Dharm

અજાણતા પારધીએ પૂજ્યાં, પછી ઇન્દ્ર દેવે પણ કરી આરાધના 'ને ગિરનારની ગોદમાં પ્રગટ્યા ‘ભવનાથ મહાદેવ’

By GS Team
16 Aug 20263 mins read
TukuTouch Logo
જૂનાગઢમાં ગિરનાર તળેટીમાં બિરાજમાન ભગવાન ભવનાથ મહાદેવનું માહાત્મ્ય વિશેષ છે. સ્કંદપુરાણ અનુસાર, બિલિપત્રના ઝાડ વચ્ચે શિવલિંગની ઉત્પત્તિ થઈ હતી. અહીં મહાશિવરાત્રિએ દર્શન કરવાથી 7 જન્મોના પાપ ધોવાય છે. મૃગીકુંડમાં સ્નાન કરવાથી મોક્ષ મળે છે. એવી પણ માન્યતા છે કે, આજે પણ અશ્વત્થામા અહીં પૂજા કરવા આવે છે. આ સ્થાનકના દર્શનમાત્રથી વ્યક્તિને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અજાણતા પારધીએ પૂજ્યાં, પછી ઇન્દ્ર દેવે પણ કરી આરાધના 'ને ગિરનારની ગોદમાં પ્રગટ્યા ‘ભવનાથ મહાદેવ’

Bhavnath Mahadev: જૂનાગઢમાં ગરવા ગિરનારની ગોદમાં ભગવાન ભોળાનાથ ‘ભવનાથ મહાદેવ’ તરીકે બિરાજમાન છે. ગિરનાર તળેટીમાં આવેલું મુખ્ય આરાધ્ય સ્થાન એટલે ભવનાથ મહાદેવનું મંદિર. સાક્ષાત્ શિવજી અહીં અનાદિકાળથી વસ્યા છે. આ સ્થાનક સાથે અનેક દંતકથાઓ સંકળાયેલી છે. આવો જાણીએ તેની રોચક માહિતી…

બિલિપત્રના ઝાડની મધ્યે શિવલિંગ

‘સ્કંદપુરાણ’માં જણાવ્યા અનુસાર, માતા પાર્વતી એકવાર મહાદેવને ભવનાથનો ઇતિહાસ પૂછે છે. ત્યારે મહાદેવ તેમને જણાવતા કહે છે કે, ‘સૌરાષ્ટ્ર દેશમાં વસ્ત્રાપથ ક્ષેત્ર આવેલું છે. જ્યાં બિલિપત્રના ઝાડની મધ્યમાં મારું શિવલિંગ છે. ત્યાં શિવરાત્રિના દિવસે અજાણતાં જ એક પારધી આવે છે અને તે શિવલિંગની પૂજા કરે છે. આખી રાત જાગરણ કરીને પૂજા-અર્ચના કરે છે. તેની ભક્તિથી પ્રસન્ન થઈને એક દિવ્ય વિમાન તેને સ્વર્ગ લઈ જાય છે. આ દરમિયાન યમના કિંકર અને દેવો વચ્ચે યુદ્ધ થાય છે. ત્યારે ઇન્દ્ર દેવ આ પારધીને જોવે છે અને પૂછે છે કે તને આ લ્હાવો કેવી રીતે મળ્યો? ત્યારે પારધી સમગ્ર ઘટના તેને કહી સંભળાવે છે.’

Bhavnath.jpg

આ સાંભળીને ઇન્દ્ર દેવ પારધીને કહે છે કે, ‘તું મારી સાથે આવ, મારે પણ આ શિવલિંગની પૂજા કરવી છે. પરસ્ત્રીગમનના પાપ અને વૃત્રને માર્યાનું પાપ દૂર કરવું છે.’ ત્યારે મહા વદ ચૌદશને દિવસે પારધી અને ઇન્દ્રદેવ આ શિવલિંગની પૂજા કરે છે. આમ, ત્યારથી જ આ લિંગ ‘ભવેશ્વર’ તરીકે સ્થાપિત થાય છે. જે હાલમાં અપભ્રંશ થઈને ‘ભવનાથ’ તરીકે ઓળખાય છે. ભવનાથ શબ્દનો અર્થ થાય છે ‘ભવનો નાશ કરનારો’. ભવનાથ મહાદેવના પ્રાંગણમાં પગ મૂકતાંની સાથે જ વ્યક્તિને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. તેને પ્રેતત્વ મળતું નથી તેવી માન્યતા છે.

ભવનાથ મહાદેવના શિવાલયના ગર્ભગૃહમાં બે શિવલિંગ આવેલા છે. એવી માન્યતા છે કે, મોટું શિવલિંગ સ્વયંભૂ છે. જ્યારે અન્ય શિવલિંગ ચિરંજીવી અશ્વત્થામાએ સ્થાપ્યું છે. આજે પણ અહીં અશ્વત્થામા કોઈપણ રૂપે આવીને પૂજા કરતા હોવાની માન્યતા છે.

Bhavnath (1).jpg

ભવનાથ મહાદેવ અને મૃગીકુંડનું ધાર્મિક મહત્વ

  1. મહાશિવરાત્રિના દિવસે ભવનાથ મહાદેવના દર્શન કરવાથી સાત જન્મોનું પાપ ધોવાઈ જાય છે.
  2. વૈશાષ સુદ પૂનમને દિવસે ભવનાથ મહાદેવના દર્શન કરવાથી વ્યક્તિને એક દિવસ બ્રહ્મલોકમાં રહેવાનું સુખ મળે છે.
  3. ભવનાથ મહાદેવના દર્શન કરવાથી આત્મા શુદ્ધ અને પવિત્ર થાય છે.
Bhavnath (2).jpg

કેવી રીતે ‘મૃગીકુંડ’ બન્યો?

અન્ય એક દંતકથા પ્રમાણે, શિવજી પાર્વતીજીને જણાવે છે કે, કાન્યકુબ્જ દેશમાં ચંદ્રવંશી રાજા ભોજ રહેતા હતા. એક દિવસ તેમની સેનામાંથી એક સૈનિક આવે છે અને જણાવે છે કે, મૃગના ટોળામાં મૃગના મુખવાળી એક કન્યા છે. આ સાંભળીને રાજા ભોજ આશ્ચર્ય પામે છે અને કહે છે કે, મારે પણ આ મૃગમુખી કન્યા જોવી છે. રાજા ભોજ મૃગમુખી કન્યાની શોધમાં નીકળે છે. રાત-દિવસની મહેનત બાદ એક દિવસ નારીમૃગ દેખાઈ જાય છે. સૈનિકો તેને પકડી લે છે અને રાજધાનીમાં લઈ જાય છે. રાજા ભોજ તેની ઓળખ પૂછે છે. પરંતુ તે કોઈ જવાબ આપતી નથી. ત્યારે રાજા ભોજ આઘાતગ્રસ્ત થઈ અન્નત્યાગ કરે છે.

મૃગીકુંડમાં ન્હાવાથી મળે છે મોક્ષ

ત્યારબાદ બ્રાહ્મણોને બોલાવવામાં આવે છે. આખરે મંત્રોચ્ચારની શક્તિથી મૃગલીને વાચા આવે છે અને તે મનુષ્યવાણી બોલવા લાગે છે. આમ રાજા ભોજ મૃગમુખવાળી નારીને પૂર્વજન્મની કથા કહેવડાવે છે. મૃગનારી કહે છે કે, અનેક જન્મો બાદ પણ તેને મુક્તિ નથી મળી. ત્યારે એક ઋષિ કહે છે, સૌરાષ્ટ્રમાં જા ત્યાં રૈવતાચળ પર્વત છે ત્યાં તારા પાપો ધોવાશે અને આખરે હું અહીં આવી છું. રાજા ભોજ તેની કથા સાંભળી એક કુંડ બનાવે છે અને તેના પાણીથી મૃગનારીને મુક્તિ મળે છે. આ કુંડ એટલે મૃગીકુંડ. એક સમયે આ કુંડમાં પથ્થરો તરતા હતા તેવી પણ એક લોકવાયકા છે. એવી એક માન્યતા છે કે, રાજા ભતૃહરિ અને અશ્વત્થામા જેવા ચિરંજીવી આજે પણ અહીં આવીને ભવનાથ મહાદેવના દર્શન કરવા આવે છે.