Sahiyar

વરસાદની મઝા લો સ્ટાઇલિશ આઉટફિટ-એક્સેસરીઝના સથવારે

By GS Team
31 Aug 20262 mins read
વરસાદની મઝા લો સ્ટાઇલિશ આઉટફિટ-એક્સેસરીઝના સથવારે

આ વર્ષે ચોમાસાએ આખા દેશ પર ગરજી-વરસીને પોતાનો પરચો બતાવ્યો છે. રિમઝિમ રિમઝિમ બારિશની મોસમ મનલુભાવન લાગે તોય વરસતા વરસાદમાં બહાર નીકળવું હોય ત્યારે સહેજે એમ થાય કે, કયા વસ્ત્રો પહેરવા? કઈ એક્સેસરી લેવી? તેમાંય ફેશનેબલ માનુનીઓને આ પ્રશ્ન વધુ મૂંઝવે. પરંતુ આ સિઝનમાં પણ તમે ફેશનેબલ આઉટફિટ-એક્સેસરીઝનો ઉપયોગ કરી શકો છો. જેમ કે જમ્પસૂટ્સ, પ્લેસૂટ્સ, બ્રાઇટ કલરમાં ગ્રાફિક ટી-શર્ટ્સ, હૂડીઝ અને કાર્ડિગન્સ. આવા પોશાક તમારી સામાન્ય દેખાવાની ચિંતાને દૂર કરી દેશે. તેમાંય જો તમે ડાર્ક પિંક, ડાર્ક બ્લુ, ડાર્ક ગ્રીન જેવા કલરમાં આવા ડ્રેસ પહેરો તો મેઘધનુષની મોસમ સાથે એકદમ ફીટ બેસે. આ સિવાય નોખા તરી આવવા માટે સ્કીન ટાઇટ લેગિંગ્સ ઉપર ટ્રેન્ચકોટ બેસ્ટ ઓપ્શન છે. હા, લેગિંગ ઘેરા રંગમાં અને ટ્રેન્ચકોટ હળવા રંગમાં હોય તે જરૂરી છે.
હવો બોટમ્સની વાત કરીએ તો શક્યત: ઘેરા રંગના મુલાયમ અને વજનમાં હળવાં મટિરિયલની પેન્ટ પહેરો. જિન્સ પહેરવાનું ટાળો. ડેનિમ ભીંજાઈને વજનદાર થઈ જાય છે અને ઝટ સુકાતી પણ નથી. લાયક્રા મટીરિયલ પણ ત્વચા પર ચોંટી જતું હોવાથી ભીંજાઈ જાય ત્યારે અકળામણ પેદા કરે છે. તેના કરતાં ઝટ સુકાઈ જાય એવા કોટન, લિનન કોટન-સિન્થેટિક મિક્સ મટિરિયલના પેન્ટ પહેરો. તમે ચીનોઝ, ટ્રાઉઝર્સ, શોર્ટ્સ, કેપ્રી અને સ્કર્ટ પણ પહેરી શકો છો. હા, સ્કર્ટની પેટર્ન એવી લો કે તે પવનને કારણે ઊડે નહીં.
ચોમાસામાં પગરખાંનું મહત્ત્વ પણ જરાય ઓછું ન આંકી શકાય. આ દિવસોમાં પ્લાસ્ટિક અને રબરના સ્લિપ-ઓન્સ તેમ જ જેલીઝ પર પસંદગી ઉતારો, વોટરપ્રૂફ, વાઇબ્રન્ટ-હ્યુડ, ગ્રાફિક ફ્લિપ-ફ્લોપ, ફ્લોટર્સ, ફ્લેટ્સ, બેલે ફ્લેટ્સ, સેંડલ અને વીલિઝ. સીધાસાદા ગમબૂટ કે પ્લાસ્ટિકના બૂટ-ચંપલના સ્થાને તમે આ બધી વરાઇટીમાંથી મનગમતાં પગરખાં પહેરી શકો છો. હા, પેન્સિલ હિલને બદલે આરામથી ચાલી શકાય એવા પમ્પ્સ પહેરો આ સિવાય બ્લોક હિલ્સ, વેજીસ, કલરફુલ વોટરપ્રૂફ બૂટ પણ તમને સ્ટાઇલિશ દર્શાવશે.
હા, તમારા પગરખાં તમારા પગ પર મજબૂતીથી બેસી જાય એવાં હોવાં જોઈએ. ક્યાંક એવું ન થાય કે જોડાં તમારા પગને સંભાળે તેના બદલે તમારા પગને જ જૂતાં સંભાળવા પડે.
હવે વાત માંડીએ એક્સેસરીઝની. આ ઋતુમાં સોના-ચાંદીના ઘરેણાં જ્વેલરી બોક્સમાં બંધ કરીને મૂકી દો. તેના સ્થાને બીડ્સનું બનાવેલું કલરફુલ બ્રેસલેટ, નેકલેસ, અંગૂઠી પહેરો. મોટી મઝાની હેન્ડબેગ લો જેથી તેમાં વરસાદમાં જરૂરી હોય એવો બધો વધારાનો સામાન સમાવી શકાય. કલરફુલ, ફ્રીલવાળી, ટ્રેડિશનલ પ્રિન્ટવાળી છત્રી લો. હા પ્લેન અથવા પ્રિન્ટેડ સ્કાર્ફ પણ હેન્ડબેગમાં રાખો જેથી જોરથી પવન ફૂંકાતો હોય ત્યારે માથા પર બાંધી દેવાથી વાળ વીંખાઈ ન જાય. તમારા સ્માર્ટફોન અને ચશ્મા માટે સરસ મઝાના કવર ખરીદો.
જો તમને છત્રીને બદલે રેનકોટ પહેરવો હોય તો સિંગલ કલરમાં ખરીદો, કલરફુલ રેનકોટ સ્કૂલ-ગર્લ જેવું લાગશે. હા, તમે સરસ મઝાનો ડ્રેસ પહેર્યો હોય તો પારદર્શક રેનકોટ પણ પહેરી શકાય.

  • નયના