'બેક ઇઝ ન્યુ ફ્રન્ટ'

- વાંસાને શણગારતા અલંકારોની બોલબાલા
અલંકારો ખરીદતી વખતે આપણે સુંદર હાર, ચોકર, ચેન, પેન્ડન્ટની ડિઝાઇનને ખાસ મહત્ત્વ આપીએ છીએ, એમ માનીને લોકોનું ધ્યાન ચહેરા પરથી સીધું ગળામાં ધારણ કરેલા આભૂષણો પર જ જશે. આ રીતે વિચારવું તદ્દન સહજ છે, પણ હવે સમય બદલાયો છે. આજે સુંદર રીતે તૈયાર થયેલી મહિલાઓ સરસ મઝાના ફોટા પડાવવાનો આગ્રહ રાખે છે. અને વિડિયો પણ ખરાં. જ્યારે વિડિયો બનાવવામાં આવે ત્યારે જે તે માનુનીની કાયાના આગળના ભાગ સાથે પાછળનો ભાગ પણ કેમેરામાં ઝડપાય. આવી સ્થિતિમાં પામેલાનો આગળનો ભાગ તો ઘરેણાંથી ઝળાંહળાં થતો હોય, પણ પીઠ સાવ ફિટ લાગે. આ કારણે જ હવ આધુનિકાઓને બે જ્વેલરી, એટલે કે પીઠને શણગાર એવા દાગીના પહેરવાનો ચસકો લાગ્યો છે. વળી આજની તારીખમાં બેકલેસ ચોલી, બેકલેસ ગાઉન પહેરવાની ફેશન પણ પૂરબહારમાં ખિલી હોવાથી વાંસાને સૌંદર્ય બક્ષતી જ્વેલરી પહેરવાનો ટ્રેન્ડ વધ્યો છે. જ્વેલરી ડિઝાઇનરો તેને 'બેક ઇઝ ન્યુ ફ્રન્ટ' કહે છે. તેઓ કહે છે કે એ સમય વિતી ગયો જ્યારે માત્ર ફ્રન્ટ વ્યુને જ મહત્ત્વ આપવામાં આવતું હતું. આજે વાંસાના શણગારને પણ ઓછો આંકવામાં નથી આવતો. અને તેમાં જે તે માનુની ગ્લેમરસ પણ દેખાય છે. પીઠના શણગાર માટે કેવ ઘરેણાં પહેરવા તે સમજાવતા તેઓ કહે છે….,
જેવી રીતે આપણે સિમ્પલ ડ્રેસ સાથે ઝીણી ચેનમાં પરોવેલું ડેલિકેટ પેન્ડન્ટ પહેરીએ તેવી જ રીતે બેકલેસ ગાઉન કે બ્લાઉઝ પહેરતી વખતે આ ઘરેણું પાછળ તરફ પહેરવું. તેને કારણે વાંસો શોભી ઉઠશે. તેઓ વધુમાં કહે છે કે ડાર્ક પિંક કે પર્પલ જેવા બેકલેસ ગાઉનમાં મોતીનો નાના પેન્ડન્ટ અને ત્રણેક સેર ધરાવતો હાર આગળને બદલે પાછળ તરફ પહેરવો. તેમાં તમારી પીઠ ક્લાસી દેખાશે.
મોતીની સાવ સાદી માળા પણ વાંસાને શોભાવવામાં મહત્ત્વનો ભાગ બજવે છે. જેવી રીતે આપણે માત્ર મોતીને એક સેરવાળી નાની માળા પહેરીએ ત્યારે તે ગરદનને આકર્ષક બનાવે, તેવી જ રીતે એ માળાને સહેજ પાછળ તરફ સરકાવી દેવામાં આવે તો તે પાછળથી ખુલ્લા ગળાના ટોપમાં પીઠને નોખું આકર્ષણ બક્ષે.
ડીપ 'વી' આકારના બ્લાઉઝમાં લટકણિયા જેવું નાનું પેન્ડન્ટ પરોવેલી ઝીણી ચેન ખૂબ જચે છે. આ પ્રકારની ચેન પાછળની તરફ પણ 'વી' આકાર રચે છે જે બ્લાઉઝના આ જ આકારના નેકને નવો ઉઠાવ આપે છે. હા એ ચેન અને પેન્ડન્ટ બ્લાઉઝના નેકથી થોડાં ઉપર સુધી રહે એટલી લંબાઈના જ હોવા જોઈએ.
ચેનમાં પરોવેલું હીરાનું પેન્ડન્ટ પણ વાંસાને અનોખું સૌંદર્ય બક્ષે છે. વાઇટ અથવા સિલ્વર ગાઉન કે બ્લાઉઝ સાથે વાઇટ ગોલ્ડ ચેનમાં પરોવેલું હીરાનું પેન્ડન્ટ અત્યંત સુંદર લાગે છે. તમે ચાહો તો હીરાનું પેન્ડન્ટ મોતીની માળામાં નાખીને પણ પહેરી શકો. વાઇટ, બીજ, ક્રીમ, સિલ્વર કલરના બ્લાઉઝ કે ગાઉન સાથે તે અત્યંત સુંદર લાગશે.
આ સ્ટાઇલ લેમન કલરના ગાઉન કે બ્લાઉઝ સાથે કરવી હોય તો રંગબેરંગી રત્નો જડેલું પેન્ડન્ટ પણ ઊડીને આંખે વળગશે.
સોનાની ચેનમાં થોડા થોડા અંતરે કાળા મોતી પરોવેલું અને ચેનની ડિઝાઇનનું જ લટકણ બનાવીને છેવાડે કાળા મોતી પરોવેલું પેન્ડન્ટ પાછળના ભાગમાં પહેરવામાં આવે ત્યારે તે ગોરી પીઠ પર કેવું ઉઠી આવે. બ્લેક ગાઉન સાથે આ બેક જ્વેલરી અચૂકપણે ધ્યાનાકર્ષક બની રહે.
બેક જ્વેલરી વાંસાને એટલો સરસ લુક આપે છે કે આધુનિક યુવતીઓ જ નહીં, નવવધૂઓ સુદ્ધા વિવાહ સાથે સંકળાયેલા કાર્યક્રમોમાં બેક જ્વેલરી પહેરવાનું પસંદ કરવા લાગી છે. આ ટ્રેન્ડમાં પીઠને પણ દેહના આગળના ભાગ જેટલું જ મહત્ત્વ આપવામાં આવે છે. મહિલાઓની 'પાછળ કોણ જુએ છે?'ની માનસિકતા દૂર થઈ ગઈ છે. તેો માત્ર આગળથી જ નહીં, પાછળથી પણ એટલી જ સુંદર દેખાવા ઇચ્છે છે. અને તેમાં બેક જ્વેલરી મહત્ત્વનો ભાગ ભજવે છે. હવે ફેશન ડિઝાઇનરો 'બેક ઇઝ ન્યુ ફ્રન્ટ' કહે તેમાં શું ખોટું?
- વૈશાલી ઠક્કર









