Sabarkantha

સાબરકાંઠા: દેલવાડા-પોશીના રોડ પર મુસાફરો ભરેલી જીપ પલટી, 2ના મોત, 9થી વધુ ઈજાગ્રસ્ત

By GS Team
15 Jul 20261 min read
TukuTouch Logo
સાબરકાંઠા જિલ્લાના દેલવાડા-પોશીના માર્ગ પર ઘાટ નજીક પેસેન્જર ભરેલી જીપ પલટી મારી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 9થી વધુ મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સ્થાનિકોએ બચાવ કામગીરી હાથ ધરી, 108 એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્તોને પોશીના સિવિલ હોસ્પિટલ ખસેડાયા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાબરકાંઠા: દેલવાડા-પોશીના રોડ પર મુસાફરો ભરેલી જીપ પલટી, 2ના મોત, 9થી વધુ ઈજાગ્રસ્ત

Sabarkantha Accident: સાબરકાંઠા જિલ્લાના દેલવાડાથી પોશીના માર્ગ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પેસેન્જરો ભરીને જઈ રહેલી એક જીપના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ઘાટ નજીક જીપ રોડ પર જ પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં ઘટનાસ્થળે જ બે લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે 9થી વધુ મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

મળતી માહિતી અનુસાર, જીપ પલટી મારી જતાં ચીસાચીસ અને બૂમાબૂમ મચી ગઈ હતી. જીપમાં સવાર એક મહિલા અને એક પુરુષનું ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મુસાફરોના બચાવ કાર્ય માટે દોડી આવ્યા હતા અને ગાડીમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.

ઘટના અંગે સ્થાનિકો દ્વારા પોલીસ અને ઈમરજન્સી સેવાને જાણ કરવામાં આવતા જ 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. 9થી વધુ ઈજાગ્રસ્ત મુસાફરોને તાબડતોબ સારવાર અર્થે પોશીનાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ પોલીસે મૃતકોના શવને પીએમ અર્થે ખસેડીને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.