Sahiyar

માનુનીને ગોર્જિયસ લુક આપતી વૈવિધ્યસભર હેરસ્ટાઈલ

By GS Team
3 Aug 20263 mins read
માનુનીને ગોર્જિયસ લુક આપતી વૈવિધ્યસભર હેરસ્ટાઈલ
  • ખુલ્લા વાળ ભારે અકળામણ પેદા કરે છે અને કાયમ કેશ ખુલ્લા રાખતી ફેશનેબલ યુવતીઓને અમસ્તા જ વાળ બાંધી દેવાનું ન ગમે તે સ્વાભાવિક છે. વળી જ્યારે કોઈ ફંક્શનમાં જવાનું હોય ત્યારે ખાસ પ્રકારની હેરસ્ટાઈલ કરવી જ રહી. એવી હેરસ્ટાઈલ જે સુંદર દેખાય તોય તેનાથી અકળામણ ન થાય. આજે આપણે આવી કેટલીક હેરસ્ટાઈલની વાત કરીશું.
  • સિંપલી બ્યુટીફુલ : માથાની વચ્ચે પાથી પાડીને બંને તરફથી આગળના વાળને ગોળ ગોળ ફેરવતા ફેરવતા પાછળની તરફ લઈને પીનઅપ કરી લો. ત્યાર બાદ બધા કેશને બેભાગમાં વહેંચીને આપસમાં ટ્વીસ્ટ કરીને ગૂંથતા જાઓ. આ સ્ટાઈલ ચોટલા જેવી, છતાં ચોટલાથી તદન ભિન્ન લાગશે.
  • સાઈડ લુક : આજની તારીખમાં સાઈડ બન ફેશનમાં છે. વળી તે ઓળવાનું પણ મુશ્કેલ નથી. વાળને થોડાં થોડાં ભીના કરીને સ્ક્રેચ કરી લો. ત્યાર પછી બધા કેશ એક તરફ લઈને કાનની પાછળ ક્લિપ કરી લો. હવે બનના વાળને ધીમે ધીમે બેક કોમ્બિંગ કરીને એમ જ છોડી દો. આમ કરવાથી બનને પરફેક્ટ લુક મળશે.
  • ઈવનિંગ પાર્ટી : કાનથી કાન તરફ પાથી પાડીને વાળને બે ભાગમાં વહેંચી દો. હવે આગળના ભાગના વાળને પાંચ છ ભાગમાં વહેંચો. દરેક ભાગને ઈનવર્ડ રોલ કરતાં કરતાં પીનઅપ કરતાં જાઓ.
    ત્યાર બાદ પાછળના વાળને ઉપર તરફ ટાઈટ બાંધી દો. આ પોનીના વાળના ત્રણ ભાગ પાડો. દરેક ભાગને રોલ કરતાં કરતાં ઉપર તરફ લઈ જાઓ અને પીન અપ કરી દો.
  • બી ફેશનેબલ : આગળના વાળમાં બેક કોમ્બિંગ કરીને હળવું પફ લુક આપો. હવે બધા વાળને ગોળ ગોળ ફેરવતા ફેરવતા કાન પાસે લઈ આવો અને પીનઅપ કરી દો. થોડી મિનિટોમાં તમારો લુક સમગ્રપણે બદલી નાખવા આ હેરસ્ટાઈલ બેસ્ટ છે.
  • સાઈડ વન : કાનથી કાન સુધી પાથી પાડીને વાળને બે ભાગમાં વહેંચી નાખો. ત્યાર પછી પાછળના ભાગના વાળમાં ઉપરના હિસ્સામાંથી થોડાં વાળ લઈને બેક કોમ્બિંગ કરીને કેશને થોડી હાઈટ આપી પીનઅપ કરી લો.
    હવે પાછળના બધા વાળને કાળા દોરાથી બાંધી ટાઈટ પોનીટેલ બનાવો. ત્યારબાદ પોનીના કેશને ત્રણ મોટા અને બે નાના ભાગમાં વહેંચી દો. આ સિવાય થોડાં વાળ છોડી દો. મોટા ભાગવાળા વાળને ગોળા ગોળ ફેરવીને પીનઅપ કરી દો. નાના ભાગવાળા કેશને આંગળીમાં વીંટાળી રિંગ બનાવો અને બન પર પીનઅપ કરી દો. પોનીમાં છોડી દેવામાં આવેલાં થોડાં વાળને કર્લ કરીને છુટાં મૂકી દો.
    હવે આગળના વાળમાં એક બાજુપાથી પાડીને ફ્લેટ લુક આપવા સાથે પાછળની તરફ પીનઅપ કરી દો. વધેલા વાળની આંગળીથી રિંગ બનાવી બનની આસપાસ પીનઅપ કરી દો.
  • ટ્રેડિશનલ ટચ : કાનથી કાન સુધી પાથી પાડીને વાળને બે ભાગમાં વહેંચી નાખો. હવે આગળના વાળને હળવું પફ આપીને પીનઅપ કરી દો. ત્યાર બાદ પાછળના વાળની લો પોનીટેલ વાળો. પોનીના વાળનેચાર ભાગમાં વહેંચીનેચારેય ભાગના રોલ બનાવો. હવે બે રોલને ઉપર-નીચે અને બે રોલને ડાબે-જમણે પીનઅપ કરી લો.
  • ડબલ લો બન : આગળથી વચ્ચેના થોડાં વાળ લઈને બેક કોમ્બિંગ કરતાં કરતાં વાળને થોડી હાઈટ આપી પીનઅપ કરી લો. હવે પાછળના ભાગમાં પાથી પાડીને વાળને બે ભાગમાં વહેંચી નાખો. બંને ભાગનો રોલ કરીને બે બન બનાવો. ત્યાર બાદ તેને એકદમ નીચે પીનઅપ કરી લો.
  • લુક ગોજયસ : કાનથી કાન સુધી પાથી પાડીને વાળને બે ભાગમાં વહેંચી દો. આગળના ભાગના વાળમાંથી એક લટ કાઢીને બાકીના વાળને હળવું પફ આપી પીનઅપ કરો. હવે પાછળના વાળમાંથી ફ્રેંચ રોલ બનાવો. છેવાડાના વાળને ટ્વીસ્ટ ન કરો. આ વાળમાંથી ફિંગર કર્લસ બનાવીને એમ જ છોડી દો. આગળ છોડેલા વાળની લટને ફ્લેટ લુક આપી પીનઅપ કરી દો.
  • પાર્ટી સ્ટાઈલ : કાનથી કાન સુધી પાથી પાડીને વાળને બે ભાગમાં વહેંચી નાખો. હવે આગળના વાળને ટ્વીસ્ટ કરતાં કરતાં પફ લુક આપીને એક સાઈડમાં પીનઅપ કરી લો.
    પાછળના વાળની હાફ સાગર ચોટલી વાળો. નીચેના વાળને રફલી રોલ કરતા કરતા એક સાઈડમાં મેસ્સી બન બનાવો. ત્યાર બાદ બનના છેવાડાના વાળને બેક કોમ્બિંગ કરીનેછોડી દો. આમ કરવાથી બનને ફેધર લુક મળશે.