બાળકોનાં બહુપસંદ બહુરંગી રમકડાં

'રમકડાં અને બાળક' એ વિષય પર વાત ચર્ચાય ત્યારે આપણી સમક્ષ સ્વયં રમકડાં જેવાં ભૂલકાં રમકડાં સાથે રમતાં હોય એવું ચિત્ર દેખાય છે. આપણે બાળકો માટે વિશેષણ તરીકે પણ રમકડાંનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કોઈ સરસમજાની નાનકડી બેબી હોય તો આપણે કહીએ છીએ. કેવી સુંદર ઢીંગલી જેવી બેબી છે. આમ બાળકો અને રમકડાં એકબીજાનો પર્યાય બની ગયાં છે એમ કહીએ તો અતિશયોક્તિ ન કહેવાય.
આવો, આપણે ે જાણવાનો પ્રયત્ન કરીએ કે આપણે માટે જીવતાંજાગતાં રમકડાં જેવાં લાગતાં આ ભૂલકાંઓ માટેની રમકડાંરૂમ કેવી હોવી જોઈએ? બાળકો દિવસનો મોટો સમય પસાર કરવાના છે એ ઓરડાનો રંગ કેવો હોવો જોઈએ? રમકડાં કેવા હોવાં જોઈએ? એ ઓરડાની સજાવટ શણગાર વ્યવસ્થા કેવી હોવી જોઈએ?
રમકડાં રમવા અથવા રમાડવા એ જુદી વાત છે અને રમકડા રમવા માટે રમકડાં રમનારની રૂમ શણગારવી એ અલગ વાત છે અને આજની પેઢીના બાળકો તો આપણી અને આગલી પેઢીનાં બાળકો કરતા વધુ સ્માર્ટ અને ઇન્ટેલિજન્ટ છે. આજના બાળકોને બેવકૂફ પણ બનાવી શકાતા નથી, એટલે ઢીલુંપોચું કામ તો ચાલે જ નહિ.
બાળકોના ઓરડાની સજાવટની આપણે જમીનથી શરૂઆત કરીએ. આ સજાવટ કરતી વખતે તમે પોતે પણ નાના બાળકના દ્રષ્ટિકોણથી વિચાર કરો. ઓરડાની દરેક વસ્તુઓ એવી રીતે શણગારો કે જે જોવા કે જેનો આનંદ માણવા બાળકને કોઈ પ્રયત્ન ન કરવો પડે. બાળક તે વસ્તુને સહજતાથી જોઈ શકે. ફર્નિચર પણ એવું પસંદ કરો કે જે બાળક આસાનીથી વાપરી શકે અને અનુભવે કે એ મારા માટે જ છે. દરેક વસ્તુઓના કલર સારા અને આંખોને આનંદ આપનારા હોવા જોઈએ. પછી ભલે તે વસ્તુઓ આધુનિક અને ફેન્સી હોય કે સાદી અને જૂની ફેશનની હોય. એક વાતનું ધ્યાન રહે કે ફર્નિચર ભલે સાદુંસીધું હોય પરંતુ તે બાળકનું ચિત્ત આકર્ષી શકે તેવું હોવું જોઈએ, કારણ કે બાળકોને જે વસ્તુ ન ગમતી હોય તેનો તેઓ ક્યારેય ઉપયોગ કરતા નથી. સુંદરતા પ્રત્યે બાળકો પુખ્ત લોકો કરતાં વધુ સજાગ હોય છે.
જ્યારે તમે પોતે નાના બાળક હતા ત્યારે જે પ્રકારના રમકડાં મળતા હતા, કુદરતી પદાર્થોમાંથી એ પ્રકારના રમકડાં તૈયાર કરવાની પણ એક અનોખી મજા હતી. આમ કરવાથી બાળક કુદરત વિશે અને કુદરતી વસ્તુઓ વિશે વધુ જાણવા ઉત્સુક થશે તેમજ મોટો થતાં પર્યાવરણપ્રેમી બનશે. ઉપરાંત માનસિક વિચારો માટે હાનિકારક એવા બનાવટી રમકડાંથી બચશે. ફિલ્મો, રામાયણ, મહાભારત જેવી ધારાવાહિકાઓના પ્રભાવ હેઠળ આવીને નિર્માતાઓ પિસ્તોલ, મશીનગન, તલવાર, ગદા અને ધનુષ્યબાણ જેવા રમકડાં બનાવે છે અને બાળકોના મનમાં આવાં રમકડાં હિંસા-આક્રમકતા અને મારામારીની ભાવના જન્માવે છે.
એટલે બાળકોને પ્લાસ્ટિક, લેમિનેટ્સ અને સિન્થેટિક મટીરીયલમાંથી બનાવેલા રમકડાં આપવાને બદલે કાગળ, લાકડા, કાચ અને કપડાંમાંથી બનાવેલાં રમકડાં આપવાં જોઈએ. એટલે તમારે એ રમકડાં યાદ કરવાં પડશે જે તમારા વડીલોએ તમને બાળપણમાં આપ્યા હશે.
જો સદ્ભાગ્યે તમારા માતાપિતાએ આપેલા રમકડાંમાંથી કેટલાક બચ્યાં હોય તો તે રમકડાં તો તમે તમારા બાળકોને આપશો જ. તમે જૂનાં અને નવા બન્ને પ્રકારના રમકડાં પણ પસંદ કરી શકો છો. રમકડાં પસંદ કરતી વખતે કલરનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે એકદમ નાના બાળકો માટે આકાર કરતાં રંગ વધુ મહત્ત્વનો છે.
ખાસ કરીને બાળકોને ભડક રંગો ખૂબ ગમતા હોય છે જેમ કે લાલ, ભૂરો, કાળો, ચોકલેટી વગેરે ઓરડાની દીવાલ રંગતી વખતે પણ આ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે. જો દીવાલ પર ફૂલફળ અને પતંગિયા કે પક્ષીઓની ડિઝાઈનવાળું વોલપેપર લગાડવામાં આવે તો તે બાળકને વધુ ગમે. કારપેટ, પડદા અને પલંગની ચાદરની પસંદગી કરતી વખતે પણ આ વાત ધ્યાનમાં રાખવી.
હાથેથી રંગેલા, લાકડાંના, જૂની ઢબના રમકડાં બાળકોને વધુ આકર્ષિત કરે છે. બારીની બરાબર નીચે કોઈ દંતકથાનું પાત્ર, પરી કે વોલ્ટ ડિઝનીના પાત્રનું કોઈ ચિત્ર લગાવવાથી ઓરડો વધુ શોભી ઊઠે છે.
ઓરડાનો એક ખૂણો કે જે બાળકોને સૌથી વધુ પસંદ હોય અને જ્યાં તે વધુમાં વધુ વખત રમતાં હોય ત્યાં આલ્ફાબેટિકલ રોલ પેપર લગાવવું. આ વોલપેપર પર અંગ્રેજીના મૂળાક્ષરો (એ, બી, સી, ડી) હોય છે. આમ કરવાથી બાળકમાં ભણવાની જિજ્ઞાસા જાગશે.
બાળકોના ઓરડામાં અભ્યાસ કરવા માટે એક સ્ટડી કોર્નર પણ હોવો જોઈએ. અહીં એવા વોલપેપરનો ઉપયોગ કરવો કે જેમાં ઉપરના ભાગમાં કાર્ટૂન પ્રિન્ટ હોય અને નીચેનો ભાગ ઘેરા ભૂરા રંગનો હોય અને તેના પર વિવિધ રંગના ટપકાં હોય. સ્ટડી કોર્નરમાં ફર્નિચરને પણ એક જ ઘેરા રંગથી રંગવું. આ કોર્નર એવો હોવી જોઈએ કે જ્યાં બાળકો સરળતાથી વાંચવા અને લખવાનો આનંદ લઈ શકે અને નાના બાળકો (જે લોકો હજુ લખીવાંચી ન શકતા હોય) બાળકો માટેના ચિત્રોના પુસ્તકો જોઈ શકે. અહીંની વ્યવસ્થા જો બરાબર ન હોય તો બાળક અહીં વધુ આવવાનું પસંદ કરતું નથી. આ સ્ટડી કોર્નર ઉપેક્ષિત રહી જાય છે. પરિણામે બાળક ભણવા પ્રત્યે રુચિ નથી કેળવી શકતું.
બાળકોના ઓરડાની સજાવટ કરતી વખતે તમારા બાળકની સલાહ લો અને બાળક નાનું હોય તો કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલાં બાળકનો સાઈકોલોજિકલ અભ્યાસ કરો. એક વાતનું ખાસ ધ્યાન રાખો કે આ ઓરડામાં પૂરતો કુદરતી ઉજાસ અને શુધ્ધ હવા માટેની વ્યવસ્થા હોવી જોઈએ. પૂરતો પ્રકાશ ન આવતો હોય અને હવાની વ્યવસ્થિત અવરજવર ન થતી હોય એવા ઓરડામાં બાળક કંટાળો અને સુસ્તી અનુભવે છે અને તેના સ્વાસ્થ્યમાં પણ ઝડપી પ્રગતિ નથી થતી. આમ જોવા જઇએ તો બાળકનો રમકડાંરૂમ શણગારવો એ રમત વાત નથી.
- નયના









