હીરા-મોતી-રત્નો મઢ્યા અલંકાર

- આધુનિક નવોઢાની પહેલી પસંદ
એ સમય વિતી ગયો જ્યારે પ્રભુતામાં પગલાં માંડતી કન્યાઓ તેની મમ્મીએ બચાવીને રાખેલાં પૈસામાંથી ખરીદી રાખેલા ઘરેણાં ચૂપચાપ સ્વીકારી લેતી. એમ વિચારીને કે મારી મમ્મીએ કેટકેટલી કસર કરીને આ કિંમતી ધાતુના અલંકારો ખરીદવા નાણાં બચાવ્યા હશે, જેથી મારા લગ્ન વખતે સાગમટે મોટો ખર્ચ કરવાની ચિંતા ન રહે. આજની યુવતીઓની પોતિકી આગવી પસંદગી છે. એવું નથી કે તેમને તેમના માતા-પિતાની કદર નથી, પરંતુ તેઓ પોતાની પસંદગી સાથે બાંધછોડ કરવા રાજી નથી થતી અને છેલ્લા ઘણાં વર્ષથી તેઓ પીળી ધાતુના દાગીના કરતાં હીરા-રત્નો-મોતી જડેલા આભૂષણો પર ઓળધોળ થઈ રહી છે. તેમના મતે માત્ર સુવર્ણાલંકારો તેમના ડિઝાઈનર આઉટફીટ સાથે નહીં શોભે. જ્યારે હીરા-મોતી-રત્નોથી જડેલા ઘરેણાં સાડીથી લઈને લહંગા, કોકટેલ-સંગીત-મહેંદી-પીઠી જેવા કાર્યક્રમો વખતે પહેરાતાં વસ્ત્રો સાથે પણ સુંદર જ લાગશે. જ્વેલરી ડિઝાઈનરો પણ આધુનિકાઓની નાડ પારખીને તેમના ઓરતા પૂરા કરવા હળવી અને ભારે, બંને પ્રકારની હીરા-રત્નોનો ઝગમગાટ વેરતી જ્વેલરી બજારમાં મૂકી રહ્યાં છે.
તેઓ કહે છે કે યુવાન જ્વેલરી ડિઝાઈનરો પોતાની પેઢીની યુવતીઓને જ નહીં, યુવકોને પણ એક નજરમાં આકર્ષી શકે એવા ઘરેણાં ઘડી રહ્યાં છે. તેઓ સારી પેઠે જાણે છે કે વર-વધૂને કેવી ડિઝાઈનના અલંકારો ગમશે. મઝાની વાત એ છે કે આ જ્વેલરી ડિઝાઈનરો પોતાના યુવાન ગ્રાહકોને માર્ગદર્શન પણ આપે છે. જેમ કે..,
જો તેમના ક્લાયન્ટ હળવા રંગના વસ્ત્રો ધારણ કરવાના હોય તો તેની સાથે હીરા-પત્નાથી ડિઝાઈન કરેલા ચોકર અને હારનો સેટ ઉઠાવ આપશે. વર માટે ઘડેલી હીરા-પન્ના જડિત મોટી વીંટી વધૂના નેકલેસ સાથે સુભગ સમન્વય રચશે. ગરદનને શોભાવતા આ બંને પીસને હાઈલાઈટ કરવા બુટ્ટી સહેજ નાની ઘડવામાં આવે. નવોઢા આ અલંકારો પહેરતી વખતે વાળ ખુલ્લા રાખવાને બદલે સપાટ ઓળીને ટાઈટ અંબોડો વાળી લે તો ડાયમંડ-એમેરલ્ડ જ્વેલરીની શોભા ઉડીને આંખે વળગે.
તેવી જ રીતે આઈવરી લહંગા સાથે માત્ર હીરા મઢ્યા અલંકારો વૈભવશાળી, છતાં સાદગીના સૌંદર્ય સમા બની રહે.
એકદમ ગીચ ભરતકામ કરેલા, કલરફુલ પરિધાન સાથે હીરા અથવા બૈરોક પર્લ્સ, એટલે કે આડાઅવળા આકારના મોતીના હળવા અલંકારો વધુ જચે છે. જ્યારે વસ્ત્રો અને આભૂષણો, બંને હેવી હોય ત્યારે બેઉમાંથી એકેય પ્રભાવ નથી પાડી શકતું. વસ્ત્રાલંકારો એકબીજા પર છવાઈ જવાનો પ્રયાસ કરતાં હોય એવું બિલકુલ ન લાગવું જોઈએ.
કોકટેલ પાર્ટીમાં સ્ટેટમેન્ટ પીસ તરીકે ક્યુરેટેડ બ્રેસલેટ અચ્છો વિકલ્પ ગણાય. સમજી-વિચારીને એકઠી કરેલી બે-ત્રણ અલગ અલગ ડિઝાઈન બ્રેસલેટને યુનિક બનાવે છે.
જેમને પરંપરાગત રાતા રંગના વસ્ત્રો પહેરવા હોય તે હળવું વર્ક કરેલા લહંગા કે સાડી સાથે હીરા-માણેક જડિત અલંકારો પહેરીને આકર્ષક લુક રચી શકે. હીરાની વચ્ચે વચ્ચે ઝળકતા નાના નાના માણેક અથવા ડાયમંડ્સ વચ્ચે ઉઠી આવતો માત્ર એક મોટો રૂબી ઉડીને આંખે વળગશે.
જ્યારે લીલા, પીળા, હળવા કે ઘેરા ગુલાબી, જાંબુડી રંગના પરિધાન સાથે હીરા અને બ્લુ સેફાયર (નીલમ), યેલો સેફાયર (પોખરાજ), પીંક સ્ટોનથી મઢેલી જ્વેલરીની શોભા જ નીરાળી લાગશે. ચાહે તે ચોકર હોય, મોટો હાર હોય, બુટ્ટી હોય, બ્રેસલેટ-બંગડી હોય કે પછી વીંટી.
ટૂંકમાં કાળજીપૂર્વક પસંદ કરેલી જ્વેલરી આધુનિક નવવધૂઓ જ નહીં વરને પણ નોખો-નીરાળો લુક આપે છે.
- વૈશાલી ઠક્કર




