Sahiyar
મૂંઝવણ
By GS Team
17 Aug 20264 mins read

- મારી પત્નીને માસિક આવેલું નહીં અને સંભોગ કરેલો. પ્રશ્ન છે કે સંભોગના એ દિવસો ફળદ્રુપ નહોતા. શું માસિક અગાઉથી બંધ હશે?
મારી ઉંમર ૨૦ વર્ષની છે. મારી ઉંમરના પ્રમાણમાં મારા ગુપ્તાંગોનો વિકાસ નથી થયો બહારી અને આંતરીક બન્ને રીતે મારો યોનિમાર્ગ ખૂબ જ સાંકડો છે. દર મહિને માસિકમાં થઉ છું, પણ દુખાવો ખૂબ જ થાય છે. મેં વાંચ્યું છે કે ઓપરેશનથી યોનિમાર્ગ પહોળા બનાવી શકાય છે. શું આ સાચી વાત છે? મારા પત્રનો જવાબ જલદી આપશો, કારણ ટૂંક સમયમાં મારા લગ્ન થવાના છે. ખૂબ જ ચિંતા થાય છે. હતાશ છું. હું ઘરમાં વાત નથી કરી શકતી. આત્મહત્યાના વિચાર આવે છે, મને શીધ્ર યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
એક યુવતી (અમદાવાદ)
- યોનિ માર્ગની રચના ઈલાસ્ટીક જેવી હોવાથી, એ જરૂર પ્રમાણે પહોળી થવા સક્ષમ છે, પરંતુ તમારું મન આ બાબતમાં શંકાઓ ધરાવે છે અને ટૂંક સમયમાં લગ્ન થવાના છે તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ. શારીરિક તપાસ અને સોનોગ્રાફી દ્વારા ડોક્ટરનો ચોક્કસ અભિપ્રાય લેવો. તમારી શંકા નિર્મૂળ હોઈ શકે. એવું ન હોય તો ડોક્ટરની વિશેષ સૂચના પ્રમાણે આગળ વિચાર કરવો. ખોટી ચિંતા ન કરવી. જો જરૂર પડશે તો આ આપણા દેશમાંને આપણા શહેરોમાં આવી જાતના ઓપરેશન ૧૦૦ ટકા શક્ય છે.
મારી ઉંમર ૨૧ વર્ષની છે. હું કોલેજ કરું છું. મારી સમસ્યા એ છે કે હું રંગે શ્યામ છું. મારા હાથ, પગ મોં કરતા મારું શરીર એટલે ગરદનથી માંડીને કેડ સુધીનો ભાગ અતિશય શ્યામ છે. તેથી હું બધાનો સામે ખુલ્લો થવામાં સંકોચ, શરમ અનુભવું છું. તો આ માટે ઉપાય બતાવશો. મેં એક દવાની ફેક્ટરીમાં ૧૧ વર્ષ કામ કરેલ છે, શું તેને કારણે આવું નહીં થયો હોય? જલ્દી ઉપાય બતાવશો.
એક યુવક (કલોલ) - મોટા ભાગે શરીરના જે ભાગ ઉઘાડા હોય તે તડકા, ઠંડી, ગરમીને લીધે શયામ પડે છે, પણ તમારો અનુભવ આથી જુદો છે. એ જાણવું પડે કે આ તકલીફ ફેક્ટરીમાં કામ કર્યા પછી જ થઈ શકે છે? જો ફેક્ટરીના લીધે આવી અસર થાય તો અન્ય વર્કરોમાં દેખાય છે? એવું હોય તો વાતાવરણ બદલાય ત્યારે ધીરે ધીરે એમાં પણ ફેર પડશે, પરંતુ જો કુદરતી કાળાશ હોય તો તેમાં ફેર પડવું સહેલું નથી. છતાંય ચણાનો લોટ સંતરાની છાલનો પાવડર, હળદર સાથે ભેગુ કરીને, તેમાં મલાઈ કે દૂધ નાખી, તેનાથી નહાવાનું રાખો. લગભગ ૪-૬ મહિનામાં ફેર જણાશે. ચામડીના ડોેક્ટરનો અભિપ્રાય લેવો.
મારા લગ્ન એક મહિના પહેલા થયા છે. મારી પત્નીને માસિક ૩૦ તારીખની આસપાસ, એટલે કે ૨૮ થી ૨ તારીખ સુધીમાં આવે છે. અમારા લગ્ન ૨૧ તારીખે હતા. એટલે ૨૧,૨૨ અને ૨૩ તારીખે સંભોગ કરેલો. પછી એ તેના પિતાને ઘેર ગઈ. હવે જ્યારે પાછી આવે ત્યારે જણાયું કે માસિક આવેલું નહીં અને ૧૧ તારીખ સુધી રાહ જોઈ દવા દ્વારા માસિક ફરી આવતા કર્યાં. તો આમાં મારો પ્રશ્ન છે કે સંભોગના દિવસો ફળદ્રુપ નહોતા. તો શું માસિક અગાઉથી બંધ હશે? મારી આ શંકાનું સમાધાન કરવા વિનંતી. સ્પષ્ટ અને સાચી માહિતી આપશો એવી આશા રાખું છું. મારી પત્નીના ચારિત્ર્ય વિશે મને શંકા ન હતી અને હજી પણ નથી, એ કારણે જ એને ન પૂછતાં તમને પૂછું છું. અમારા સંસારમાં તિરાડ ન પડે તે પહેલાં તમે યોગ્ય જવાબ આપશો એવી આશા રાખું છું.
એક યુવક (સુરત) - નવપરીણીતામાં જાતીય ઉત્તેજનાને આધીન માસિક ક્રમમાં ફેરફારો થવા શક્ય છે. એકથી વધારે અંડબીજ બહાર પડવાની શક્યતા પણ રહેલી છે. એટલે નિયમિતતા ન સચવાય તેવું બનવા શક્ય છે. એવામાં ફળદ્રુપ દિવસોની લાંબી ગણતરી કરવી નિરર્થક સિધ્ધ થઈ શકે. બીજું કે જો ગર્ભ રહ્યો હોય તો તે દવાથી પાડી ન શકાય. ગર્ભ રહ્યો હોય ને કઢાવી નાખવો હોય તો 'ક્યુરેટિંગ' શસ્ત્રક્રિયા કરાવવી પડે. ગર્ભ રહ્યા વગર જો દિવસો ઉપર ગયા હોય તો દવાથી માસિક આવી શકે. તમારી પત્નીએ ક્યુરેટિંગ નથી કરાવી એટલે માસિક લંબાઈ ગયેલું હોય તેમ લાગે છે. આશા રાખું છું કે, આટલી સ્પષ્ટતા પછી તમારા મનમાં હવે શંકા નહીં રહી હોય.
એસ.એસ.સી. પાસ કરીને હું અગિયારમાં ધોરણમાં આવ્યો છું. મારી વિચિત્ર સમસ્યા છે,. મારાં સ્તનો મને કંઈક મોટાં અને વધેલા લાગે છે, મને શરમ આવે છે. હું શું કરું?
એક યુવક (રાજકોટ) - કિશોર-કુમાર વયના છોકરામાં ક્યારેક આવું જોવા મળે છે. તેને અંગ્રેજીમાં 'ગાયનેકોમેસ્ટિયા' કહે છે. તરુણ વયમાં પ્રવેશતા છોકરાઓમાંથી ૪૦ થી ૬૦ ટકામાં આવું લક્ષણ જોવા મળે છે તેમ અભ્યાસીઓ કહે છે. પણ તે એક-બે વર્ષમાં અદ્દશ્ય થઈ જાય છે. આવી સ્થિતિ ચિંતાજનક નથી, પણ લાંબો સમય ચાલે અને ચિંતા વધે તો સર્વપ્રથમ માતા-પિતાને આ બાબતની જાણ કરવી જોઈએ. માતા-પિતાનો સંકોચ કે શરમ રાખવા ન જોઈએ. તેઓ કોઈ યોગ્ય સર્જન ડોક્ટર પાસે લઈ જશે. પ્રમાણમાં સાદી શસ્ત્રક્રિયાથી ગાયકનેકોમેસ્ટિયાનો ઉપચાર થઈ શકશે. પુખ્ત થયેલા પુરુષોમાં 'આલ્કોહોલીઝમ'ને કારણે આવો સ્તનવિકાસ ક્યારેક જોવા મળે છે. યકૃતના રોગને કારણે અને થાઈરોઈડના રોગને કારણે પણ આવી સ્તનવિકાસની અસર જોવા મળે છે. એક બીજી વાત ઈસ્ટ્રોજન નામના સ્ત્રીઓના વિશિષ્ટ અંત:સ્ત્રાવનું સેવન કરવાથી પણ પુરુષનાં સ્તનો વિકસે છે, પણ પુરુષોશા માટે તેવા હોર્મોનનો ઉપયોગ કરે? પોતાની જાતિ બદલવા.
- અનિતા




