સાબરકાંઠા: હિંમતનગર-પ્રાંતિજ હાઈવે પર જોગણી માતાના મંદિરમાં ચોરી, દાનપેટીમાંથી ₹10000 રોકડ લઈ બે યુવકો ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sabarkantha News: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી પ્રાંતિજ હાઈવે પર દલપુર નજીકના જાણીતા જોગણી માતાના મંદિરમાં ચોરીની ઘટના મામલે સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. જોગણી માતાના મંદિરમાં અજાણ્યા બે યુવકોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પવિત્ર ધાર્મિક સ્થળ પર થયેલી ચોરીને પગલે સ્થાનિક રહીશો અને દર્શનાર્થીઓમાં ભારે રોષની લાગણી વ્યાપી ગઈ છે.
હિંમતનગર-પ્રાંતિજ હાઈવે પર જોગણી માતાના મંદિરમાં ચોરી
પ્રાપ્ત વિગતો મુજબ, ગત 10 જુલાઈની મધ્યરાત્રિએ બે અજાણ્યા યુવકો મંદિરના પરિસરમાં પ્રવેશ્યા હતા. આ તસ્કરોએ મંદિરમાં રાખવામાં આવેલી દાન પેટીને તોડ્યા બાદ તેમાંથી આશરે દશેક હજાર રૂપિયા જેટલી રોકડ રકમની ચોરી કરીને બંને યુવકો ચાલાકીપૂર્વક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.
ચોરીની સમગ્ર ઘટના મંદિરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેમાં સીસીટીવી ફૂટેજમાં બંને યુવકો દાન પેટી તોડતા અને રોકડ રકમની ચોરી કરતા સ્પષ્ટપણે નજરે પડે છે. આ ઘટના અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ કરવા અને તેમને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.









