બહારનું ખાવાનું વધુ સ્વાદિષ્ટ લાગે છે? તેમાં રહેલા જોખમો વિશે પણ જાણી લ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મિત્રો અથવા મહેમાનો માટે જ્યારે પણ બહારથી તમારી મનપસંદ ડિશનો ઓર્ડર આપો ત્યારે જાણી લેવું કે આ ભોજનની કિંમત પૈસાની સાથે તમારા સ્વાસ્થ્યથી તમે ચૂકવશો. સંશોધકોના મતે હોટલોનું ખાવાનું તેમજ ફાસ્ટ ફૂડ ખોરાક શરીરમાં થેલેટ્સ નામના કેમિકલમાં વધારો કરે છે. આ કેમિકલ શરીર માટે કેટલાક હાનિકારક છે તેના વિશે થોડું જાણી લઈએ.
થેલેટ્સ શું છે
થેલેટ્સ કેમિકલોનું એક જૂથ છે જેનો ઉપયોગ ફૂડ પેકેજિંગ અને પ્રોસેસિંગ વસ્તુઓમાં થાય છે. આ કેમિકલ માનવ શરીરમાં પ્રવેશે તો હોર્મોન્સનું સંતુલન ખોરવી શકે છે અને સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યા માટે કારણરૂપ હોવા માટે જાણીતા છે.
સંશોધકોએ યુએસ નેશનલ હેલ્થ એન્ડ ન્યુટ્રિશન એક્ઝામિનેશન સર્વેમાંથી ડાટા મેળવીને કરાયેલા અભ્યાસને જરનલ એન્વાર્યન્મેન્ટલ ઈન્ટરનેશનલમાં પ્રકાશિત કર્યો છે. અભ્યાસમાં જણાવાયું છે કે તમામ વય જૂથમાં બહારના ખાવામાં મળી આવતા થેલેટનું મોટું જોખમ સમાયેલું છે. પણ આ જોખમ ટીનેજરોમાં સૌથી વધુ જણાયું હતું.
અભ્યાસમાં ફાસ્ટ ફૂડ જોઈન્ટ્સમાં ખવાતી સેન્ડવિચ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો જે તમામ વય જૂથમાં ૩૦ ટકા વધુ થેલેટ સ્તર સાથે સંકળાયેલા છે. બહારનું ખાવામાં અન્ય જોખમો પણ સામેલ છે જેની પણ જાણકારી હોવી આવશ્યક છે.
અસ્વચ્છતા
હોટલ અને રેસ્ટોરન્ટનું ખાધા પછી ગ્રાહકોની સૌથી મોટી સમસ્યા ફૂડ પોઈઝનીંગની છે. હોટલો અને રેસ્ટોરન્ટમાં ઊંદરો, વાંદા અને માખીની હાજરી અસ્વસ્થતાની સૌથી મોટી નિશાની છે. બહારનું ખાવામાં સૌથી મોટી સમસ્યા છે કે અહીં અસ્વચ્છતા વધુ હોય છે અને અહીં ખાધા પછી લોકો બીમાર વધુ પડે છે. કોઈપણ મોંઘી હોટલ હોય, તેમાં ઘર જેવી સ્વચ્છતા નહિ મળે.
તંદુરસ્ત જીવનશૈલી નથી
હાલ લોકોમાં વધુ જાગૃકતા હોવાથી ઘણી હોટલો અને રેસ્ટોરન્ટ આરોગ્યપ્રદ વિકલ્પો ઓફર તો કરે છે, પણ તેમાં પસંદગી મર્યાદિત હોય છે. મોટાભાગના ખોરાકમાં વધુ પ્રમાણમાં કેલરી અને ચરબી હોય છે. આવો ખોરાક જો નિયમિત ખાવામાં આવે તો સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે છે. ઘરના ખોરાકમાં ઓછી ચરબી અને ઓછી કેલરી ધરાવતા ઘટકો વાપરી શકાય છે. દાખલા તરીકે હોટલની વાનગીમાં સ્વાદ માટે વધુ પ્રમાણમાં બટર અને ચીઝનો ઉપયોગ થાય છે. ઉપરાંત મસાલા પણ વધુ પ્રમાણમાં ઉમેરવામાં આવે છે જે સામાન્યપણે ઘરમાં નથી કરતા.
ખોરાકના ઘટકોની જાણકારી નથી મળતી
બહારનું ખાવાનો અન્ય ગેરલાભ છે કે તમને જે પીરસવામાં આવે છે તેની માહિતી નથી આપવામાં આવતી. તમારી ડિશમાં કયા મસાલા અને ગ્રેવીનો ઉપયોગ થયો છે તેની જાણકારી તમારી પાસે નથી હોતી. ઉપરાંત ઘણીવાર હોટલના શેફ ભૂલ પણ કરી લેતા હોય છે અને તેઓ તમારા ખોરાકમાં ભળતા જ મસાલાનો ઉપયોગ કરી બેસે છે. બીજી તરફ ઘરના ખાવામાં તમારી પ્લેટમાં કયો ખોરાક છે તેની તમારી પાસે ચોક્કસ જાણકારી હોય છે.
સ્વાદ અને ગુણવત્તા
જો તમે સ્વાદ અને ગુણવત્તાની બાબતમાં ચોક્કસ છો તો બહારનું ખાવાનું તમારા માટે યોગ્ય નથી. માત્ર અમુક જ રેસ્ટોરન્ટ ખોરાકની પોષક ગુણવત્તા પર ધ્યાન આપે છે. બહારનું ખાવાનો અન્ય એક ગેરલાભ છે ખોરાકની ગુણવત્તાની કોઈ ખાતરી નથી હોતી. મોટી રકમ ખર્ચ્યા પછી પણ તમને યોગ્ય ગુણવત્તાનો ખોરાક મળવાની કોઈ ગેરન્ટી નથી.
હોટલોની છેતરામણી જાહેરાતો
રેસ્ટોરન્ટ ગ્રાહકોને આકર્ષવા લલચામણી ઓફર આપે છે. રેસ્ટોરન્ટમાં ખાવા જઈએ ત્યારે તમને વધુ ખાવા માટે લલચાવવામાં આવે છે. ઘરની સરખામણીએ વધુ મિઠાઈ ખવાય છે અથવા વધુ માદક દ્રવ્યોનું સેવન થઈ જાય છે. બહાર ખાવા જઈએ ત્યારે ખોટા નિર્ણયો લઈએ તેવી ઓફરો કરવામાં આવે છે.
ખોરાક યોગ્ય રીતે રાંધવામાં નથી આવતો
સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા પિત્ઝા, તળેલા ખોરાક, ફ્રીજમાં રાખેલા શાકભાજી અને બ્રેડ જેવી વાનગી ફાસ્ટ ફૂડ જોઈન્ટમાં યોગ્ય રીતે રાંધવામાં નથી આવતી. તેમાં વપરાતા તેલ, ચીઝ અથવા અન્ય ઘટકો જૂના હોઈ શકે છે. વારંવાર હોટલનું ખાવાથી બીમાર પડવાનું આ પણ એક કારણ છે. રેસ્ટોરન્ટ માલિકોની અન્ય પ્રાથમિક્તા હોવાથી તેમજ તેમનું ધ્યાન વાનગી સ્વાદિષ્ટ બને એના પર જ હોવાથી ગ્રાહકનું આરોગ્ય જોખમાય છે.
પ્રમાણનું ભાન નથી રહેતું
વારંવાર હોટલમાં ખાવાથી ખોરાકનું પ્રમાણ વધી જાય છે, ખાસ કરીને મિઠાઈ અને ફરસાણનું સેવન વધુ પ્રમાણમાં કરવામાં આવે છે જે આરોગ્ય પર નકારાત્મક અસર કરે છે. ઘરમાં ભૂખ ન હોય તો વ્યક્તિ ઓછો ખોરાક ખાય છે અથવા માત્ર નાસ્તો કરે છે, પણ હોટલના ભોજનમાં પીરસાતા ખોરાકમાં પોતાનું નિયંત્રણ નથી હોતું. ઘણી વાર થાળી જેવી આઈટમ અમર્યાદિત હોય છે. ઘણા લોકો પૈસા વસૂલ કરવા વધુ પ્રમાણમાં ખાય છે જેની અસર તેના આરોગ્ય પર પડે છે.
ખર્ચાળ હોય છે
હોટલનો ખોરાક ઘરની સરખામણીએ અત્યંત ખર્ચાળ હોય છે. ઘરના ખોરાકમાં વધુ આરોગ્યપ્રદ ઘટકોનો ઉપયોગ થઈ શકે છે. હોટલના ખોરાકમાં આરોગ્યપ્રદ ઘટકો મોંઘા હોય તો તેઓ સસ્તા ઘટકોનો ઉપયોગ કરવા પ્રેરાય છે. હાલમાં જ ઘણી હોટલોમાં ચીઝ અને બટરના સ્થાને વેજિટેબલ ઓઈલ વપરાયું હોવાના કિસ્સા બન્યા હતા.
સાવચેતી ટલ્લે ચડે છે
રેસ્ટોરન્ટ અથવા ફાસ્ટ ફૂડ જોઈન્ટમાં ખોરાક અનેક હાથોમાંથી પસાર થાય છે. રાંધતી વખતે રસોઈયો છીંક ખાય અથવા ખાંસે ત્યારે તેની સાથે ખોરાકમાં જંતુ પણ પેસી જાય છે. આવી વાતોથી અજાણ ગ્રાહક કળી નશકાય તેવી બીમારીનો ભોગ બને છે.
પ્લેટ અને અન્ય વાસણો અસ્વચ્છ હોઈ શકે
બહારના ખાવામાં આ વધારાનો ગેરલાભ છે. ઘરની સરખામણીએ હોટલ અને રેસ્ટોરન્ટમાં જે વાસણોમાં ખોરાક પીરસવામાં આવે છે તે ગંદા હોઈ શકે છે. ઉપરાંત અન્ય કટલેરી, નેપકિન વગેરેમાં પણ સ્વચ્છતાનો ભોગ લેવાય છે.
આ તમામ બાબતો આરોગ્યને જોખમમાં મુકવામાં મહત્વનો ભાગ ભજવે છે. હોટલોની સ્વાદિષ્ટ વાનગી, તેમની જાહેરાતોથી અંજાઈને બહારના ખોરાકનું સેવન કરવામાં આવે તેની સીધી અસર આરોગ્ય પર પડે છે. આજના સમયમાં યુવા પેઢીમાં પણ ગેસ્ટ્રો અને ડાયાબીટીસ જેવા રોગો દેખાઈ રહ્યા છે જે બહારના ખાવાનું પરિણામ છે.
- ઉમેશ ઠક્કર









