આ તે પાયજામા છે કે ડેનિમ?

- હોલીવૂડની નખરાળી નારીઓના હળવા મૂડનું પ્રતિક બની છે ખુલતી જિન્સ
સામાન્ય રીતે ડેનિમની વાત થતી હોય ત્યારે આપણી નજર સમક્ષ પગની ચામડીને ચોંટી જાય એવી ચુસ્ત જિન્સનું ચિત્ર ઉપસી આવે. પણ ફેશન તો આઠ પગવાળા કરોળિયા જેવી છે. તેનો એકાદ પગ ખરી પડે તોય તે સર્વત્ર ફરી વળે. હાલના તબક્કે ડેનિમને આ વાત બરાબર લાગુ પડે છે. ચુસ્ત જિન્સની ફેશનને અલ્પવિરામ આપીને ડેનિમ બેલબોટમ પેટર્નના ટ્રેન્ડમાં સરી હતી અને હવે તેણે વધુ ખુલતી બનીને પાયજામા જેવું રૂપ ધારણ કર્યું છે. ફેશન ડિઝાઇનરો તેમ જ સેલિબ્રિટીઓ આવી જિન્સને 'એન્ટિ-સ્કીની' નામ આપે છે. તો કોઈક વળી તેને રિલેક્સ્ડ ડેનિમ કહે છે. ખેર…, આ વર્ષની ડેનિમને જે નામ આપવામાં આવ્યું હોય તે, પરંતુ સતત કેમેરાની નજરમાં રહેતી હોલીવૂડ સેલિબ્રિટીઓ છેલ્લા કેટલાક સમયથી આપણા બાપ-દાદા પહેરતા એવા પાયજામા પેટર્નની ડેનિમમાં દેખાઈ રહી છે.
દુઆ લિપાની જ વાત કરીએ તો તાજેતરમાં ન્યુ યોર્ક ખાતે તે ભૂરા રંગની એકદમ ખુલતી ડેનિમ, બ્લેક કેમિસોલ અને વાઇટ બટનડાઉન શર્ટમાં એકદમ રિલેક્સ મૂડમાં દેખાઈ હતી. આંખે કાળા ચશ્મા અને પગમાં લેધર પ્લેટફોર્મ ફ્લિપ-ફ્લોપ્સ પહેરીને ચાલી રહેલી દુઆ લિપા ખરેખર હળવી ભાસતી હતી.
રિલેક્સ મૂડમાં દેખાવા માટે હેઇલી બીબર પણ જરાય પાછળ નહોતી રહી. તેણે લો-કટ એન્ટિ-સ્કીની ડેનિમ સાથે શ્યામ-શ્વેત બેબી ટી-શર્ટ અને પગમાં ફ્લિપ-ફ્લોપ્સ પહેરીને હળવાશભર્યા મૂડનો પરિચય આપ્યો હતો.
ટેંક ટોપ સાથે લાઇટ-વોશ વાઇડ-લેગ ડેનિમમાં સજ્જ જેનિફર એનિસ્ટોને શિરે હેટ અને આંખે ગોગલ્સ સિવાયની કોઈ પણ એક્સેસરીનો ઉપયોગ ન કરીને હળવા રહેવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે જેનિફર લોપેઝે ફ્લેર પેન્ટ જેવી ખુલતી જિન્સને અનોખી રીતે ધ્યાનાકર્ષક બનાવી હતી.તેણે આ અલ્ટ્રા-વાઇડ લેગ ડાર્ક બ્લુ ડેનિમ સાથે સ્કાય-હાઇ પ્લેટફોર્મ બૂટ પહેર્યા. સાથે સાથે બ્લુ લાઇનવાળા શર્ટ પર કથ્થાઇ રંગનું સ્વેટર પહેર્યું. અને તેના ઉપર બ્લેક બ્લેઝર ચડાવ્યું. આંખે સનગ્લાસ પહેરીને ડેનિમના બન્ને ખિસ્સામાં હાથ નાખીને ચાલી રહેલી જેનિફર ગજબની પ્રભાવશાળી લાગતી હતી.
ડાર્ક-વોશ વાઇડ-લેગ જિન્સ સાથે સ્ટ્રાઇપવાળું ઓવરસાઇઝ શર્ટ અને પગમાં કિટન-હિલ ફ્લિપ-ફ્લોપ્સ. કેટી હોમ્સે વધારાના કોઈ પણ નખરા કર્યા વિના હળવાં રહેવાનો સફળ પ્રયાસ કર્યો હતો.
મોટાભાગની સેલિબ્રિટીઓના હળવા કે ઘેરા ભૂરા રંગના ખુલતા ડેનિમ સામે કેન્ડોલ જેનર નોખી તરી આવતી હતી. તેણે રિલેક્સ્ડ વાઇટ જિન્સ પર બ્લેક કલરનું ચુસ્ત ટી-શર્ટ ચડાવ્યું. આ શ્યામ-શ્વેત જોડી સાથે તેણે બર્ગન્ડી કલરના ફ્લેટ્સ અને હેન્ડબેગનું મસ્ત કોમ્બિનેશન રચીને આકર્ષક લુક પેદા કર્યો.
- વૈશાલી ઠક્કર




