ગણેશોત્સવ માટે ઈકો-ફ્રેન્ડલી મૂર્તિઓની બોલબાલા

આટલાં વર્ષોથી આપણે જોઈ રહ્યાં છીએ કે મોટાભાગની મૂર્તિઓ પી.ઓ.પી. એટલે કે પ્લાસ્ટર ઓફ પેરિસથી બનાવવામાં આવે છે. પી.ઓ.પી. માટીની સરખામણીમાં સસ્તું છે. વળી તે વજનમાં પણ હલકું હોવાથી વિશાળકાય પ્રતિમાઓ બનાવવા માટે વધારે પસંદ કરવામાં આવે છે. મોટા ગણેશ મંડળોમાં તો વધારે ઊંચાઈવાળી મૂર્તિ બનાવવાની હોડ લાગે છે. આવી પરિસ્થિતિમાં પી.ઓ.પી.નો ઉપયોગ માઝા મુકતો જાય છે. પરંતુ વિસર્જન બાદ પી.ઓ.પી. પર્યાવરણની કેવી દાટ વાળે છે તેના વિશે કોઈ વિચારતું નથી પણ છેલ્લાં સાતેક વર્ષોમાં પર્યાવરણવાદીઓએ આ વિષયમાં જન જાગૃતિ આણવાનું બીડું ઝડપ્યું છે. ઘણી સ્વયંસેવી સંસ્થાઓ આ કાર્ય માટે આગળ આવી છે અને ઘણાં કલાકારો કાગળ, ઘાસ, પાંદડા, માટી ચોખા જેવી પર્યાવરણને નુકસાન ન પહોંચાડનાર સામગ્રીમાંથી ગણેશ પ્રતિમાઓ તૈયાર કરવા લાગ્યાં છે. કેટલાંક સ્થળોએ ગણેશ વિસર્જન માટે ખાસ કૃત્રિમ તળાવોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જેથી કુદરતી તળાવોને પ્રદૂષણથી બચાવી શકાય.
રાજ્ય સરકાર અને મુંબઈ મહાનગરપાલિકાએ ગણપતિ ઉત્સવ ઈકો ફ્રેન્ડલી મનાવવાનું નક્કી કર્યું છે. પ્રત્યેક વોર્ડમાં મૂર્તિઓના વિસર્જન માટે ઓછામાં ઓછું એક કૃત્રિમ તળાવ બનાવાયું છે. લોકો સુધી આ જાણકારી પહોંચાડવા માટે વિશેષ યોજના બનાવી છે. પાલિકા ઈકો ફ્રેન્ડલી ગણપતિ ઉત્સવમાં સજાવટ અને પૂજાની જરૂરી સામગ્રી માટે મોટા વિક્રેતાઓ સાથે કરાર કરવાની છે. ઈકો ફ્રેન્ડલી ગણપતિ ઉત્સવ ઊજવવા માટે પહેલા રાજ્ય સરકાર અને સ્થાનિક સંસ્થાઓ જોરશોરથી ઘોષણાઓ કરતી હતી. સામગ્રી પૂરી પાડવાની વાત નામ માત્ર રહી. જેના કારણે લોકોએ મજબૂર થઈને થર્મોકોલ, પ્લાસ્ટિક અને કેમિકલ રંગોનો ઉપયોગ કરે છે. જાણકારીના અભાવના લીધે લોકો મૂર્તિઓનું વિસર્જન કરવા સમુદ્રકિનારે અથવા કોઈ તળાવમાં જાય છે.
આ વર્ષે ઈકો ફ્રેન્ડલી ગણપતિ ઉત્સવ ઉજવવા માટે સરકાર અને પાલિકા વિશેષ પગલું ભરી રહી છે. ઈકો ફ્રેન્ડલી સામગ્રીનું વેચાણ કરતી દુકાનોને છૂટ આપવાની તૈયારી કરી રહી છે. આ વર્ષે ગણપતિ મૂર્તિઓનાં વિસર્જન માટે દરેક વોર્ડમાં ઓછામાં ઓછું એક કૃત્રિમ તળાવ બનાવાશે. આવા તળાવોની જાણકારી આપવા માટે રેલવેસ્ટેશનો, બસ સ્ટેન્ડ, ઓટોટેક્સી સ્ટેન્ડ તથા દરેક ચોક પર બોર્ડ લાગાડાશે. જેથી કૃત્રિમ તળાવની જાણકારી મળી શકે.
ગત વર્ષે ૨૬ કૃત્રિમ તળાવો બનાવાયાં હતાં. જેમાં ૧૦૨૬ મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું. સૌથી વધુ મૂર્તિઓનું વિસર્જન મેયર બંગલા પર બનેલાં કૃત્રિમ તળાવમાં થયું હતું.
પ્રકૃતિ નામની સ્વયંસેવી સંસ્થાના કાર્યકરોેનું માનવું છે કે પી.ઓ.પી.ના સ્થાને પર્યાવરણ પ્રેમી વિકલ્પ અપનાવવો જોઈએ. સરકારે તેને માટે કડક માર્ગદર્શિકા બનાવવી જોઈએ અને તેનો સખત અમલ કરવો જોઈએ. આ માર્ગદર્શિકામાં મૂર્તિ નિર્માણ માટે કઈ સામગ્રી વાપરવી અને કઈ નહીં તેનો સ્પષ્ટ નિર્દેશ હોવો જોઈએ. આ ઉપરાંત ગણેશ ભક્તોએ પણ વિશાળકાય પ્રતિમાઓ બનાવવાની માનસિકતા બદલવાની ખાસ્સી જરૂર છે. નાની પ્રતિમાઓ અને ઓછા ડેકોરેશનને લીધે પાણીનું પ્રદૂષણ તો ઘટશે જ. આ ઉપરાંત પ્રકાશ અને અવાજના પ્રદૂષણ પર પણ આપોઆપ નિયંત્રણ આવી જશે.
બીજી એક સ્વયંસેવી સંસ્થા 'સદ્ગુરુ શ્રી અનિરુધ્ધ ઉપાસના ટ્રસ્ટ' પણ પર્યાવરણ સંબંધી લોક જાગૃતિ અભિયાનમાં જોડાયું છે. તે ગણપતિના ભક્તોને કાગળમાંથી ગણેશજીની પ્રતિમાઓ તૈયાર કરવા પ્રોત્સાહિત કરે છે. આ સંસ્થા વેસ્ટ પેપર ભેગાં કરી તેમાંથી કાગળનો પલ્પ તૈયાર કરીને શિલ્પકારોને આપે છે. આ પ્રતિમાઓનું વિસર્જન પર્યાવરણને નુકસાન નથી કરતું.
જ્યારે 'ગાયત્રી પરિવાર' નામની એક સંસ્થાએ પર્યાવરણ સુરક્ષા કાજે ગણેશ મંડળો માટે એક માર્ગદર્શિકાચ ઘડી કાઢી છે. આ માર્ગદર્શિકાનું પાલન કરનાર ગણેશ મંડળ માટે પારિતોષિક પણ જાહેર કરવામાં આવ્યું છે. આમાં મુખ્યત્વે લંબોદરની પ્રતિમા કાગળ, માટી, ચોખા, ઝાડપાન જેવી ઈકો-ફ્રેન્ડલી સામગ્રીથી બનેલી હોવી જરૂરી છે. મંડળે સરકારી કાયદાઓનું ઉલ્લંઘન ન કરવું જોઈએ. ઉત્સવ દરમ્યાન એકઠાં થયેલા ફૂલહારને સમુદ્ર કે નદીમાં પધરાવવાને બદલે નિર્માલ્ય કળશમાં એકઠાં કરવા જોઈએ જે પાછળથી કૃષિ વિભાગ કે અન્ય સંસ્થાને આપી શકાય અને તેમાંથી ઓર્ગેનિક ખાતર બનાવી શકાય. આ ઉપરાંત પણ બીજા નિયમો ઘડવામાં આવ્યા છે. આ સંસ્થાના કાર્યકરો ગણેશ મંડળોમાં ફરીને નિરિક્ષણ કરશે અને નિયમોનું યોગ્ય પાલન કરનારને પારિતોષિક આપવામાં આવશે. આ માટે ગાયત્રી પરિવારે ગણશ મંડળો પાસેથી દરખાસ્તો પણ મંગાવી છે.
પર્યાવરણ બચાવવાની આ ઝુંબેશમાં પવઈની આઈઆઈટીના વિદ્યાર્થીઓ પણ જોડાયા છે. તેઓ પવઈના તળાવને સ્વચ્છ કરીને તેમાંથી નીકળતા કાદવ કે કાંપમાંથી ગણપતિની મૂર્તિઓ બનાવશે. ગામડાંઓમાં ચાલતી આ પ્રથાને મુંબઈમાં પુનર્જીવિત કરવામાં આવશે. આ બધા કરતાં પણ ચડી જાય એવી ઈકો-ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના લોઅર પરેલની એક સોસાયટીમાં થાય છે. આ સ્થાપનાની વિશેષતા એ છે કે તેમાં ગણેશજીની મૂર્તિ લાવવી કે વિસર્જિત કરવી નથી પડતી. રુસ્તમ સોસાયટીમાં બ્લેક બોર્ડ પર ગણપતિનંુ ચિત્ર બનાવીને તેને ચોક અને પાણીના રંગો વડે રંગવામાં આવે છે. કહેવાય છે કે ૧૯૭૮માં બબન કંદગાવકર નામના કલાકારે સહજપણે દોરેલું ગણપતિનું ચિત્ર એટલું જીવંત હતું કે કેટલાક રહેવાસીઓએ તેની માનતા માની અને તે માનતા ફળી પણ ખરી. બસ, ત્યારથી આજ સુધી તેઓ દર વર્ષે આ પ્રમાણે જ શિવસુતની સ્થાપના કરી દસ દિવસ સુધી શ્રધ્ધાપૂર્વક આરાધના કરે છે. ઉમાપુત્રના વિસર્જન માટે તેઓ લંબોદરના ચિત્રને નાળિયેર પાણી ચડાવીને ભૂંસે છે. આ અને આવા ઘણાં પર્યાવરણ પ્રેમીઓ ગણેશોત્સવને ઈકો-ફ્રેન્ડલી બનાવવા તત્પર છે.
ગુજરાતમાં પણ પ્લાસ્ટર ઓફ પેરિસથી બનેલી ગણેશજીની પ્રતિમા પર પ્રતિબંધ
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એક દાયકાથી તહેવારના રસિયા ગુજરાતીઓને ગણેશજીની મૂર્તિ પ્લાસ્ટર ઑફ પેરેસમાંથી બનાવવાને બદલે કુદરતી માટીમાંથી જ બનાવે તેવો આગ્રહ રાખશે. પ્લાસ્ટર ઑફ પેરિસ કે અન્ય પકાવેલી માટીમાંથી બનાવવામાં આવતી મૂર્તિઓના વિસર્જનને કારણે પ્રદૂષણ વધતુ હોવાથી આ પગલું લવાનો નિર્ણય કર્યો હતો.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પણ કલેક્ટરોને પત્ર લખીને લોકોની ધાર્મિક લાગણી ન દુભાય તે રીતે આ માર્ગદર્શિકાનું પાલન કરાય તે માટેના પ્રયાસો શરૂ કરવાની સૂચના આપી છે. ગણેશોત્સવના આયોજન માટે પરવાનગી લેવા આવનારાઓને આ માર્ગદર્શિકાની નકલ આપવા અને યોગ્ય પગલાં લેવાની સૂચના આપવા જણાવ્યું છે. બીજું, ગણેશજીની મૂર્તિઓને રંગોથી સજાવવામાં પણ નિયંત્રણ આવી રહ્યું છે. કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ અંગે બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન્સમાં જણાવવામાં આવ્યું છે કે ગણેશજીની મૂર્તિઓની રંગોથી સજાવટ ન કરવી જોઈએ. મૂર્તિઓની રંગોથી સજાવટ કરવી જ હોય તો તે સજાવટ પાણીમાં આસાનીથી ઓગળી જાય તેવા રંગોથી કે પછી દૂષિત કેમિકલ્સ ન ધરાવતા હોય તેવા રંગોથી તેની સજાવટ કરવાની રહેશે. નદીમાં ગણેશ વિસર્જન કરતાં પૂર્વે મૂર્તિની સજાવટ માટે ઉપયોગમાં લેવામાં આવેલા ફૂલ, વસ્ત્ર અને અન્ય સજાવટ સામગ્રી અલગ કરી લેવાની ફરજ પાડવામાં આવશે. જમીનના તત્વો સાથે ભળી જાય અને તેમાં ઓગળી જાય તેવી સામગ્રી ખાતર બનાવવા માટે અલગથી લઈ લેવામાં આવશે. જ્યારે ગણપતિની સજાવટ માટે ઉપયોગમાં લેવામાં આવેલી અને નોનબાયોડિગ્રેડેબલ સામગ્રીને અલગથી લઈ લઈને લેન્ડફિલ સાઈટમાં તેનો નિકાલ કરવામાં આવશે. ગણેશજીના વસ્ત્રો અને ઇતર વસ્ત્રો એકત્રિત કરીને અનાથાશ્રમમાં મોકલી આપવાનો નિર્ણય લેવાયો છે.
ગણેશ વિસર્જનને કારણે જળસ્રોતો પ્રદૂષિત ન થાય તે માટે આ પગલાં લેવામાં આવ્યા છે. ગણેશ વિસર્જન અને દશામાની મૂર્તિઓના વિસર્જનને કારણે જળસ્રોતોના પાણીમાં વધતા પ્રદૂષણનો પ્રજાને ખ્યાલ આવે તે માટે ગણેશ વિસર્જન પછીના દિવસના પાણીના સેમ્પલો એકત્રિત કરીને તેનું લેબોરેટરી એનાલિસિસ કરાવીને તેના રિપોર્ટ્સની વિગતો જાહેર કરવામાં આવશે.




