Sahiyar

'દેવ વસ્ત્ર' પૈઠણી સાડીને લાગ્યું ફ્યુઝનનું ગ્રહણ

By GS Team
14 Sep 20266 mins read
'દેવ વસ્ત્ર' પૈઠણી સાડીને લાગ્યું ફ્યુઝનનું ગ્રહણ
  • ૨૦૦૦ વર્ષ પુરાણું ફ્રેમ વર્ક જાળવી રાખીને પૈઠણી સાડીમાં 'ભેળસેળ' કરવા નાછુટકે તૈયાર થયા યેવલાના વણકરો

એ વાત સર્વવિદિત છે કે મહારાષ્ટ્ર સ્થિત યેવલા હાથશાળ પર વણવામાં આવતી પૈઠણી સાડીનું મોખરાનું ઉત્પાદન કેન્દ્ર છે. અહીં સેંકડો વર્ષથી વણકરો પહેલી નજરે જ મુગ્ધ કરી દેનારી પૈઠણી સાડીઓ વણે છે. આમાંનો એક ૮૫ વર્ષનો વણકર આજે પણ સોનાની જરીના ઝીણા તાર બોબીન પર ચડાવીને હાથશાળ પર પૈઠણી વણવા માંડે છે. છેલ્લાં ૬૫ વર્ષથી આ કામ કરનાર વણકરના પ્રાવિણ્ય પર શંકાને સ્થાન ન હોઇ શકે. તે કહે છે કે ૨૦૦૦ વર્ષ પહેલા મલબરી સિલ્ક અને સોનાના તાર વડે વણવામાં આવતી પૈઠણી 'દેવ વસ્ત્ર' કહેવાતી.
જો કે હવે નાશિક જિલ્લાના યેવલામાં પૈઠણી સાડીઓ વણવામાં પોતાનું લાંબુ આયખું વિતાવી દેનારા ૬૦૦ જેટલા વણકરો પોતાની આ કળા બાબતે ચિંતિત થઇને વિચારી રહ્યાં છે કે પૈઠણી સાડી ક્યાં સુધી ખરેખર પૈઠણી સાડી બની રહેશે?
વાસ્તવમાં પૈઠણી સાડીમાં કલમકારી, બાંધણી અને જામદાની ચિત્રો- આકૃતિઓનો અદ્ભૂત સમન્વય કરવામાં આવે છે. સાતવાહન રાજવંશજોની મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં, ગોદાવરી નદીના કાંઠે આવેલી એક સમયની રાજધાની પૈઠણમાં આ સાડીના મૂળ પડયા છે. આજે ઔરંગાબાદ જિલ્લો છત્રપતિ સંભાજી નગર તરીકે ઓળખાય છે.) ચોક્કસ પ્રકારની જરી બોર્ડર અને પાલવની આગવી ઓળખ ધરાવતી પૈઠણી સાડીને હવે ફ્યુઝનનું ગ્રહણ લાગ્યું હોય એવો સિનારિયો યેવલાના અનુભવી વણકરોને ચિંતિત કરી રહ્યો છે. પરંતુ ગ્રાહકોની માગને પગલે રિટેલરો તેમના પર પરિવર્તનને અપનાવવાનું દબાણ કરી રહ્યાં છે. જ્યારે આ વણકરોને ડર છે કે પૈઠણી સાડીમાં અન્ય પ્રકારની સાડીઓની ડિઝાઇન, ધાગા, જરી, રંગો ઇત્યાદિની ભેળસેળ તેના અસ્તિત્વ માટે જોખમી બની શકે. ગ્રાહકોની માગને ધ્યાનમાં લઇને પૈઠણીમાં વત્તાઓછા અંશે ફેરફાર કરવામાં આવે તે પણ ના છુટકે આવકારવું પડે. પરંતુ આ સાડીમાં અમર્યાદિત મેળસેળ કરવામાં આવશે તો તેનું મૂળભૂત સૌંદર્ય જ હણાઇ જશે.
યેવલાના વણકરોની ચિંતા અસ્થાને નથી તોય એ વાત પણ સ્વીકારવી રહી કે અન્ય સાડીઓની સ્ટાઇલ ભેળવીને વણવામાં આવતી ફ્યુઝન પૈઠણી એક લાખ રૂપિયાથી લઇને પાંચથી છ લાખ રૂપિયામાં વેંચાય છે. જ્યારે વણકરો આ સાડીના ફ્રેમ વર્કને જાળવી રાખીને તેની ડિઝાઇનમાં નાવીન્ય ઉમેરવા માંડ તૈયાર થયાં છે. પોતાના આ આગ્રહને બળ મળે તેના માટે તેમણે 'નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ ફેશન ટેક્નોલોજી' (એનઆઇએફટી)ની મુંબઇ પાંખ સાથે સહયોગ સાધ્યો છે.
યેવલાના રિટેલરો કહે છે કે આજથી પાંચ વર્ષ પહેલા તેમની પાસે આવતાં સંખ્યાબંધ ગ્રાહકોએ પોતાના મોબાઇલા રહેલી ચોક્કસ પ્રકારની ડિઝાઇનને પૈઠણી સાડીમાં વણી લેવાનો આગ્રહ સેવવા માંડયો. અને સાડીઓના વ્યાપારીઓ તરીકે અમને અમારા ગ્રાહકોની પસંદ- નાપસંદની કાળજી લેવી જ પડે. ગ્રાહકોની ઇચ્છાનો અનાદર કરીને અમને ્મારો ધંધો ગુમાવવાનું શી રીતે પરવડે? તેઓ વધુમાં કહે છે કે યેવલામાં ફ્યુઝન પૈઠણીનો કારોબાર પૂરબહારમાં ખિલ્યો છે. અહીં દરરોજ લગભગ ૫૦૦ જેટલી ફ્યુઝન પૈઠણી વેંચાય છે. તેઓ ઉંમેરે છે કે આજથી ત્રણ વર્ષ પહેલાં આમાંની અન્ય રાજ્યોની સાડીઓનું ફ્યુઝન (સમ્મિશ્રણ) ધરાવતી સાડીઓ માત્ર સાતથી આઠ ટકા જેટલી હતી, પરંતુ હવે તેનું વેચાણ ૧૫ ટકાને આંબી ગયું છે.
અહીં પરંપરાગત પૈઠણી સાડી અને ફ્યુઝન પૈઠણી વચ્ચેના તફાવત અને બનાવટ વિશે સમજવાનો પ્રયાસ કરીએ તો મૂળભૂત પૈઠણી મલબરી સિલ્કમાં હાથશાળ પર વણવામાં આવે છે. વણકરો તેમાં નાળિયેર, કમળ, પોપટ, મોર, બંગડી જેવા ગોળાકારમાં મોર, વેલ જેવા આકારમાં પુષ્પો અને પાંદડા જેવી આકૃતિઓને પાલવમાં કળાત્મક રીતે વણી લે છે. સાડીના પાલવમાં અને બોર્ડરમાં બંને બાજુથી પહેરી શકાય એવી રીતે ચોક્કસ ડિઝાઇનમાં વણી લેવામાં આવતાં સોનેરી અથવા રૂપેરી તાર પૈઠણીને સમૃદ્ધિ બક્ષે છે. ગોલ્ડન અથવા સિલ્વર પાલવ પર જ વણવામાં આવતી નાળિયેર કમળ, પોપટ, મોર, બંગડી મોર, અમરવેલની રંગબેરંગી આકૃતિઓ જ પૈઠણીની ખરી ઓળખ છે.
જ્યારે મૂળભૂત રીતે બંગાળની જામદાનીમાં સામાન્ય રીતે હળવા રંગોમાં ફૂલોની કે ભૌમિતિક ડિઝાઇન વણાય છે. આંધ્ર પ્રદેશની કલમકારી સાડીમાં પેઇન્ટિંગ અથવા બ્લોક પ્રિન્ટ કરવાનું ચલણ છે. જ્યારે ગુજરાત અને રાજસ્થાનની બાંધણીમાં ટપકાં અને ત્રાંસી રેખાઓ વણવામાં આવે છે. જ્યારે પૈઠણી સાડીઓમાં આ ડિઝાઇનોનું ફ્યુઝન કરવાનું હોય ત્યારે પણ સાડીના સૌંદર્યમાં લગીરેય ઉણપ ન રહી જાય એ હેતુથી યેવલાના કેટલાંક મોટા વેપારીઓ માત્ર બોર્ડર અને પાલવ વણેલી પૈઠણીના તાકા ગુજરાત, બંગાળ અથવા આંધ્ર પ્રદેશમાં મોકલી આપે છે. આ તાકાઓમાં પૈઠણીમાં વણાતી કોઇ આકૃતિઓ નથી હોતી. તેથી જે તે રાજ્યના વણકરો તેના ઉપર પોતાની ડિઝાઇન બનાવી શકે. જ્યારે કેટલાંક વેપારીઓ પાલવમાં પૈઠણીની આકૃતિઓ અને બોર્ડર સહિતની સાડીઓ અન્ય રાજ્યોમાં ત્યાંની ડિઝાઇન તેના પર સીવી લેવા મોકલે છે. આમ ફ્યુઝન સાડી પણ જાણે કે એકસાથે વણાઇ હોય એટલી સુંદર લાગે છે.
ફ્યુઝન પૈઠણી સાડીઓના વેંચાણમાં આવેલી ધરખમ વૃદ્ધિનું કારણ તેની કિંમત પણ છે. પરંપરાગત પૈઠણી સાડી વણતા જે તે વણકરને એક સાડીના વણાટકામ પાછળ અઠવાડિયાઓ કે મહિનાઓનો સમય આપવો પડે છે. સ્વાભાવિક રીતે જ તેની કિંમત પણ ૧૫,૦૦૦ રૂપિયાથી લઇને ૧૦ લાખ રૂપિયા સુધી પહોંચે છે. જ્યારે ફ્યુઝન સાડી એક લાખથી લઇને પાંચથી છ લાખ રૂપિયામાં મળી રહે છે. આમ ડિઝાઇનર સાડી ખરીદવા ઇચ્છતા ગ્રાહકોને વૈવિધ્યસભર સાડી માટે પ્રમાણમાં ઓછી કિંમત ચૂકવવી પડે છે. આમ ઓરિજિનલ તેમ જ સમ્મિલિત પૈઠણી સાડીઓની મબલખ માગને પહોંચી વળવા સમગ્ર યેવલા તહસીલના ૨૫,૦૦૦ જેટલા વણકરો હાથશાળ પર કામ કરતાં રહે છે. અને અહીં આવેલા દોઢસોથી પણ વધુ શોરૂમમાં વાર્ષિક ૬૦૦ કરોડ રૂપિયા જેટલી કિંમતની પૈઠણી સાડીઓ વેંચાય છે.
ઉપરોક્ત આંકડા જ દર્શાવે છે કે વણકરો ચાહે કે ન ચાહે, તેમને પોતાની હાથશાળો ચાલતી રાખવા ફ્યુઝન સાડીઓના શરણે ગયા વિના છુટકો નથી. જો કે પરંપરાગત સાડીઓ વણવા પાછળ પોતાનું આખું જીવન સમર્પિત કરી દેનારા ૭૦,૮૦ કે ૮૫ વર્ષની ઉંમરના વણકરો માટે પૈઠણીની મૂળભૂત ડિઝાઇનમાં છેડછાડ કરવાનું કામ અત્યંત કપરું છે. તેને માટે એક જ ઉદાહરણ પૂરતું થઇ પડશે. ગ્રાહકોની નાવીન્યની માગને ધ્યાનમાં રાખીને જ્યારે વણકરો માટે તાલીમી સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે તેમણે અણિયાળા પાંદડાના સ્થાને અર્ધગોળકાર પાંદડા વણવાનો પણ ઇનકાર કરી દીધો હતો. તેવી જ રીતે તેમને પૈઠણીની ડિઝાઇનમાં ઉપયોગમાં લેવાતાં ચળકતા ઘેરા રંગોના સ્થાને હળવા રંગોનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું ત્યારે પણ તેમણે આ ફેરફાર સ્વીકારવાની તૈયારી નહોતી બતાવી. અહીં સૌથી મોટી સમસ્યા એ આવે છે કે વયસ્ક વણકરો હવે સ્વયં હાથશાળ નથી ચલાવતા. પરંતુ તેમના હાથ નીચે પાંચ- પાંચ કે છ- છ વણકરોની ટુકડી તૈયાર થાય છે. અને જ્યારે આ અનુભવી વણકરો જ પરિવર્તન સાથે કદમતાલ કરવા તૈયાર ન હોય ત્યારે તેમની ટુકડીના વણકરોને ફ્યુઝન પૈઠણીની તાલીમ શી રીતે આપી શકે?
જો કે આમાંના કેટલાંક ફ્યુઝન સાડીનો સ્વીકાર કરવા તૈયાર થવા લાગ્યા છે. આમ છતાં માત્ર પરંપરાગત પૈઠણી સાડી વણવા- વણાવવાનો આગ્રહ રાખનારાઓ પાસેથી એવી જ સાડીઓ તૈયાર કરાવવામાં આવે છે, જેથી નાણાંની તેલી ખુલ્લી રાખવા તૈયાર હોય એવા ગ્રાહકોની ઓરિજિનલ પૈઠણીની માગ પૂરી કરી શકાય.
જો કે હવે યેવલાના વણકરો પાસે સમયમાં આવેલા વળાંકને સ્વીકારવા સિવાય આરોઓવારો નથી. પૈઠણીમાં અન્ય ડિઝાઇન સમ્મિલિત કરવાની કલ્પના પણ ન કરી શકતા વણકરો સમજી ગયા છે કે પરિવર્તનને વેળાસર પ્રતિસાદ આપવામાં જ ભલાઇ છે. અને તેમને ફ્યુઝન સાડી બનાવવાની તાલીમ આપવા 'યેવલા વીવર્સ અસોસિએશન' પણ કટિબદ્ધ છે. તેમણે મુંબઇ સ્થિત એનઆઇએફ્ટી સાથે સહયોગ સાધ્યો છે. અને વણકરો કમને પણ તેમની પાસેથી નવી (ફ્યુઝન) ડિઝાઇનની તાલીમ લેવા તૈયાર થયા છે. અલબત્ત, પૈઠણીનું મૂળભૂત ફ્રેમ વર્ક જાળવી રાખીને. જો કે એનઆઇએફટી- મુંબઇના સૂત્રો કહે છે કે હવે યેવલાના વણકરોને નવી ડિઝાઇનો, રંગો અને આકૃતિઓ જેવા વિવિધ ક્ષેત્રે ધ્યાન કેન્દ્રિત કરવાની નોબત આવી છે. વળી તેમને પૈઠણીમાં વપરાતા મલબરી સિલ્કમાં ભાગલપુર સિલ્ક ઓડિશાના ટસર સિલ્ક, ઇશાનના એરી સિલ્કને પણ ભેળવવા પડે ચે. આ સંમિશ્રણ પૈઠણીને વધુ આકર્ષક બનાવે છે એ વાતમાં બે મત નથી. યેવલાના વણકરો પણ પ્રકૃતિના પરિવર્તનના નિયમથી પર શી રીતે હોઇ શકે?

  • વૈશાલી ઠક્કર