Sahiyar

ફ્રૂટજ્યુસનું વધુ સેવન સ્વાસ્થ્યનાશક

By GS Team
24 Aug 20263 mins read
ફ્રૂટજ્યુસનું વધુ સેવન સ્વાસ્થ્યનાશક

તંદુરસ્ત સ્વાસ્થ્ય અર્પતો નાસ્તો કયો? બ્રિટનના લોકોને પૂછવામાં આવે તો તેઓ નિ:સંકોચ જવાબ આપશે. મધ અને માખણ ચોપડેલો પાઉં અને સાથે તાજાં ફળોના રસનો મસ મોટો ગ્લાસ અને બ્રિટનની આ પ્રથા આપણે પણ અપનાવી છે. આપણા દેશના મોટાભાગના ઘરમાં વહેલી સવારે નાસ્તામાં આ પદાર્થ લેવામાં આવે છે. પરંતુ કેમ્બ્રીજના વૈજ્ઞાનિકોએ હાલમાં ચેતવણી આપતાં જણાવ્યું છે કે મધમાં રહેલી સર્કરા (ફ્રુકટોસ) અને થોડે અંશે ફળોમાં રહેલી સર્કરાને કારણે ઉત્પન્ન થતા લિપોપ્રોટીન રક્તપ્રવાહમાં ભળે છે. ખાસ કરીને ઉપવાસ દરમિયાન આ શક્યતા વધી જાય છે. આ લિપોપ્રોટીનને કારણે રક્તમાં ચરબી પેદા થાય છે. જેને કારણે ધમનીમાં લોહી ગંઠાઈ જાય છે. આ વૈજ્ઞાનિકોના અભિપ્રાય પ્રમાણે સવારના નાસ્તામાં સાકર ભેળવેલા પદાર્થો જેવા કે ખીર અને કઠોેળ લઈ શકાય સાથે પ્રોટીનયુક્ત પદાર્થ પણ લઈ શકાય. પરંતુ ચરબીયુક્ત પદાર્થો ન લેવા જોઈએ. ફળોનો રસ લેવો જ હોય તો દિવસ ચઢતાં લઈ શકાય છે. કારણ કે આ સમયે આપણું શરીર ચરબીયુક્ત ખોરાક પચાવવા સક્ષમ બને છે.
બ્રિટન ઉપરાંત અમેરિકામાં પણ માતાઓ બાળકોને વધુ પ્રમાણમાં ફળોનો રસ આપવાનું પસંદ કરે છે. અને એ પણે એટલી હદે કે દૂધની બાટલી છોડતા જ બાળક ફળોના રસનો બંધાણી બની ચૂકે છે. આ કારણે બાળકોની ધમની પર અસર પહોંચે છે સાથે સાથે તેમના દાંત અને પાચનક્રિયા પર પણ અસર પહોંચે છે. ઉપરાંત તેમની ભૂખ પણ મંદ પડી જાય છે.
અમેરિકન એકેડમીએ સૂચવ્યા મુજબ નાના બાળકોએ દિવસ દરમિયાન અર્ધા લીટરથી વધુ ફળોનો રસ પીવો જોઈએ નહીં. એટલું જ નહીં પણ કેટલાંક બાળરોગ નિષ્ણાત છ મહિનાથી નાના બાળકને એક ટીપું ફળનો રસ આપવાની પણ વિરુધ્ધ છે.
મોટાભાગના લોકો આ વાતથી અજાણ છે કે ફળોના રસમાં સાકરનું પ્રમાણ ખૂબ હોવાથી તેનાથી ચરબી વધવાની શક્યતા છે. મેદસ્વી કાયા ધરાવતી વ્યક્તિ વજન ઓછું કરવા માટે અન્ય પદાર્થો પર કાપ મુકે છે. પરંતુ ફળોના રસ પર કાપ મુકવાનું તેને સૂઝતું નથી. ફળોના રસમાં અગત્યના વિટામીન હોવા છતાં પણ તેનામાં કેલેરીનું પ્રમાણ વધુ હોવાથી શરીર પર મેદના થર જામતા વાર નથી લાગતી. એટલું જ નહીં પરંતુ તેનામાં પૌષ્ટિક તત્ત્વો પણ રહેલા નથી. આથી ફળોનો રસ લેનાર વ્યક્તિ અપોષણથી તો પીડાય જ છે સાથે સાથે શરીરમાં ચરબીનો પણ ભરાવો થાય છે.
અમેરિકાના બાળરોગ નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે ફળનો રસ પીતાં પાંચ વર્ષની નીચેની ઉંમરના બાળકો મેદસ્વી હોય છે એટલું જ નહીં પરંતુ તેમની ઉંમરના અન્ય બાળકો કરતાં તેઓ ઠીંગણા હોય છે. ફળોનો રસ પીતી વખતે સ્ટ્રો વાપરવાને કારણે સાકરના રસથી દાંત મુક્ત રહે છે. ફળોમાં વિટામીન સી, બીટા કેરોટીન ઉપરાંત બીજા એન્ટી ટોક્સિડન્ટ હોવાથી ફળોના રસનો બહિષ્કાર કરવો ડહાપણભર્યું નથી. આથી આહારમાં ફળ એક અગત્યનો ભાગ છે એ પણ યાદ રાખવું. ફળ લેવાને કારણે હૃદયરોગનો હુમલો આવવાની શક્યતા પણ ઘટે છે. એટલે ફળોના રસને બદલે યોગ્ય માત્રામાં ફળોનો આહારમાં સમાવેશ કરવો.