજે કોઈ પ્રામાણિક પ્રયાસ કર્યો છે? જ્યારે વ્યક્તિ અન્ય સાથેની સરખામણી છોડીને પોતાની અંદર સુધારો લાવવાનો સંકલ્પ કરે છે, ત્યારે સંબંધોમાં અણબનાવ કે અંતર રહેવાની સંભાવના લગભગ શૂન્ય થઈ જાય છે.
હકિકતે સંબંધોમાં જ્યારે સરખામણી થવા લાગે છે ત્યારે ખોટા વિચારોનું ઝેર ફેલાવા લાગે છે અને સંબંધનો ધીમે ધીમે તથા અકાળે અંત આવી જાય છે. બીજી તરફ આ જ સંબંધોમાં જ્યારે સમજણ, સંવેદના, સદભાવ, સ્નેહ અને સમર્પણ ઉમેરાવા લાગે છે ત્યારે સંબંધો વધારે સાર્થક અને જીવવા યોગ્ય બને છે. આ સમયે આપણી સાથે જોડાયેલી વ્યક્તિને કે આપણને પોતાને આ સંબંધોનો ભાર લાગતો નથી અને સહહૃદયતા સાથે જીવી શકાય છે.
જીવન અને સંબંધોને માત્ર સિદ્ધિઓની યાદી બનાવીને જીવવું એ સંગીતને તેના સમયગાળાથી માપવા જેવું અર્થહીન છે. કોઈ સુંદર ગીત ત્રણ મિનિટનું છે કે દસ મિનિટનું, તેનાથી તેની ગુણવત્તા નક્કી નથી થતી; તે ગીત હૃદયને કેટલી શાંતિ અને ભાવવિભોરતા આપે છે તે મહત્વનું છે. તેવી જ રીતે, દાંપત્ય જીવન કે કૌટુંબિક સંબંધોમાં કેટલા ભૌતિક લક્ષ્યો પૂરા થયા તેના કરતાં સાથે વિતાવેલી ક્ષણોમાં કેટલી સહજતા, સ્નેહ અને હૂંફ હતી તે જ જીવનનો સાચો હિસાબ છે. સંબંધ એ કોઈ રેસ કે સ્પર્ધા નથી જ્યાં કોઈને હરાવીને વિજેતા બનવાનું હોય. સંબંધ તો એક સહિયારી સાધના છે, જ્યાં બંને પાત્રો એકબીજાના પૂરક બનીને જીવનની યાત્રાને સુંદર બનાવે છે.
વાસ્તવિક વિજય કોઈ બીજા કરતાં વધુ ધનવાન કે વૈભવી દેખાવામાં નથી, પરંતુ પોતાના મન પર વિજય મેળવવામાં છે. ક્રોધથી ધૈર્ય તરફ આગળ વધવું, અહંકારને ઓગાળીને નમ્રતા ધારણ કરવી, અસુરક્ષા અને શંકામાંથી વિશ્વાસનો સેતુ બાંધવો, અને સ્વાર્થથી પર થઈને પરસ્પર પ્રેમ અને સમર્પણની ભાવના કેળવવી, આ જ કોઈપણ સંબંધની સર્વોચ્ચ સિદ્ધિ છે. આ સાધનામાં બહારની દુનિયા સાથે કોઈ સ્પર્ધા નથી હોતી. અહીં કોઈ ત્રીજી વ્યક્તિ વિજેતા કે પરાજિત નથી બનતી, પણ આપણો પોતાનો આંતરિક વિકાસ જ આપણને વિજયી બનાવે છે.
સંબંધોને દીર્ઘાયુ અને સુખદ બનાવવા માટે આપણે જીવનની માપપટ્ટીને બહારથી ભીતર તરફ વાળવી પડશે. સાચું સુખ મોંઘી હોટેલોમાં જમવામાં કે લક્ઝુરિયસ ગાડીઓમાં ફરવામાં નથી, પણ દિવસભરના થાક પછી ઘરે પાછા ફરીને મળતી આત્મીયતા અને શાંતિમાં છે. જ્યારે બે વ્યક્તિઓ એકબીજાને કોઈ પણ શરત વગર સ્વીકારે છે, ભૂલોને માફ કરવાની ઉદારતા દાખવે છે અને એકબીજાના વિકાસમાં સાચા દિલથી સહભાગી બને છે, ત્યારે ત્યાં બાહ્ય સુખ ગૌણ બની જાય છે અને આંતરિક શાંતિનું સામ્રાજ્ય સ્થપાય છે.
જ્યારે ખોટી સરખામણીઓ સમાપ્ત થાય છે, ત્યારે જ આત્મબોધ અને સાચા પ્રેમનો ઉદય થાય છે. આત્મબોધ આપણને એ વાતનું ભાન કરાવે છે કે જીવન કોઈ પરીક્ષા નથી કે જેમાં બીજાના ગુણ જોઈને આપણે હતાશ થવું પડે; જીવન એક અનન્ય અનુભવ છે. સંબંધોની આ સુંદર સફરમાં સૌથી મોટી સફળતા એ જ છે કે જીવનની સંધ્યાએ આપણે ગર્વ અને સંતોષ સાથે કહી શકીએ કે અમે કોઈ અન્ય જેવા બનવાનો ઢોંગ ન કર્યો, પણ પૂરી નિષ્ઠાથી એકબીજાના સાથી બનીને, બાહ્ય જગતના પ્રભાવોથી મુક્ત રહીને એક શાંત, પ્રેમાળ અને અર્થસભર જીવન જીવ્યા. પોતાની જાત સાથેની સાચી સમજણ અને ભીતરનો સંતોષ જ આત્મવિકાસ અને મજબૂત સંબંધોનો એકમાત્ર કાયમી આધારસ્તંભ છે.