શરીરનો દુ:ખાવો અને આયુર્વેદ

- આરોગ્ય સંજીવની- જહાનવીબેન ભટ્ટ
આજના રોજબરોજના જીવનમાં ઘણા માણસોને એવી ફરિયાદ જોવા મળે છે કે મારું જે-તે અંગ જકડાઈ ગયું છે. સામાન્ય રીતે ઘરકામ કરતી સ્ત્રીઓ, કોમ્પ્યુટર ઉપર લાંબા સમય સુધી બેસી રહેતી વ્યક્તિઓ, સતત ઉભા ઉભા કામ કરતી ગૃહિણીઓ વગેરેને આ ફરિયાદો મોટાભાગે રહીતી હોય છે. શરીરનું કોઇ એક અંગ જકડાઇ જાય ત્યારે શરીરનું હલન-ચલન પણ મુશ્કેલ બની જાય છે.
જકડાઈ ગયેલા અંગને જકડાહટથી મુકત કરવું ઘણીવાર કઠિન બની જાય છે. અહીંયા આજે આપણે આયુર્વેદના કેટલાક સરળ અને ઘરગથ્થુ ઉપચારો જોઈશું કે જેનાથી શરીરનાં કોઇપણ અંગની સરળતાથી જકડાહટથી મુક્ત કરી શકાય છે. જેના માટે નીચેનામાંથી અનુકૂળ કોઇ પણ પ્રયોગ કરી શકાશે.
જેમાં,
(૧) જે કોઈ અંગ જકડાઈ ગયું હોય તેને જકડાહટથી મુક્ત કરવા માટે રાઇને પાણીની સાથે પથ્થર પર પીસીને તેનું મલમ જેવું મિશ્રણ બનાવી લેવું અને તેને જકડાઇ ગયેલા અંગ ઉપર લગાવવું. જેનાથી તુરંત આરામ મળશે.
(૨) જો ડોકની જકડાહટ થઈ ગઈ હોય અને સાથે સાથે અન્ય સાંધાઓ પણ પકડાઈ ગયા હોય તો સરસીયાનાં તેલમાં કપૂરને નાખી તેમાં થોડું મીઠું નાખી તે તેલને સુખોષણ કરી લેવું અને ત્યારબાદ તેનાથી માલિશ કરવી. જેથી ઉપરોક્ત તકલીફમાં ખૂબ રાહત મળશે.
(૩) શરીરનાં જકડાઇ ગયેલા તમામ અંગો માટે પણ સાંધાના કે હાડકાનાં દુ:ખાવા માટે એક સરળ ઉપાય બતાવું છું જેમાં ધંતૂરાના પાનનો રસ ૩૦૦ ગ્રામ લેવો અને સરસીયાનું તેલ ૧૫૦ ગ્રામ લેવું તેમાં ૨૦ ગ્રામ હળદર મેળવી ધીમા તાપે ઉકાળવું. બધો ધતુરાનો રસ બળી જાય ત્યારે આ તેલને ઠંડુ કરી ગાળી લેવું. આ તેલની માલિશથી તમામ પ્રકારનાં અંગગ્રહમાં ફાયદો થાય છે.
ઘણીવાર બહેનોને પગની એડીનો ભાગ ખૂબ દુ:ખતો હોય તેવા ઘણા કેસ મેં જોયા છે. એડીનાં દુ:ખાવા ઉપર ખૂબ જ સરળ અને અનુભૂત પ્રયોગ બતાવું છું. આકડાના દૂધમાં રૂ પલાળી રાખી દઇ દુ:ખતી એડીનાં ભાગ ઉપર તે પલાળેલું રૂ રાખી દઈ ઉપર પાટો બાંધી દેવો. આ પ્રયોગ સતત ૧૫ દિવસ સુધી કરવો. એડીનો દુ:ખાવો, નસ પકડાઇ ગયેલ હોય કે સાંધા દુ:ખતા હોય તે માટે પણ આ સારો પ્રયોગ છે. પરંતુ આકડાનું દૂધ ફકત બાહ્ય પ્રયોગાર્થે જ વપરાય છે. તેની ખાસ સાવધાની રાખવી. આ પ્રયોગ કર્યા બાદ હાથ બરાબર ધોઈ નાખવા.
અંગગ્રહ ખૂબ થઇ ગયો હોય તો પકડાઈ ગયેલ જકડાહટ દૂર કરવા એક સરળ ઘરગથ્થુ પ્રયોગ બતાવું છું. જેમાં બે નંગ નાળિયેર લેવા. તેમાંથી ટોપરું કાઢી તેના ટુકડા કરવા. પછી તે ટુકડાને ખાંડી નાંખવા. ખાડેલા આ કોપરાને વાસણમાં લઇ ધીમા તાપમાને ગરમ કરવું. ગરમ થતાં તેમાંથી તેલ છુટું પડશે. પછી તે તેલ ગાળી લઇ બીજા વાસણમાં લઈ લેવું. પછી આ તેલમાં ૩ નંગ લસણની કળી વાટીને નાખવી અને સાથે-સાથે મરીનું ચૂર્ણ ૪ ગ્રામ જેટલું લઇ તેમાં મેળવવું અને ત્યારબાદ બધુ હલાવી એકરસ કરી આ તેલથી જકડાઇ ગયેલા શરીરના અંગ ઉપર માલિશ કરવી. ત્યારબાદ તેનાથી જકડાઈ ગયેલા જે-તે ભાગ ઉપર શેક કરવો. સવાર-સાંજ આ પ્રમાણે કરવાથી જકડાઇ ગયેલ અંગ સીધુ જ જકડાહટથી મુક્ત થાય છે.
શરીરમાં 'આમ' અને 'વાયુ' ખૂબ હોય અને સાથે સાથે સાંધાના 'વા' ના કારણે પણ ખૂબ દુ:ખાવો રહેતો હોય તેવા દર્દીઓ માટે એક સરળ ઉપાય સૂચવું છું : રાત્રે ૧ તોલો મેથી ૧ કપ પાણીમાં પલાળવી. સવારે તેમાં ૨ થી ૩ ગ્રામ સૂંઠ અને ૧૦ ગ્રામ જેટલો ગોળ નાખી તેને ઉકાળવી. મેથી બરાબર બફાઇ જાય પછી ઉતારી ગાળી લેવું અને આ ઉકાળો સુખોષણ (સહી શકાય તેટલો ગરમ) હોય ત્યારે જ તેનો ઉકાળો પી લેવો. જેનાથી શરીરનો 'આમ' ઝાડા વાટે નીકળી જશે. સાંધાનો વા પણ આનાથી મટે છે.
ઉપરોક્ત પ્રયોગોમાંથી જે પ્રયોગ સરળ જણાય અને માફક આવે તે કરવાથી અંગગ્રહ અને જકડાહટમાં ખૂબ ફાયદો જણાશે.
આ ઉપરાંત શરીરના કોઇપણ ભાગના દુ:ખાવા માટે ખૂબ જ સરળ અને સચોટ તથા ખૂબ ઝડપથી રાહત આપે તેવો એક ઉપાય બતાવું છું. આ ઉપાયથી એક જ સીટીંગમાં ઓછામાં ઓછો ૪૦% થી ૫૦% ફાયદો અવશ્ય દરેક દર્દીને જણાશે. આ ઉપાયનું નામ છે, 'અગ્નિકર્મ સારવાર'. આયુર્વેદમાં સુશ્રુતે બતાવેલી ખૂબ જ ઝડપી અને પેઇન રીલીફ માટે ખૂબ જ અસરકારક ચિકિત્સા પધ્ધતિ છે. આ અગ્નિકર્મ સારવારમાં કીડી ચટકતી હોય તેટલી તકલીફ થાય છે પરંતુ દુ:ખાવામાં ખૂબ જ ઝડપથી રાહત થાય છે. એ વાતમાં બે મત નથી. જેથી એવા દર્દીઓ કે જેમને દુ:ખાવો ખૂબ હોય, લાંબા સમયથી દવાઓ ખાઇને કંટાળી ગયો હોય, ઉઠવા બેસવામાં ખૂબ તકલીફ થતી હોય તેવા તમામ દર્દીઓ માટે અગ્નિકર્મ સારવાર ખૂબ સરળ, સસ્તી અને ઝડપી રીઝલ્ટ આપનારી આયુર્વેદની એક માત્ર ચિકિત્સા પધ્ધતિ છે.




