Sahiyar

લગ્નનો સમયગાળો કરે વિવાહિત જીવન પર અસર

By GS Team
3 Aug 20264 mins read
લગ્નનો સમયગાળો કરે વિવાહિત જીવન પર અસર
  • કુંડળી મેળાપક ઉપરાંત ચોરીફેરાનો મહિનો પણ મહત્ત્વનો

આપણા દેશમાં વિવાહ નક્કી કરવાથી પહેલા મૂરતિયા અને કન્યાના જન્માક્ષર મેળવવાની પ્રથા હંમેશાંથી ચાલી આવે છે. એમ માનવામાં આવે છે કે વિવાહિત યુગલના જીવન પર કુંડલી, રાશિ, નામ, ગુણાંક ઇત્યાદિની ઘેરી અસર પડે છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે લગ્નનો મહિનો પણ પતિ-પત્નીના સંબંધ પર અસર કરે છે. આવો જાણીએ ક્યાં મહિનામાં પ્રભુતામાં પગલાં પાડનારા યુગલોનું જીવન કેવું વિતે.
૨૨ ડિસેમ્બરથી ૧૯ જાન્યુઆરી : ૨૨ ડિસેમ્બરથી ૧૯ જાન્યુઆરી દરમિયાન થયેલા લગ્ન પર મકર રાશિનો પ્રવાહ રહે છે. આ સમય દરમિયાન પરણનારા લોકો પોતાની જવાબદારી ક્યારેય નથી ચૂકતાં. હા, તેમના વિવાહિત જીવનમાં રોમાંસની કમી રહે છે. તેઓ જવાબદારી નિભાવવામાં એવા શૂરા હોય છે કે તેમને પરસ્પર પ્રેમ કરવો જોઈએ એવું ઓછું લાગે છે.
૨૦ જાન્યુઆરીથી ૧૮ ફેબુ્રઆરી : આ સમય દરમિયાન લગ્નના માંડવે બેઠેલા યુગલો પર કુંભ રાશિનો પ્રભાવ રહે છે. આ યુગલો અન્ય પતિ-પત્ની કરતાં થોડા નોખા હોય છે. તેમની વિચારસરણી અત્યંત સકારાત્મક હોય છે તેથી તેમનું વિવાહિત જીવન પણ સુચારું રીતે ચાલે છે. તેમની વચ્ચે હંમેશાં પ્રેમભર્યા સંબંધો રહે છે. તેઓ જ્યાં જાય ત્યાં ધ્યાનાકર્ષક બની જાય છે. આ જોડી અત્યંત સંવેદનશીલ પણ હોય છે.
૧૯ ફેબુ્રઆરીથી ૨૦ માર્ચ : આ સમયગાળામાં ફેરા લેનારા યુગલો પર મીન રાશિનો પ્રભાવ રહે છે. આ જોડીઓ એકદમ ઇમોશનલ હોય છે. તેમને એકમેક પ્રત્યે પ્રેમ હોય છે, આમ છતાં તેઓ પોતાનો પ્રેમ વ્યક્ત નથી કરતા. મહત્ત્વની વાત એ છે કે તેઓ એક શબ્દ પણ બોલ્યા વિના એકબીજાના મનની વાત સમજી જાય છે.
૨૧ માર્ચથી ૧૧ એપ્રિલ : ૨૧ માર્ચથી ૧૯ એપ્રિલ વચ્ચેના સમયમાં થયેલા વિવાહ પર મેષ રાશિની અસર જોવા મળે છે. આ સમય દરમિયાન પરણેલી જોડીઓ વચ્ચે પ્રેમનો અભાવ નથી હોતો, પણ તેઓ એટલા તેજસ્વી હોય છે કે તેમની વચ્ચે વારંવાર ટક્કર થયા કરે છે. તેઓ એકમેકના પોતાના હરીફ માને છે. સ્વાભાવિક રીતે જ તેઓ પરસ્પર એકબીજાની તુલના કરતાં રહે છે. પરિણામે બેઉ વચ્ચે ઝઘડાં થતા વાર નથી લાગતી.
૨૦ એપ્રિલથી ૨૦ મે : આ વખતમાં પરણનારા લોકો વૃષભ રાશિની અસર હેઠળ રહે છે. આ યુગલોમાં પતિ અથવા પત્ની, બેમાંથી એકનો સ્વભાવ આકરો હોય છે. તે સામી વ્યક્તિને પોતાના આધિપત્યમાં રાખે છે. જોકે સામી વ્યક્તિ તેને અનુકૂળ થઈ જતી હોવાથી તેમના સંબંધો સુપેરે જળવાઈ રહે છે.
૨૧ મેથી ૨૦ જૂન : ૨૧ મેથી ૨૦ જૂનના સમયગાળામાં સાત ફેરા લેનારા યુગલો પર મિથુન રાશિનો પ્રભાવ હોય છે. વાસ્તવમાં તેઓ બહુ સારા પતિ-પત્ની પુરવાર થાય છે અને પોતાના સંબંધો ગમે તે ભોગે જાળવી રાખે છે. જોકે તેમના જીવનમાં બધી વાતની અતિશ્યોક્તિ હોય છે. ચાહે તે પ્રેમ હોય કે ઝઘડો.
૨૧ જૂનથી ૨૨ જુલાઈ : આ તારીખોની વચ્ચે પરણનારા યુગલો પર કર્ક રાશિનો પ્રભાવ રહે છે. આ જોડીઓ વચ્ચે રોમાંસ તો હોય છે, પરંતુ જવાબદારીઓ હેઠળ સતત કચડાયેલા રહે છે. તેમની વચ્ચે પ્રેમની કમી નથી હોતી, પરંતુ નાહકની માનસિક તાણને પગલે રોમાંસમાં અડચણ આવે છે.
૨૩ જુલાઈથી ૨૨ ઓગસ્ટ : આ વખતમાં લગ્નના બંધનમાં બંધાયેલી જોડીઓ પર સિંહ રાશિની અસર રહે છે. તેમની વચ્ચે પ્રેમની સાથે સાથે અહમ્ પણ ઠાંસી ઠાંસીને ભરેલો હોવાથી તેઓ એકમેકની સાથે હોવા છતાં વારંવાર સામસામે આવી જાય છે. જ્યારે ક્રોધે ભરાય ત્યારે સારા-નરસાનું ભાન ભૂલી જાય છે.
૨૩ ઓગસ્ટથી ૨૨ સપ્ટેમ્બર : આ સમયગાળો કન્યા રાશિની અસર હેઠળ હોવાથી ૨૩ ઓગસ્ટથી ૨૨ સપ્ટેમ્બર વચ્ચે પ્રભુતામાં પગલાં પાડનાર વર-કન્યા અત્યંત સંવેદનશીલ હોય છે. તેઓ એકબીજાની બેહદ કાળજી કરે છે અને પરસ્પર સમર્પિત રહે છે.
૨૩ સપ્ટેમ્બરથી ૨૨ ઓક્ટોબર : સપ્ટેમ્બરથી ઓક્ટોબર વચ્ચેના આ વખત પર તુલા રાશિનો ઘેરો પ્રભાવ રહે છે. આ સમયગાળા દરમિયાન પરણેલી જોડીનું વિવાહિત જીવન એકદમ સરળતાથી ચાલે છે. આ વાત ચાહે પ્રેમની હોય, કાળજી કરવાની હોય કે પછી ગુસ્સાની, તેમની વચ્ચે દરેક ભાવના-લાગણી સંતુલિત રહે છે તેથી તેમનું લગ્નજીવન સુચારું રીતે ચાલે છે.
૨૩ ઓક્ટોબરથી ૨૧ નવેમ્બર : આ વખત દરમિયાન થયેલા લગ્ન વૃશ્ચિક રાશિના પ્રભાવ હેઠળ રહે છે. આ સમયે પરણનારા યુગલોના જીવનમાં હંમેશાં પ્રેમ અને મીઠાશ રહે છે. તેમનું જાતીય જીવન એકદમ સરસ હોવાથી પણ તેમના પ્રેમની ગાંઠ મજબૂત રહે છે. અને તેમની વચ્ચે ક્લેશ પણ ભાગ્યે જ થાય છે.
૨૨ નવેમ્બરથી ૨૧ ડિસેમ્બર : નવેમ્બરથી ડિસેમ્બર માસની આ તારીખો વચ્ચે પરણેલા વર-કન્યા પર ધનુ રાશિનો પ્રભાવ હોય છે. આ યુગલો એકદમ જીદ્દી હોય છે, આમ છતાં એકમેકને સમજી શકે છે. વિવાહિત જીવન પર નકારાત્મક અસર નથી પાડતો. તેઓ એકબીજાને હૃદયના ઊંડાણથી પ્રેમ કરે છે.

  • વૈશાલી ઠક્કર