કમનિય કાયા અને સાજ-શણગારને નજર ન લાગવા દો

વર્ષાઋતુમાં શારીરિક સૌંદર્ય અને મેકઅપને સુરક્ષિત રાખવાની પણ અનેક સમસ્યા હોય છે. આ ચાર મહિનામાં સુંદરતાની કાળજી રાખવા તથા વધારવા તમે ઘણું બધું કરી શકો છો. અન્ય ઋતુની માફક વરસાદની મોસમમાં પણ સૌંદર્યની દેખભાળ જરૂરી છે.
વરસાદની મોસમમાં હાથને નરમ મુલાયમ રાખવા રાતના સૂતા પૂર્વે હુંફાળા પાણીથી હાથ થોઈ ક્રીમ અથવા વેસેલીન લગાડવું. હાથ પર જૈતૂનનના તેલનું માલિશ પણ કરી શકાય. હાથનો વ્યાયામ કરવો.,
વરસાદમાં હાથની ત્વચા ફાટી જાય તો મીણને થોડું ગરમ કરી તે ભાગ પર લગાડવું. હાથ ખરબચડા થઈ જાય તો લીંબુનો રસ તથા ગ્લિસરીન ભેળવી લગાડવાથી ત્વચા કોમળ થશે.
શરીર પર ફોડલા - ફોડલીઓ થાય તો પીપળાના પાન પર ઘી લગાડી હળવું ગરમ કરી ફોડલાં પર લગાડવું. લીમડાના પાન વાટી લગાડવાથી પણ ફાયદો થાય છે.
વરસાદનું પાણી ત્વચા માટે ફાયદાકારક છે. ઘણી જગ્યાએ ચોમાસામાં નળમાં માટીનું પાણી આવતું હોય છે. જેના ઉપયોગથી ત્વચાને હાનિ પહોંચે છે. એક ડોલમાં વરસાદનું પાણી ભરી રાખવું અને તેનાથી સ્નાન કરવું. વરસાદના પાણીથી રૂઝ આવે છે અને ખીલવાળી ત્વચાને નરમ અને મુલાયમ કરે છે. ગરમીમાં થતી અળાઈમાંથી પણ વરસાદનું પાણી જ રાહત અપાવે છે.
પગને સુંદર સ્વચ્છ રાખવા તેની નિયમિત દેખભાળ કરવી અન્યથા એડીની ત્વચા ફાટી જાય છે. એડીની ત્વચા ફાટી ગઈ હોય તો ગરમ પાણીથી એડી ધોઈ તેના પર મીણ અને તલનું તેલ લગાડવું. અડધી બાલદી હુંફાળા પાણીમાં એક ચમચો મીઠું ભેળવી ૨૦-૨૫ મિનિટ સુધી પગ તેમાં ડુબાડી રાખવા, ત્યાર બાદ સુકા ટુવાલથી લુછી કોઈ ક્રીમ અથવા બોડી લોશનથી માલિશ કરવું. શક્ય હોય ત્યાં સુધી પગને સુકા રાખવા. નખ વધેલા હોય તો કાપી નાખવા. નિયમિત 'પેડીક્યોર' કરવાથી પગની માવજત કરી શકાશે.
વાળને ભીંજવવા દેવા નહીં. વાળ ભીના થઈ ગયા હોય તો ટુવાલથી બરાબર લૂછી નાખવા નહીં તો વાળ ચીકણા થઈ જશે. વાળમાંની ચીકાશ દૂર કરવા વારંવાર બ્રશ કરવું. ઑલિવ ઓઈલથી વાળમાં માલિશ કરવું. ચોમાસામાં વાળમાં તેલ ન નાખવું. ભીના વાળને બરાબર કોરા નહીં કર્યા હોય તો વાળમાં ખોડો, જૂં, ફોડલા-ફોડલી થવાની શક્યતા રહે છે. શક્ય હોય તો વરસાદનાં પાણીથી અઠવાડિયે એક વખત શેમ્પૂ કરવું. સામાન્ય રીતે અઠવાડિયામાં બે વખત શેમ્પૂથી વાળ ધોવા. વર્ષાઋતુમાં 'હેર-સ્પ્રે' લગાડવાથી વાળ ઘણી વખત ચીકણા થઈ જાય છે તેથી હેર-સ્પ્રે લગાડવું હિતાવહ નથી.
આ મોસમમાં હળવો મેકઅપ કરવો. જેથી ભીંજાઈ જવાય તો મેકઅપથી ચહેરો ખરડાઈ ન જાય.
લિક્વિડ અથવા પાવડર વાળા ચાંદલાના સ્થાને સ્ટિકર ચાંદલાનો ઉપયોગ કરવો જેથી ભીંજાવવાથી ચાંદલો બગડી ન જાય.
વરસાદની ઋતુમાં કાજળ બિલકુલ વાપરવું નહીં. પાણીના સ્પર્શથી ચહેરો ખરાબ થવાની શક્યતા રહે છે તેની બદલે આઈ બ્રો પેન્સિલ અથવા વૉટર પ્રૂફ આઈલાઈનરનો ઉપયોગ કરવો.
વરસાદની ઋતુમાં સાબુનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો. ફક્ત મેડીકેટેડ સાબુનો જ ઉપયોગ કરવો.
ફાઉન્ડેશન અથવા ફેસ પાવડર બિલકુલ લગાડવું નહીં. ભીનો થવાથી તે ચહેરા પર ફેલાઈ જતો હોય છે.
રાતના સૂતાં પૂર્વે ક્લિન્જરથી ત્વચા સાફ કરવી. કાચા દૂધનો ઉપયોગ પણ કરી શકાય. ત્યાર બાદ સરકો અથવા કોઈ અન્ય ટોનરથી ત્વચા પર હળવા હાથે માલિશ કરવું. ચહેરો બરાબર ધોઈ કોલ્ડ ક્રીમ લગાડવું જેથી ત્વચા સ્નિગ્ધ મુલાયમ રહેશે.
વર્ષાઋતુમાં બહાર જતી વખતે કોઈ નવી હેર સ્ટાઈલ કરવી નહીં. પાણીમાં ભીંજાવવાથી હેરસ્ટાઈલ ખરાબ થવાની શક્યતા રહે છે.
શરીરથી દુર્ગંધ વછૂટે તો લીમડાના પાન, આંબાની છાલ, તથા દાડમ છાલ વાટી શરીર પર લેપ કરવો. ઠંડા પાણીમાં ગુલાબજળ ભેળવી સ્નાન કરવાથી તાજગી આવે છે. લીમડાના પાણીથી સ્નાન કરવાથી ચર્મરોગ થતો નથી.
ચોમાસામાં કપડાં ભીનાં અને ગંદા થઈ જતા હોવાથી વસ્ત્રોની પસંદગી વખતે ખાસ ધ્યાન આપવું. થોડા જૂના થયેલા વસ્ત્રો પહેરવા જેથી નવાં વસ્ત્રો કાદવ-કીચડથી ખરાબ નહીં થાય. જે કપડાંને સંભાળવામાં આછોેમાં ઓછી મહેનત પડે એવાં કપડાં ચોમાસા માટે અલગ રાખવા. ખાસ કરીને જેમાંથી પાણી જલદી નીતરી જાય તથા ઈસ્ત્રી કરવાની ઝંઝટ રહે નહીં તેવા કપડાં પહેરવા. સુતરાઉ કપડાનો ઉપયોગ નહીંવત કરવો. નાયલોનની સાડી પહેરવી. તેની સાથે સુતરાઉ ચણિયો પહેરવો નહીં. વરસાદથી ભીંજાઈ જશે તો ચાલવાની તકલીફ પડશે.
જોડાં - બૂટ ભીનાં પહેરવા નહીં. ભીના થયેલાં જૂતાંને બરાબર સુકાવવા દેવા જેથી ત્વચા રોગ થવાની શક્યતા રહે નહીં.
નિયમિત હળવો વ્યાયામ કરવો. વ્યાયામ ખાલી પેટ કરવો.
ભોજન હંમેશા હળવું અને તાજું કરવું. બહાર ફેંકાતા ખુલ્લા ખાદ્ય પદાર્થો ખાવા નહીં. પાણી પણ ઉકાળીને જ પીવું તેમાં ફટકડી અથવા તુલસીનાં પાન નાખી પાણી શુદ્ધ કરવું.









