Gujarat

બંને જિલ્લાના કેટલાંક છાત્રો 50 કિ.મી પગપાળા ચાલીને પોલેન્ડ બોર્ડરે પહોંચ્યા

By GS Team
27 Feb 20222 mins read
This article was originally published on 27 Feb 2022
બંને જિલ્લાના કેટલાંક છાત્રો 50 કિ.મી પગપાળા ચાલીને પોલેન્ડ બોર્ડરે પહોંચ્યા

હિંમતનગર, તા. 26

રશિયા દ્વારા યુક્રેનમાં થઈ રહેલા હુમલા પછી ખાસ કરીને મેડીકલમાં અભ્યાસ માટે યુક્રેનમાં રહેતા સાબરકાંઠા અને અરવલ્લીના છાત્રો વતનમાં આવવા માટે  પ્રયાસ કરી રહ્યા છે. છાત્રોને રોમાનિયાથી એરલીફ્ટ કરવાની ભારત સરકારે તૈયારીઓ શરૂ કરી છે ત્યારે જાણવા મળ્યા મુજબ ગત રાત્રે ભારતની એમ્બેસી દ્વારા લક્ઝરી મારફતે કેટલાક મેડીકલ છાત્રોને પોલેન્ડ બોર્ડર ઉપર લઈ જવામાં આવ્યા હતા જેમાં બોર્ડરથી ૪૦ કિ.મી. દૂર તેમને ઉતારી પગપાળા જવા માટે જણાવ્યું છે તે જોતાં સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાના ૧૦ છાત્રોની આવતા સપ્તાહમાં વતન વાપસી નિશ્ચિત મનાય છે. તમામ છાત્રો સુરક્ષિત હોવાનું તલોદ તાલુકાના નાનાચેખલાના પોલેન્ડ સરહદ ઉપર રાહત ટેન્ટમાં રહેલા ભાવિન કાળીદાસ પટેલે જણાવ્યું છે.

યુક્રેનમાં ઉત્તર ગુજરાતના અનેક છાત્રો મેડીકલમાં અભ્યાસ કરી રહ્યા છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ આવી પડતાં યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓ સહિત ર૦ હજારથી વધુ લોકો ફસાયાનું અનુમાન છે. સાબરકાંઠાના સાત અને અરવલ્લીના પાંચ મેડીકલ છાત્રો ટર્નોપીલ, ઓલેક્સે વિકાખાર્કીવમાં એમ.બી.બી.એસ.માં અભ્યાસ કરતા હોવાનું જિલ્લા ડિઝાસ્ટર વિભાગે જણાવ્યું હતું. જિલ્લા ડિઝાસ્ટર વિભાગ છાત્રોના વાલીઓ સાથે સતત સંપર્ક જાળવી રાખ્યો છે પરંતુ શનિવાર બપોર સુધી એકપણ છાત્ર એરલીફ્ટ મારફતે ભારત આવવા માટે રવાના થઈ શક્યો નથી.

જ્યારે ભારત સરકારે મોટાભાગના વિદ્યાર્થીઓને સરહદ પર પહોંચવા સૂચના આપ્યા પછી પ્રારંભે ર૪૦ જેટલા વિદ્યાર્થીઓની યાદી જારી કરાઈ હતી જેમાં જિલ્લાના એકપણ વિદ્યાર્થીનું નામ ન હોવાનું પણ જાણવા મળ્યું છે. પરંતુ બીજી યાદીમાં જિલ્લાના મોટાભાગના છાત્રોને પોલેન્ડ સરહદ પહોંચ્યા પછી એરલીફ્ટની વ્યવસ્થા ઉભી કરાશે તેવું જાણવા મળ્યું છે. જ્યારે રોમાનિયા સરહદ પર તમામ છાત્રોને લાવી સ્વદેશ લઈ જવા માટે એરલીફ્ટ કરવા માટેની તમામ તૈયારીઓ લગભગ પૂરી કરવામાં આવી છે.

પ૦ કિ.મી. પગપાળા ચાલી રાહત છાવણી પહોંચ્યા

ટર્નોપિલમાં એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરતા તલોદ તાલુકાના નાનાચેખલાના ભાવિન પટેલના પિતા કાળીદાસ પટેલે ટેલિફોનિક જણાવ્યું કે ભારતીય એમ્બેસી દ્વારા મેડીકલ છાત્રોને પોલેન્ડ બોર્ડર ઉપર મોકલવાની કામગીરી શરૂ થઈ છે.  પુત્ર શનિવારે બપોરે પોલેન્ડર બોર્ડર પહોંચવા માટે ઉતારાના સ્થળથી પ૦ કિ.મી. પગપાળા નિકળ્યો હતો અને હજુ ૧૦ કિ.મી. રાહત કેમ્પ દૂર હોવાનું જણાવ્યું છે અને ત્યાંથી એરલીફ્ટ કરી ભારત સરકારે લાવવાની વ્યવસ્થા કર્યાનું જણાવ્યું હતું.