Sahiyar

આયુર્વેદનું અમોઘ શસ્ત્ર : ''ગર્ભસંસ્કાર''

By GS Team
31 Aug 20264 mins read
આયુર્વેદનું અમોઘ શસ્ત્ર : ''ગર્ભસંસ્કાર''
  • આરોગ્ય સંજીવની

ગત અંકમાં ગર્ભ ધારણ માટે આવશ્યક આહાર-ઔષધની આપણે ચર્ચા કરી, હવે આગળ વાત કરીશું.
ગર્ભધાનની ઇચ્છા રાખનારી સ્ત્રીએ પોતાનું મકાન, ઓરડો, બિછાનું, પથારી વગેરે સ્વચ્છ અને પવિત્ર રાખવા તેજ રીતે પુરુષ માટે પણ શીત વાતાવરણ, બ્રહ્મચર્ય, કુદરતી સ્થળોનું દર્શન, સૌમ્ય પ્રકૃતિ (સ્વભાવ) વગેરે હિતકારક છે. પુરુષે અતિશય ભાગદોડ, ચિંતા-ઉપાધિ, ક્રોધ, શોક, ઉગ્રતા વગેરેથી બચવું તથા દંપત્તિએ સંતપુરુષો અને સદગુણીઓની વાર્તાઓનું વાંચન રાખવું અને આચાર-વિચારની શુદ્ધિ રાખવી.
આયુર્વેદમાં કહ્યું છે કે, રજોધર્મથી નિવૃત્ત થઇ માથાબોળ સ્નાનાદિ કરીને પવિત્ર થયેલી સ્ત્રી જે કોઇને પ્રથમ જુએ કે મનમાં જેનું ચિંતન કરે તેના જેવા જ સંતાન ને તે પ્રાપ્ત કરે છે. જેથી રજોધર્મ પછી શુદ્ધ થયેલી સ્ત્રીએ પોતાના પતિનું કે ભગવાનની છબીનું દર્શન કરી તેમાં જેવા ગુણોવાળા પુત્ર કે પુત્રીની મનમાં ઇચ્છા કરવી, અને વૈદિક મંત્ર સાથે સંતાન પ્રાપ્તિના હેતુસર સદ્ધર્મ અનુસારે ગર્ભ ને માતા તરફથી ત્વચા, રુધિર, માંસ, મેદ, નાભિ, હૃદય, યકૃત, પ્લીહા, આમાશય, પકવાશય, મોટું આંતરડું, વેગેરે અંગો પ્રાપ્ત થાય છે, જ્યારે કેશ, દાઢી-મૂછનાં વાળ, નખ, દાંત, હાડકા, સ્નાયુ, શિશ, ધમની અને શુક્ર વગેરે પિતા તરફથી મળે છે.
જન્મ પહેલા થનાર સંસ્કારોમાં ગર્ભાધાન, પુંસવન અને સીમંતોન્નયન સંસ્કાર આવે છે. 'પુંસવન'નો અર્થ મોટાભાગનાં લોકો પુત્ર ઉત્પન્ન કરવાની વિધિથી કરતાં હોય છે. પરંતુ પુંસવનથી ફક્ત પુરુષ બાળકને જ જન્મ આપી શકાય છે, તેવું નથી. પુંસવન વિધિ થી ઇચ્છિત કન્યાનો પણ જન્મ આપી શકાય છે. પુંસવન એ ઈચ્છિત સંતાનની પ્રાપ્તિ માટે થતો સંસ્કાર છે. જેમાં બાળક ગર્ભમાંથી જ સંસ્કારી, ગુણવાન, બુદ્ધિશાળી, વિદ્વાન અને તેજસ્વી બને તો તેનો મુળ ધ્યેય છે.
ગર્ભમાં લિંગનો વ્યક્તિત્વભાવ બીજા માસમાં થાય છે તેવું આચાર્ય ચરકનું વિધાન છે. તેથી પ્રથમ માસમાં કે બીજા માસનાં અંત સમય સુધીમાં પુંસવન કર્મ કરવું જોઇએ. પુંસવન વિધિ પાન અને નસ્ય એમ બે રીતે પ્રયુક્ત કરી શકાય છે. પુષ્ય નક્ષત્રમાં આ કર્મ વધુ ફળદાયી રહે છે. લક્ષ્મણા, વટશૃંગ આદિ ઔષધોનો નસ્ય અને પાનનાં રૂપમાં કરેલો ઉપયોગ ગર્ભસ્થાપનમાં અને આ સંસ્કારમાં ખૂબ મદદરૂપ બતાવ્યો છે.
આયુર્વેદમાં ગર્ભિણી માતાની દરેક માસને અનુલક્ષીને આહાર-વિહારની વિધિ દર્શાવેલી છે. જેમાં, ગર્ભિણી માતાની પ્રથમ માસમાં ગર્ભ રહેલો છે તેવું જણાય કે તરત જ ઠંડુ દૂધ સવાર-સાંજ લેવાનું શરૂ કરી દેવું જોઇએ અને મધુર, શીત તથા પ્રવાહી આહાર વધારે લેવો જોઇએ તથા શરીરને સાત્મ્ય (અનુકૂળ) હોય તેવું ભોજન સવાર-સાંજે લેવું જોઇએ.
આહારની વિસ્તૃત ચર્ચા કરીએ તો,
ગર્ભિણી સ્ત્રીને દરરોજ ૨૧૦૦ કેલેરીની આવશ્યકતા હોય છે. ગર્ભિણી માટે આહાર સુપાચ્ય, સુશોધ્ય અને વિટામીનથી ભરપૂર હોવો જોઇએ. ઘઉં, ચોખા, મગની દાળ, દહીં, તરબૂચ, પપૈયુ, કાજુના, ટામેટાં, લીંબુ, ટીંડોળા વગેરે ગર્ભિણી માટે હિતકર છે. આ ઉપરાંત ફળ-ફૂલાદિમાં સફરજન, નારિયેળ, ચીકુ, સીતાફળ, દ્રાક્ષ, મોસંબી, કેરી, કેળાં, જામફળ અથવા જે તે ઋતુનાં ફળો લેવાં. ગાયનું દૂધ, ગાયનું ઘી અને ગાયના દૂધની છાશ પરમ હિતકર માનેલી છે. ગર્ભિણી સ્ત્રી માટે આયુર્વેદમાં તલનું તેલ શ્રેષ્ઠ બતાવ્યું છે. આ ઉપરાંત વેજીટેબલ સૂપ, ઉપમા, પૌંઆ, મગની દાળનાં ઢોકળા, મકાઈનું ખીચુ વગેરે પણ લઇ શકાય છે.

  • ગર્ભિણી સ્ત્રીએ મેંદાની આઈટમો જેવી કે, પાંઉ, બ્રેડ, ખારી, કેક, નાનખટાઈ તેમજ આથો આવેલી ચીજો જેવી કે ઇડલી, ઢોસા, ખમણ, ઉત્તપા, ઇંડા વગેરે ચીજો આહારમાં ન લેવી જોઇએ.
  • આ ઉપરાંત ગર્ભિણીએ ઉપવાસ વગેરે ન કરવા.
  • કાબુલિયત ધરાવતો આહાર ન લેવો.
  • વાસી-વાયડો ખોરાક ભોજનમાં ન લેવો.
  • ખૂબ ઠંડી-ઠાંસી ને જમવું નહીં.
  • તેમજ શક્ય હોય તો ચા-કોફીની જગ્યાએ ગ્રીન-ટી લેવાનો આગ્રહ રાખવો.
    ગર્ભાવસ્થા દરમ્યાન પતિની પણ કેટલી નૈતિક ફરજો બની છે, જેમ કે, પત્નીને પતિએ સતત એવો અહેસાસ કરાવવો કે ૯ માસ દરમિયાન તે પણ પોતાના બાળક માટે પત્ની ઘરનો જ વજીર છે. પતિએ સમય કાઢીને રામાયણ, ગીતા જેવા ધાર્મિક ગ્રંથોનું શ્રવણ પત્નીને કરાવવું. તેને માનસિક અને ભૌતિક આધાર પૂરો પાડવો.
    ગર્ભિણી માતાઓને પણ ખાસ સૂચના છે કે, ગર્ભાવસ્થાનો સમય એ એવો તબક્કો છે કે, તમે જેવું ધારશો તેવું બાળક જન્માવી શકશો. ઘણી ગર્ભિણી સ્ત્રીઓ આ સમય દરમિયાન સતત આરામ કર્યા કરતી હોય છે, સતત ટીવી જોયા કરતી હોય છે, જેથી જન્મ બાદ આવી સ્ત્રીઓના બાળકો આપણું કહેલું ખૂબ નાની ઉંમરમાં જ ટીવીના શોખીન બની જાય છે. તેમાં વાંત બાળકનો નહીં પરંતુ ગર્ભાવસ્થા દરમિયાન માતાએ કરેલી ભૂલનો હોય છે. ઘણી સ્ત્રીઓ પ્રસુતિની ડરથી ડર્યા કરતી હોય છે, તો તે સ્ત્રીઓના બાળક બીકણ હોઈ ક્યારેક જન્મે છે. જેથી ગર્ભિણી સ્ત્રીઓએ પોતાના સ્વભાવને વશ કરીને પણ હંમેશા હકારાત્મક રહેવું, સુંદર દ્રશ્યો જોવા, વીર પુરુષોની વાર્તાઓ વાંચવી તથા ધાર્મિક ગ્રંથો સહપ્રવૃત્તિમાં મનને વ્યસ્ત રાખવુું અને પોતાનું બાળક બધું જ સાંભળી રહ્યું છે, અનુભવી રહ્યું છે તેવું માની બાળકને ગર્ભમાં જ ઉચ્ચ સંસ્કારોનું સિંચન કરવું. ૯ માસ દરમિયાન કરેલી મહેનતને અંતે તમારે બાળકનાં જન્મ પછી નિ:સંદેહ બાળકના ચારિત્ર્ય વિકાસ માટે અન્યો જેટલી મહેનત કરવાની આવશ્યકતા નહિં રહે.
  • જ્હાનવીબેન ભટ્ટ