દાવત : ખીરની વેરાયટી અને ઘંઉના પાપડ

કોર્ન ખીર
સામગ્રી : દોઢ કપ બાફેલા મકાઈના દાણા, ૧ લિટર દૂધ, દોઢ ચમચી ખાંડ, ૧૦ સમારેલી બદામ, ૧૦ સમારેલા પિસ્તા, ૨ મોટી ચમચી બ્રેડ ક્રમ્સ, પા ચમચી ઈલાયચીનો પાવડર, ૧ ચપટી કેસર (ઉકાળેલા દૂધમાં પલાળેલું)
રીત : એક નોનસ્ટિક પેનમાં દૂધ ગરમ કરો. મકાઈના દાણા વાટી નાંખો. થોડા પિસ્તા બાકી રાખો. દૂધમાં ખાંડ, થોડા પિસ્તા, બદામ અને બ્રેડ ક્રમ્સ પણ નાંખીને મિક્સ કરી દો. ઈલાયચી પાવડરને થોડા દૂધમાં ઘોળીને પછી મકાઈના દાણા નાંખીને મિક્સ કરી દો. ત્યાર પછી કેસરવાળું દૂધ મિક્સ કરી દો. ૧૫ મિનિટ ઉકાળો. પછી થોડો ટાઈમ બહાર રાખીને ફ્રીજમાં ઠંડું થવા મૂકી દો. ખીરને પિસ્તાથી સજાવી દો. ,
સફરજનની ખીર
સામગ્રી : ૧ લિટર ફીલ ક્રીમ દૂધ, અડધી ચપટી બેકિંગ સોડા, ૪૦૦ ગ્રામ સફરજન, ૭૫ ગ્રામ ખાંડ, ૧૦ નંગ કાજુ, ૧૫-૨૦ કિસમિસ, ૭-૮ પિસ્તા, ૪ નાની ઈલાયચી.
રીત : સફરજનને ધોઈને તેની વચ્ચેનો ભાગ કાઢી છીણી લો. હવે દૂધને કોઈ જાડા તળિયાવાળા વાસણમાં ગરમ કરવા મૂકો. દૂધ અડધું થાય ત્યાં સુધી ઉકાળો. થોડી-થોડી વાર પછી ઉકળતા દૂધમાં ચમચો હલાવતા જાઓ, જેથી દૂધ નીચે ચોંટે નહીં. ઉકળતા દૂધમાં બેકિંગ સોડા અને સફરજનનું છીણ મિક્સ કરી દો. એક ઉભરો આવે ત્યાં સુધી હલાવો. સફરજન ચડી જાય ત્યાર પછી સૂકો મેવો અને ખાંડ ભેળવો. પછી ૨-૩ મિનિટ ગેસ પર રહેવા દો. તેની પર ઈલાયચીનો પાવડર અને ડ્રાયફ્રૂટ મૂકી ગાર્નિશ કરો.
ઘઉંની સેવ
સામગ્રી : ઘઉં ૫ કિલો સ્વાદ પ્રમાણે મીઠું, જીરૃં, લાલ મરચું થોડું ઘી.
રીત : ઘઉંને સ્વચ્છ ધોઈ લો. અને પાણીમાં ત્રણ દિવસ પલાળી રાખો. દરરોજ પાણી બદલતા રહો. પાણી બદલવામાં નહીં આવે તો ઘઉં ફેંકી દેવા જેવા થશે. ત્રીજે દિવસે ઘઉં પાણી બહાર કાઢી સ્વચ્છ પાણીથી ધોઈ લેવા અને પછી વાટવા. પત્થર ઉપર પણ વાટી શકાય અને ગ્રાઈન્ડરમાં પણ વાટી શકાશે. આ વાટેલા ઘઉંને મેંદાની ચાળણીથી ચાળી લો. આમ કરવાથી ઘઉંની છાલ અને સફેદ પ્રવાહી બન્ને અલગ પડી જશે. છાલ ફેંકી ન દેશો. તેની બીજી વાનગી બનશે જે આગળ આપી છે. એક તપેલામાં થોડું ઘી મૂકી ઘઉંનું પાણી તેમાં રેડી દો. તેમાં જરૂરી મીઠું, જીરૃં અને થોડું મરચું નાખો. તપેલાને તાપ પર મૂકો. તેને સતત હલાવ્યા કરો. જો હલાવતા નહીં રહો તો તેના ગઠ્ઠા થઈ જશે. ગરમ થતાં થતાં આ પ્રવાહી ઘટ્ટ થઈ જાય ત્યારે સેવ પાડવાના સંચા દ્વારા મોટા કપડા પર સેવ પાડો. તડકે સૂકવી ડબામાં ભરી રાખો. ઘીમાં તળીને ચા કે કોફી સાથે નાસ્તાના રૂપમાં ખૂબ સ્વાદિષ્ટ વાનગી લાગશે.
નાળિયેરની ખીર
સામગ્રી : મીડીયમ કાચું નાળિયેર, ૧ લિટર ફૂલ ક્રીમ દૂધ, ૧ ટેબલસ્પૂન ઘી, ૧૬ નંગ કાજુ, ૨૫-૩૦ કિસમિસ, ૭૫ ગ્રામ ખાંડ, ૪-૫ ઈલાયચીનો પાવડર, ૫ સમારેલી બદામ.
રીત : એક કડાઈમાં દૂધ ગરમ થવા મૂકો. નાળિયેરને છીણી લો. એક કડાઈમાં ઘી નાંખીને તેમાં નાળિયેરને હલ્કા બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકી લો. દૂધમાં એક ઉભરો આવે તે પછી તેમાં શેકેલું નાળિયેર નાંખી દો. કાજુ અને કિસમિસ પણ નાંખી દો. ખીર જાડી થાય ત્યાં સુધી ઉકાળો. જ્યારે નાળિયેર અને દૂધ એકરસ થઈ જાય ત્યાં સુધી રાંધો. હવે તેમાં ખાંડ, બદામ અને ઈલાયચીનો પાવડર નાંખી દો.
ઘઉંના પાપડ
બાજુમાં દર્શાવેલી રીતે જ ત્રણ દિવસ પલાળી ઘઉંમાંથી રસ બનાવો. આ ઘઉંનો રસ ઘાટો હોવો જોઈએ. આ રસમાં મીઠું અને વાટેલા કાળામરી જરૂરિયાત મુજબ ઉમેરો.
રીત : હવે એક તપેલીમાં અરધું પાણી ભરો. તેની ઉપર સ્વચ્છ કપડું બાંધો. તપેલીને તવા પર મૂકો. પાણી ઉકળવા લાગે એટલે એક વાટકીથી કપડા પર ઘઉંનો રસો રેડી ઉપર એક વાસણ ઢાંકી દો.
બે-પાંચ મિનિટમાં તે બરાબર રંધાઈ મિનિટમાં તે બરાબર રંધાઈ જશે. તે ઉતારી લો. જરૂર પડે તો તડકે મૂકી સૂકવવું. અને તેમાંથી પાપ વણી લેવા.
- હિમાની




