ચહેરાને ચમકાવો હળવા વ્યાયામથી

- શરીરની જેમ ચહેરાની પણ કસરત કરવાથી તમારા દેખાવમાં ચાર ચાંદ લાગી શકે. બીજો ફાયદો એ પણ છે કે તમારી ઉંમર વધી રહી હોય કે ચહેરા પર કરચલીઓ દેખાતી હોય તો પણ આ કસરત તમને ફાયદો પહોંચાડશે.
ચહેરા માટેની કસરતો એકદમ મૃદુ એટલે કે હળવા પ્રકારની હોય છે જે અન્ય શારીરિક કસરતની જેમ પરસેવો પાડનારી નથી હોતી. આ કસરત ચહેરાને યોગ્ય અને સુડોળ બનાવે છે. એટલું જ નહીં, નિયમિત રીતે કરવાથી ચહેરા પર નિખાર પણ લાવે છે. આ એક્સરસાઇઝ દિવસમાં માત્ર ૧૦થી ૧૫ મિનિટ કરી શકાય. ચહેરા માટે શરૂઆતમાં ચાર તબક્કા હોય છે જેમાં કપાળ, આંખ, ગાલ અને હોઠ. આ કસરત સાથે જો ખાન-પાનની સારી ટેવ અને યોગ્ય જીવનશૈલી હશે તો હંમેશાં યુવાન બની રહેશો.
કપાળ
આ કસરત તમારા કપાળ પરની કરચલીઓથી તમને મુક્તિ અપાવશે. તમારી પ્રથમ આંગળી અને વચ્ચેની આંગળીની મદદથી આ કસરત કરવાની હોય છે. બંનેને તમારી ભમરોના કિનારે રાખી કપાળથી ગાલ તરફ હળવાશથી ઉપરથી નીચે તરફ મૂવમેન્ટ કરો. દબાણ જાળવી રાખીને તમારા કપાળના સ્નાયુઓ અને ભમરોને એકબીજાની સાથે લાવવા ખેંચો. પાંચ સેકન્ડ સુધી સંકોચન જાળવી રાખો પછી દબાણ છોડી દો. દિવસ દરમિયાન ગમે ત્યારે કસરત કરી શકો. તેનાથી કપાળ પર આવનારી કરચલીઓ દૂર રહેશે અને ત્વચા ટાઇટ રહે છે.
ગાલ
ગાલ પર લોહીના પરિભ્રમણને સુધારવા માટે આ કસરત ઘણી લાભદાયી હોય છે. મોઢામાં હવા ભરીને ગાલ ફુલાવો અને બહારથી દબાણ આપો પછી ધીમે ધીમે હવાને બહાર કાઢો આ કસરત તમે દસ વખત કરો. આ સિવાય હાથની ત્રણ આંગળીઓને ગાલ પર મૂકો અને નીચેની બાજુ ધકેલો પછી ગાલની ત્વચાને ધીમે ધીમે ઉપર તરફ ધકેલો આ રીતે દસ મિનિટ કરતા રહો. આવું કરવાથી ચહેરા પર ગ્લો રહેશે અને ગાલની ત્વચા ઢીલી નહિ પડે.
હોઠ
સ્માઇલ પ્લીઝ આ કસરત હોઠના ખૂણાને સુડોળ અને સુંદર બનાવી શકે છે. તમારે હોઠને શક્ય હોય એટલા સ્માઇલ આપવાનો પ્રયત્ન કરો (બ્રોડ સ્માઇલ). પાંચ મિનિટ આ કસરત કરતા રહો. હા, પણ જાહેરમાં કરવા જતાં ધ્યાન રાખજો. આવું સુંદર અને બ્રોડ સ્માઇલ તમારા માટે ઉપાધિ ન લઈ આવે.
આંખ
આ સૌથી અસરકારક કસરત છે. પ્રથમ આંગળીના ટેરવા આંખના ખૂણા પર રાખીને વિરુદ્ધ દિશામાં ખેંચો, હવે તમારી આંખો સજ્જડ બંધ કરી અને પાંચ મિનિટ સુધી બંધ રાખો. આ સિવાય આંખો નીચે ઢાળેલી રાખો. આંખોની બંને પાંપણોની મધ્યમાં આંગળીનું ટેરવું મૂકો, પાંચ સેકન્ડ સુધી તેને જોવાનો પ્રયત્ન કરો. પછી સામાન્ય સ્થિતિમાં આવો અને ફરી જુઓ. આવું દસ વખત કરવાથી આંખોનું તેજ વધશે બને આંખોનો ઘાટ પણ સુંદર બનશે.
- અમલા




