શિવલિંગ સાથે જોડાયેલી લકુલીશજીની મૂર્તિ, દેશનું એકમાત્ર આવું મંદિર; ‘ગાયત્રી મંત્ર’નું ઉદ્ભવસ્થાન હોવાની માન્યતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Kayavarohan Mahadev Temple: વડોદરાથી અંદાજે 32 કિલોમીટર દૂર આવેલું છે ‘ગુજરાતના કાશી’ તરીકે જાણીતું કાયાવરોહણ ગામ. સમગ્ર દેશમાં આ મંદિરમાં આવેલું શિવલિંગ એકમાત્ર છે કે, જ્યાં શિવલિંગ સાથે લકુલીશ ભગવાનની મૂર્તિ જોડાયેલી છે. એવી માન્યતા છે કે, કાયાવરોહણની આ ધરતી પરથી સ્વર્ગનો રસ્તો પસાર થાય છે. કાયાવરોહણની ધરતી પર જે વ્યક્તિ મૃત્યુ પામે છે કે જન્મે છે તેને સીધું જ સ્વર્ગ પ્રાપ્ત થાય છે. આવો જાણીએ રોચક ઇતિહાસ…

શું છે પૌરાણિક કથા?
એક દંતકથા પ્રમાણે, સ્વયં મહાદેવ અહીં માણસ રૂપે અવતર્યા હતા. અહીં શિવાલયમાં આવેલું શિવલિંગ યોગેશ્વર લકુલીશજી મહર્ષિ વિશ્વામિત્રજી દ્વારા સ્થાપવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ આ શિવલિંગ સાથે જ એકાકાર થઈ ગયા હતા. આ શિવાલયમાં શિવલિંગ સાથે સાંભવીમુદ્રામાં લકુલીશજીની મૂર્તિ જોડાયેલી છે.

એવું કહેવામાં આવે છે કે, અહીં ભગવાન શિવે લકુલીશ નામે માનવ અવતાર ધારણ કર્યો હતો. તેથી જ આ તીર્થને તેમનું જન્મસ્થાન માનવામાં આવે છે. અહીં ભગવાનની મૂર્તિ અને શિવલિંગ એકસાથે જોવા મળે છે. આ તીર્થસ્થળનું મહત્વ કાશી સમાન હોવાથી તેને ‘ગુજરાતના કાશી’ તરીકે ઓળખવામાં આવે છે.
કૃપાલ્વાનંદજીને સ્વપ્ન આવ્યું અને સ્થાપ્યું મંદિર
કાયાવરોહણ ગામમાં ત્રીજી મે, 1974ના રોજ કૃપાલ્વાનંદજી મહારાજે લકુલીશ ભગવાનની સ્થાપના કરી હતી. શાસ્ત્રો પ્રમાણે, કૃષ્ણાવતાર પછીના સમયે એટલે કે, 5200 વર્ષ પહેલાં શંકર ભગવાને લકુલીશજી નામથી માનવ સ્વરૂપ ધારણ કર્યું હતું. લકુલીશજીને ભગવાન શંકરના 28મા અવતાર ગણવામાં આવે છે. કૃપાલ્વાનંદજી મહારાજના સ્વપ્નમાં ભગવાન લકુલીશજી આવતા તેમણે આ મંદિરની સ્થાપના કરી હતી. આ તીર્થ 7000 વર્ષ જૂનું માનવામાં આવે છે.

ગાયત્રી મંત્રનો પ્રચાર અહીંથી શરૂ થયો હતો
એવી માન્યતા છે કે, કાયાવરોહણ ગામ સતયુગમાં ઈચ્છાપુરી, ત્રેતાયુગમાં માયાપુરી, દ્વાપરયુગમાં મેઘાવતી અને કળિયુગમાં કાયાવરોહણ તરીકે ઓળખાય છે. આ ગામની ગણના ભારતના 68 મહત્વનાં તીર્થસ્થાનોમાં થાય છે. જ્યાં જ્ઞાન, યોગ અને ભક્તિનો સંગમ થયો હતો. રામાવતાર સમયમાં મહર્ષિ વિશ્વામિત્રજીએ આ યાત્રા સ્થળને કાશીમાં પલટી નાખવા પ્રયત્નો હાથ ધર્યા હતા. પરંતુ ભગવાનની ઈચ્છા ન હોવાથી સફળતા મળી ન હતી. તેમ છતાં તેનું મહત્વ કાશી જેવું જ છે.
મહર્ષિ વિશ્વામિત્રએ અહીં ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન કર્યું હતું. આ મંત્રથી સાચું જ્ઞાન (તેજ) પ્રાપ્ત થાય છે. જેને ‘મેઘા’ કહે છે. તેથી તે સમયે આ સ્થળનું નામ મેઘાવતી પડ્યું હતું. આમ ગાયત્રી મંત્રનું ઉદ્ભવ સ્થાન પણ કાયાવરોહણ જ છે. અહીંથી જ ગાયત્રી મંત્રનો પ્રચાર થયો હતો. દ્વાપરયુગના અંત પછી ભગવાન શ્રીલકુલીશ અહીં પ્રગટ થયા હતા અને ત્યારથી આ સ્થળ કાયાવરોહણ તરીકે ઓળખાવવા લાગ્યું.









