Sabarkantha

અંબાજીમાં માનવ મહેરામણ: 15.85 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા માતાજીના દર્શન, દર મિનિટે ચઢી એક ધજા

By GS Team
23 Sep 20262 mins read
TukuTouch Logo
બનાસકાંઠાના અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો ભક્તિમય માહોલમાં યોજાઈ રહ્યો છે. પ્રથમ 3 દિવસમાં 15.85 લાખ માઈભક્તોએ દર્શન કર્યા, જેમાં ત્રીજા દિવસે 7 લાખથી વધુ ભાવિકો ઉમટ્યા. 1,515 ધજાઓ ચડાવાઈ અને 13.08 લાખ મોહનથાળ પ્રસાદી વિતરણ થયું. 88.56 લાખની આવક થઈ. તંત્રે 30,000 યાત્રાળુઓને ઉડનખટોલાની સુવિધા આપી, 61,075 ગુમ બાળકોને પરિવાર સાથે મિલાવ્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

અંબાજીમાં માનવ મહેરામણ: 15.85 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા માતાજીના દર્શન, દર મિનિટે ચઢી એક ધજા

Ambaji Bhadravi Poonam Mela 2026 : બનાસકાંઠાના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે યોજાઈ રહેલા ભાદરવી પૂનમના મહામેળામાં દેશભરમાંથી શ્રદ્ધાળુઓનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેળાના પ્રથમ 3 દિવસમાં જ કુલ 15.85 લાખ માઈભક્તોએ અંબાજીના દર્શન કર્યા છે. મેળાના પહેલા બે દિવસોમાં ચાર-ચાર લાખ શ્રદ્ધાળુઓ આવ્યા બાદ, ત્રીજા દિવસે સાંજના પાંચ વાગ્યા સુધીમાં સાત લાખથી વધુ ભાવિકોએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું અને ભક્તિભાવ સાથે દર્શનનો લાભ લીધો હતો.

એક જ દિવસમાં 705 ધજારોહણ

અંબાજીના શિખર પર એક જ દિવસમાં 705 વખત ધજારોહણ કરવામાં આવ્યું હતું, જેના કારણે દર એક મિનિટે શ્રદ્ધાળુઓ દ્વારા ધજા ચડાવવામાં આવી હોવાનું નોંધાયું છે. આ ત્રણ દિવસ દરમિયાન કુલ 1,515 ધજાઓ ચડાવાઈ છે. આ ઉપરાંત મોહનથાળની પ્રસાદીના 13.08 લાખ પેકેટ અને ચીકીના 16,000 પેકેટનું શ્રદ્ધાળુઓમાં વિતરણ કરવામાં આવ્યું છે. ભેટ કાઉન્ટર તથા ધાર્મિક સાહિત્ય કેન્દ્રને આ દરમિયાન રૂ. 88.56 લાખની આવક થઈ છે, જે ભક્તોની અડગ આસ્થા દર્શાવે છે.

ભાદરવીના મેળાને પગલે તંત્ર ખડેપગે

ભારે ભીડ વચ્ચે અંબાજી આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે, જેમાં 30,000 જેટલા શ્રદ્ધાળુઓએ ઉડનખટોલા દ્વારા ગબ્બરમાં યાત્રા કરી હતી. આ ત્રણ દિવસ દરમિયાન મેળામાં 86,810 શ્રદ્ધાળુઓને તબીબી સારવાર લેવી પડી હતી. આ સાથે જ ભીડભાડમાં ગુમ થયેલા 61,075 બાળકોની ત્વરિત શોધખોળ કરાવીને તેમને સુરક્ષિત રીતે પરિવારજનો સુધી પહોંચાડવામાં આવ્યા હતા. પદયાત્રા પૂર્ણ કરીને વિવિધ સંઘો પણ હવે ધીમે ધીમે મંદિરે પહોંચી રહ્યા છે અને સમગ્ર મેળામાં દિવ્ય તેમજ શિસ્તબદ્ધ માહોલ જોવા મળી રહ્યો છે.