Sahiyar

વિવાહ પ્રસંગે લહંગાની ડિઝાઇન વિષયક ચિંતા સતાવે છે?

By GS Team
28 Sep 20263 mins read
વિવાહ પ્રસંગે લહંગાની ડિઝાઇન વિષયક ચિંતા સતાવે છે?
  • તો લો પ્રેરણા બોલીવૂડના લગ્ન સમારોહમાંથી

સ્ટાઇલિશ દેખાવા બાબતે ધારાને કોઇ ન પહોંચે. પ્રસંગ ચાહે પરિવારમાં હોય કે મિત્રવર્તુળમાં, ધારા હંમેશા બધા કરતાં નોખી તરી આવે. તેની ડ્રેસિંગ સ્ટાઇલ, તેની એક્સેસરીઝના બેમોઢે વખાણ ન થાય એવું ન બને. એક દિવસ તેની એક સહેલીએ ધારાને પૂછી જ લીધું, તને આવું નવું નવું, મસ્ત- મઝાનું કરવાનું સૂઝે છે ક્યાંથી? ધારાએ પોતાની સ્ટાઇલ બાબતે રહસ્યોદ્ઘાટન કરતા કહ્યું, બોલીવૂડમાં કોઇના પણ લગ્ન હોય ત્યારે તેમાં આવનારા મહેમાનોના ડિજાઇનર વસ્ત્રો હું ધ્યાનથી જોઉં. ચાહે તેના ફોટા અખબારોમાં અને ફિલ્મી સામયિકોમાં છપાયા હોય કે સોશ્યલ મીડિયા પર મૂકાયા હોય. બસ, મને તેમાંથી જ મારા માટે ડિઝાઇન મળી જાય. ધારાની વાત સાંભળીને તેની સહેલી અચંબામાં પડી ગઇ. તેને લાગ્યું કે આ તો કેટલી સરળ અને હાથવગી ટીપ છે.
હું તો નાહકની દરેક પ્રસંગે 'શું પહેરવું'ની ચિંતા કરતી હોઉં છું. જો કે ધારાની રીત અમલમાં મૂકવામાં કાંઇ ખોટું પણ નથી. હિન્દી ફિલ્મોદ્યોગની અભિનેત્રીઓ સામાન્ય મહિલાઓ માટે ફેશન બાબતે હંમેશા પ્રેરણામૂર્તિ બની રહી છે. હવે બોલીવૂડમાં તાજેતરમાં આવેલા બે વિવાહની વાત કરીએ તો આકાંક્ષા રંજન કપૂરે શરણ શર્મા સાથે અને અંશુલા કપૂરે રોહન ઠક્કર સાથે પ્રભુતામાં પગલાં પાડયાં. અને બંનેના લગ્નમાં આવેલા મહેમાનોના એક- એકથી ચડિયાતા ડિઝાઇન વસ્ત્રોએ સામાન્ય લોકોના મન મોહી લીધા હતાં.
લોકપ્રિય અદાકારા આલિયા ભટ્ટની જ વાત કરીએ તો તેણે ઘેરા જાંબુડી રંગની બનારસી સાડી સાથે એવા જ કલરનું પ્લેન કોર્સેટ બ્લાઉઝ પહેરીને અનોખું આકર્ષણ પેદા કર્યું હતું. માત્ર બોલ્ડ ગણાતી રમણીઓ જ સાડી સાથે, ખાસ કરીને પરંપરાગત બનારસી સાડી સાથે આવું બ્લાઉઝ પહેરીને પૂર્વ- પશ્ચિમની ફેશનનું શ્રેષ્ઠ સમન્વય કરી શકે. કોસેંટ બ્લાઉઝને સ્ટેટમેન્ટ પીસ તરીકે ધારણ કરવાને પગલે આલિયાએ અન્ય એક્સેસરીઝ એકદમ હળવી રાખી હ તી. તેના સપાટ ઓળેલા વાળને પગલે તેનું બ્લાઉઝ ઉડીને આંખે વળગતું હતું.
હવે પોતાની બહેનના લગ્ન પ્રસંગે અનુષ્કા રંજને પહેરેલા લહંગાની વાત કરીએ તો તેના બીજ કલરના પોશાકમાં બ્રાઉન ધાગા વડે મિરર વર્ક કરવામાં આવ્યું હતું. તેના ટોપ અને ઓઢણીમાં કરેલા ભરતકામ અને લેસ પણ નોખી ભાત પાડતાં હતા. પોતાના લહંગાને હાઇલાઇટ કરવા અનુષ્કાએ જ્વેલરી અત્યાકર્ષણ ન બની જાય તેની કાળજી લીધી હતી. અને આ પરિધાન સાથે અનુષ્કાની પંજાબી સ્ટાઇલ હેરસ્ટાઇલ ખૂબ જચી રહી હતી.
ખુશી કપૂરના સેજ ગ્રીન કલરના લહંગાએ લોકોનું ધ્યાન ખુશી કપૂર તરફ ખેંચ્યું હતું. તેના અમ્બ્રેલા ઘેરના આ લહંગામાં હોલ્ડનથી લઇને પિંક, બ્લુ, વાઇટ જેવા રંગોથી ભરતકામ કરવામાં આવ્યું હતું. અને તેના કિનારે કરવામાં આવેલું કટવર્ક ગજબનું સુંદર લાગતું હતું. તેના બ્લાઉઝમાં ઉપરની તરફ લગાવેલી નેટ પર લટકતો ગુલાબી અને ગ્રીન સ્ટોનવાળો હાર શોભી રહ્યો હતો. ખુશીની એવા જ રંગ- ભરતકામથી તૈયાર કરેલી હેન્ડબેગ પણ ઉડીને આંખે વળગતી હતી.
જ્યારે ખુશીની બહેન જ્હાનવીએ પર્પલ અને ક્રીમ કલરની બોર્ડર લગાવેલી શેડેડ સાડી સાથે અલંકારોનો ઠઠારો કરીને બતાવી આપ્યું હતું કે સાડીને રોયલ લુક શી રીતે અપાય. વળી વસ્ત્રાભૂષણને જ ધ્યાનાકર્ષક બનાવી રાખવા જ્હાન્વીએ સપાટ વાળ ઓળ્યા હતાં. તમે પણ ચાહો તો આગામી લગ્નસરામાં આવા ફોટાઓ જોઇને તમારો પોશાક ડિઝાઇન કરાવીને નોખા તરી આવી શકો છો. બિલકુલ ધારાની જેમ.

  • વૈશાલી ઠક્કર