ફ્રેન્ડશિપ બર્નઆઉટ : મિત્રના ફોન કે મેસેજનો પણ થાક લાગે

- રિલેશનના રિ-લેસન- રવિ ઇલા ભટ્ટ
- મિત્રતાનો અંત જ બર્નઆઉટનો એકમાત્ર રસ્તો નથી. ફ્રેન્ડશિપ બર્નઆઉટ એ પૂર્ણવિરામ નથી, પણ એક અલ્પવિરામ છે. જ્યારે તમે થોડો સમય સ્પેસ માગો છો, ત્યારે તમને અને તમારા મિત્રને સમજાય છે કે આ સંબંધમાં ક્યાં ભૂલ થઈ રહી હતી. જો સામેવાળી વ્યક્તિ તમારી માનસિક સ્થિતિ અને બાઉન્ડ્રીઝનો આદર કરે છે, તો સમય જતાં તમારી મિત્રતા પહેલાં કરતાં પણ વધુ મેચ્યોર અને મજબૂત બની શકે છે.
આપણે એક યુવતીનો ઈમેલ આવ્યો હતો. તેને જે સમસ્યા હતી તેના વિશે સમાધાન માગતો ઈમેલ કર્યો હતો. તેનું નામ રિયા. રિયા અને સ્નેહા કોલેજકાળથી જ બેસ્ટ ફ્રેન્ડ્સ છે. સ્નેહા થોડી વધારે સંવેદનશીલ અને પોતાની લાઈફની નાની-મોટી બાબતોમાં રિયા પર નિર્ભર રહેતી વ્યક્તિ છે. તેની જોબની તકલીફ હોય, બ્રેકઅપ હોય કે ઘરનો કોઈ પ્રશ્ન, સ્નેહા દિવસમાં ૪ થી ૫ વાર રિયાને ફોન કરીને કલાકો સુધી પોતાની તકલીફો રડયા કરે. રિયા એક સચ્ચી મિત્ર હોવાના કારણે હંમેશાં સ્નેહાની વાત શાંતિથી સાંભળતી, તેને સલાહ આપતી અને રજાઓમાં પણ પોતાના આયોજનો છોડીને સ્નેહાને મળવા જતી.
ધીમે ધીમે આ ક્રમ મહિનાઓ સુધી ચાલ્યો. હવે પરિસ્થિતિ એ બની કે રિયા પોતાની પર્સનલ લાઈફ અને જોબના કામમાં પણ વ્યસ્ત રહેવા લાગી. એક દિવસ જ્યારે સ્નેહાનો ફોન આવ્યો, ત્યારે રિયાને કંટાળો આવ્યો. તેને વિચાર આવ્યો કે, ''આ, ફરી એ જ રડારોળ! મારી પાસે હવે આ સાંભળવાની શક્તિ નથી.'' રિયાએ ફોન કટ કરી દીધો અને સાયલન્ટ કરી મૂક્યો. તે સ્નેહાને ધિક્કારતી નહોતી, પણ સ્નેહાની નકારાત્મકતા અને સતત અપેક્ષાઓએ રિયાને માનસિક રીતે નીચોવી નાખી હતી.
આપણને હંમેશાં શીખવવામાં આવે છે કે તા દુનિયાનો સૌથી સુંદર સંબંધ છે. મિત્રો સાથે હસવું, ફરવું, સુખ-દુ:ખ વહેંચવું આ બધું જ જીવનને જીવવા જેવું બનાવે છે. પરંતુ શું ક્યારેય એવું બન્યું છે કે તમારા ફોન પર કોઈ ખાસ નો મેસેજ આવે અથવા તો તેનો ફોન આવે અને તેને જોઈને તમારા ચહેરા પર સ્મિત આવવાને બદલે એક ઊંડો નિસાસો નીકળી જાય? જ્યારે તે મળવાનો પ્લાન બનાવે, ત્યારે ઉત્સાહ અનુભવવાને બદલે તમને થાક કે માનસિક બોજ અનુભવાય? અને કોઈ જ મોટા ઝઘડા કે કારણ વગર, બસ તમને એકલા રહેવાનું મન થાય?
મનોવિજ્ઞાનની ભાષામાં આ સ્થિતિને 'ફ્રેન્ડશિપ બર્નઆઉટ' કહેવામાં આવે છે. જેમ સતત કામ કરવાથી ઓફિસમાં 'ઓફિસ બર્નઆઉટ' થાય છે, તેમ સંબંધોમાં, ખાસ કરીને ગાઢ તામાં પણ સતત લાગણીઓનું રોકાણ કરવાથી અને ઉપલબ્ધ રહેવાથી 'ફ્રેન્ડશિપ બર્નઆઉટ' થઈ શકે છે.
સરળ શબ્દોમાં કહીએ તો, ફ્રેન્ડશિપ બર્નઆઉટ એટલે તો સાચવતા સાચવતા ભાવનાત્મક અને માનસિક રીતે એટલા થાકી જવું કે સામેવાળી વ્યક્તિ સાથે વાત કરવાની કે મળવાની ઇચ્છા જ મરી પરવારે. આ સ્થિતિમાં મિત્ર પ્રત્યે પ્રેમ કે આદર ઓછો નથી થઈ જતો, પણ તમારી પોતાની ઈમોશનલ બેટરી પૂરી થઈ ગઈ હોય છે. તમે સતત સાંભળનાર, મદદ કરનાર કે સાથ આપનાર તરીકે સંબંધમાં ટકેલા હોવ છો, પરંતુ એક તબક્કે તમારી પાસે પોતાની માટે જ ઊર્જા બચતી નથી.
આ પરિસ્થિતિ સમજવી હોય તો કેટલીક બાબતો ઉપર નજર નાખીએ તો તરત જ સમજાઈ જાય તેમ છે. સૌથી પહેલાં તો મેસેજ કે ફોન જોઈને ડર કે કંટાળો આવવા લાગે. તેનું નામ ફોનની સ્ક્રીન પર જોઈને આનંદ થવાને બદલે ચિંતા કે ગભરામણ થવા લાગે. મેસેજ વાંચીને પણ કલાકો કે દિવસો સુધી ''હું વ્યસ્ત હતો/હતી'' એવું બહાનુ બનાવીને રિપ્લાય ન કરવો. સાથે બહાર જવાનું નક્કી થાય ત્યારે 'હું કેવી રીતે ના પાડું?' એવા બહાના શોધવાનું શરૂ કરવું. જ્યારે વાત કરવી પડે ત્યારે કંટાળો આવતો હોવા છતાં હસવાનો કે ઉત્સાહી હોવાનો ડોળ કરવો. મિત્રોથી દૂર થઈને બસ પોતાના રૂમમાં એકલા રહેવું અથવા કોઈ નવા જ સીમિત વર્તુળમાં રહેવાની ઈચ્છા થવી. મિત્રની નાની-નાની વાતો કે તેની હાજરીથી પણ અંદરથી ગુસ્સો કે ચીડ આવવી પણ કહી ન શકવું. આ બધા જ ફ્રેન્ડશિપ બર્નઆઉટના સામાન્ય લક્ષણો છે. આપણામાં કે બીજાનામાં આ લક્ષણો કેમ દેખાય છે તેનું પણ થોડું મનોમંથન કરવું જોઈએ.
સૌથી પહેલાં તો સંબંધનો એકતરફી ભાવનાત્મક બોજ અસર કરે છે. ઘણીવાર મિત્રતામાં એક વ્યક્તિ ફક્ત લિસનર બની જાય છે અને બીજી વ્યક્તિ ફક્ત પોતાની ફરિયાદો કે દુ:ખ ઠાલવનાર હોય છે. જ્યારે તમે સતત સામેવાળાનો કચરો કે નકારાત્મકતા તમારા મગજમાં ભરો છો, ત્યારે તમારી અંદર નકારાત્મકતાનો પહાડ બની જાય છે. બીજી તરફ આપણે માનીએ છીએ કે, મિત્રતામાં કોઈ મર્યાદાઓ હોતી નથી. મિત્રતામાં વળી બાઉન્ડ્રી કેવી? આ વિચાર જ સૌથી મોટો વિલન છે. જ્યારે તમે તમારા મિત્રને ગમે ત્યારે ફોન કરવાની, ગમે ત્યારે ઘરે આવી જવાની કે તમારી અંગત લાઈફમાં અતિશય હસ્તક્ષેપ કરવાની છૂટ આપો છો, ત્યારે મોડો-વહેલો થાક લાગવાનો જ છે.
મિત્રતા જ નહીં કોઈપણ સંબંધમાં બર્નઆઉટ થવાનું એક મોટું કારણ ના પાડવાની હિંમતનો અભાવ પણ છે. જો તમે ક્યારેય તમારા મિત્રને કોઈ કામ માટે કે મળવા માટે 'ના' નથી કહી શકતા, કારણ કે તમને ડર છે કે તે ખરાબ લગાડી દેશે, તો તમે પોતાની જાત સાથે અન્યાય કરી રહ્યા છો. સતત હા પાડવાની આ ટેવ જ બર્નઆઉટ તરફ દોરી જાય છે. આ સિવાય સ્વીકારવું જોઈએ કે, સમય સાથે માણસ બદલાય છે. બની શકે કે કોલેજમાં તમારી પસંદગીઓ સરખી હતી, પણ હવે તમારા કરિયર, લગ્ન કે માનસિકતા બદલાઈ ગઈ છે. જ્યારે બે દોસ્તોના જીવનના લક્ષ્યો કે મૂલ્યો અલગ પડે છે, ત્યારે જૂની મિત્રતા રાખવી એક બોજ બની જાય છે. આમ જોવા જઈએ તો, આજના સોશિયલ મીડિયાના યુગમાં આપણે ૨૪ કલાક એકબીજા સાથે જોડાયેલા છીએ. વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ પર સતત મીમ્સ શેર કરવા, રિપ્લાય આપવો, લોકેશન આપવું, આ સતત વર્ચ્યુઅલ હાજરી પણ માણસને માનસિક રીતે થકવી દે છે.
સમજવા જેવી બાબત એ છે કે, ફ્રેન્ડશિપ બર્નઆઉટનો અર્થ એ નથી કે તમારે મિત્રતા તોડી નાખવી. જો આ મિત્રતા તમારા માટે કિંમતી હોય, તો યોગ્ય પગલાં ભરીને તેને બચાવી શકાય છે અને પોતાની માનસિક શાંતિ પણ જાળવી શકાય છે. સૌથી પહેલાં પોતાની જાતને દોષ આપવાનું બંધ કરો. એ સ્વીકારો કે માનસિક થાક અનુભવવો કુદરતી છે. જેમ શરીરને આરામની જરૂર હોય છે, તેમ મનને પણ સંબંધોમાંથી થોડા આરામની જરૂર હોય છે. તમે પોતે એ સમજો અને તમારા મિત્રને પણ તેની સમજ આપો. આ ઉપરાંત મિત્રથી થોડા સમય માટે અંતર બનાવો. આ માટે ઝઘડો કરવાની જરૂર નથી. તમે સરળતાથી કહી શકો છો, હાલમાં હું થોડા પર્સનલ કામ અને શારીરિક-માનસિક થાકમાંથી પસાર થઈ રહ્યો છું કે થઈ રહી છું, એટલે કદાચ થોડા દિવસો મળાશે નહીં કે વાત નહીં થાય. તમારે થોડી પર્સનલ સ્પેસ જોઈએ છે તેની સ્પષ્ટતા કરવી જોઈએ.
સૌથી મહત્ત્વની વાત એ છે કે, તમારા સમય અને ઊર્જા કિંમતી છે. જો તમને ચોક્કસ સમયે વાત કરવી પસંદ ન હોય, તો તેના વિશે સ્પષ્ટતા કરી દેવી જોઈએ. તમે કામમાં હોવ, તો ફોન ઊંચકવાને બદલે ''હું પછી વાત કરું છું'' એવો મેસેજ મૂકી દો. દરેક મેસેજનો તાત્કાલિક રિપ્લાય આપવાની જવાબદારી તમારી નથી. જો તમારો મિત્ર સમજુ હશે, તો તે તમારી વાત સમજશે. તેની સાથે બેસીને પ્રેમથી કહો કે હું પણ એક વ્યક્તિ છું. મને સતત આ રીતે જોડાયેલા રહેવું થકવી નાખે છે. મને આરામની અને અન્ય સંબંધો તરફ જોવાની પણ જરૂર છે. મારી પોતાની જાતને પણ સંભાળવાનો સમય આપવો પડશે.
મિત્રતાનો અંત જ બર્નઆઉટનો એકમાત્ર રસ્તો નથી. ફ્રેન્ડશિપ બર્નઆઉટ એ પૂર્ણવિરામ નથી, પણ એક અલ્પવિરામ છે. જ્યારે તમે થોડો સમય સ્પેસ માગો છો, ત્યારે તમને અને તમારા મિત્રને સમજાય છે કે આ સંબંધમાં ક્યાં ભૂલ થઈ રહી હતી. જો સામેવાળી વ્યક્તિ તમારી માનસિક સ્થિતિ અને બાઉન્ડ્રીઝનો આદર કરે છે, તો સમય જતાં તમારી મિત્રતા પહેલાં કરતાં પણ વધુ મેચ્યોર અને મજબૂત બની શકે છે. જોકે, જો તમામ પ્રયત્નો અને વાતચીત છતાં સામેવાળી વ્યક્તિ તમારી સ્થિતિ ન સમજે, તમને ગિલ્ટ-ટ્રિપ આપે અથવા સતત ટોક્સિક વર્તન ચાલુ રાખે, તો તે સંબંધમાંથી નમ્રતાપૂર્વક પાછળ હટી જવું જ તમારા આત્મસન્માન અને માનસિક શાંતિ માટે હિતાવહ છે.
સાચો મિત્ર એ નથી જે તમારો બધો સમય અને શક્તિ નીચોવી લે, પણ એ છે જે તમારી ચુપકીદી અને તમારી મર્યાદાઓને પણ સમજે. જો આજે તમને કોઈ મિત્રનો મેસેજ જોઈને થાક લાગતો હોય, તો રોકાઈ જાઓ. પોતાની જાતને દોષ આપવાનું બંધ કરો, થોડી સ્પેસ લો અને ખુલીને વાત કરો. યાદ રાખો, તમે પોતે માનસિક રીતે સ્વસ્થ હશો, તો જ તમે એક સારા અને સાચા મિત્ર બની શકશો.




