Dharm

શિવજીએ સ્વયં આ મંદિર એક જ રાતમાં બનાવ્યું હોવાની માન્યતા, જાણો પૌરાણિક શિવાલય ‘ગળતેશ્વર મહાદેવ’નો ઇતિહાસ

By GS Team
24 Aug 20264 mins read
TukuTouch Logo
ચરોતરની ભૂમિ પર મહીસાગર અને ગળતી નદીના સંગમસ્થાને આવેલું અતિપૌરાણિક ગળતેશ્વર મહાદેવ શિવાલય 12મી સદીથી અડીખમ ઊભું છે. દંતકથા મુજબ, ભગવાન શિવે રાતોરાત બનાવેલા આ મંદિરનું શિખર અધૂરું રહ્યું. મહમૂદ ગઝનીએ પણ આક્રમણ કર્યું હતું. આધુનિક યુગમાં, પુરાતન ખાતા દ્વારા શિખરનું નિર્માણ થયું, જેમાં સંતરામ મંદિરના રામદાસજી મહારાજનો ફાળો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શિવજીએ સ્વયં આ મંદિર એક જ રાતમાં બનાવ્યું હોવાની માન્યતા, જાણો પૌરાણિક શિવાલય ‘ગળતેશ્વર મહાદેવ’નો ઇતિહાસ

Galteshwar Mahadev: ચરોતરની ભૂમિ પર આવેલું અતિપૌરાણિક શિવાલય એટલે ગળતેશ્વર મહાદેવ. આ શિવાલય વિશે એવી માન્યતા છે કે, ભગવાન શિવે માત્ર એક રાતમાં જ આ મંદિર સ્વયં બનાવ્યું હતું, પરંતુ સવાર પડી ત્યાં સુધી મંદિરનું કામ પૂર્ણ ન થયું અને શિવાલયનું શિખર અધૂરું રહી ગયું હતું. ત્યારબાદ મહંમદ ગઝની સોમનાથ લૂંટીને જતો હતો, તેણે પણ આ મંદિર પર હુમલો કર્યો હતો. અનેક આક્રમણનું સાક્ષી રહેલું અને ભવ્ય વાસ્તુ વૈભવ ધરાવતું 12મી સદીનું આ શિવાલય આજે પણ અડીખમ ઊભું છે. એપ પર વાંચો ‘ગળતેશ્વર મહાદેવ’ની રોચક કથા…

શું છે શિવાલયનો ઇતિહાસ?

આ શિવાલય સોલંકીકાળ દરમિયાન બંધાવવામાં આવ્યું હોવાની માન્યતા છે. મહીસાગર અને ગળતી નદીના સંગમસ્થાને આ જગ્યા આવેલી છે, જેને ગળતેશ્વર તરીકે ઓળખવામાં આવે છે. એક દંતકથા પ્રમાણે, આ જગ્યાએ ગાલવ મુનિ અને રાજા ચંદ્રહાસ રહેતા હતા. તેમણે ભગવાન શિવની આરાધના કરી હતી અને તેનાથી શિવજી પ્રસન્ન થયા હતા. ત્યારબાદ મહાદેવ આ જગ્યાએ સ્વયંભૂ શિવલિંગ તરીકે પ્રગટ્યા હતા.

Galteshwar Temple.jpg

તો બીજી એક દંતકથા પ્રમાણે, આ મંદિર ભગવાન શિવજીએ સ્વયં પોતાના હાથે એક જ રાતમાં બનાવ્યું હોવાની માન્યતા છે. શિવજીની ઇચ્છા હતી કે, તેમને આ મંદિર બનાવતી વખતે કોઈ જોવે નહીં, તેથી તેઓ રાતના સમયે આ મંદિર નિર્માણનું કાર્ય કરતા હતા. પરંતુ દિવસ ઊગતા પહેલાં મંદિરનું સંપૂર્ણ કામ પૂરું થઈ શક્યું નહીં અને મંદિરનું શિખર અધૂરું રહી ગયું. ત્યારબાદ વર્ષો સુધી આ મંદિર શિખર વિના જ શોભતું હતું.

વધુ એક દંતકથા પ્રમાણે, જ્યારે મહમૂદ ગઝની સોમનાથ મંદિરને લૂંટીને જઈ રહ્યો હતો, ત્યારે એની નજર આ ગળતેશ્વર મંદિર પર પડી હતી અને તેણે આ મંદિરની છતને પૂર્ણ રીતે નષ્ટ કરી દીધી. જો કે, આ મંદિર તોડ્યાનાં કોઈ જ સંયોગિક કે વૈજ્ઞાનિક પુરાવાઓ મળ્યા નથી.

Galteshwar Temple (2).jpg

આધુનિક યુગમાં બન્યું શિખર

12મી સદીમાં જેમ બન્યું હતું એમનું એમ આજે આ મંદિર અડીખમ ઊભું છે. આ આધુનિક યુગમાં તૂટેલા મંદિરનો ઘુમ્મટ બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી. રાજ્યના પુરાતન ખાતા દ્વારા આ મંદિરના ઘુમ્મટનું નિર્માણકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. વિવિધ પથ્થર ઘડી આ શિખરને પૂર્ણ કરવામાં આવ્યું છે. જેમાં નડિયાદ સંતરામ મંદિરના રામદાસજી મહારાજનો ખૂબ મોટો ફાળો રહ્યો છે.

ગળતેશ્વર મંદિરનો વાસ્તુ વૈભવ

આ શિવાલય ભૂમિજા શૈલીમાં બનાવાયેલું છે. ગુજરાતમાં આ શૈલીથી બનાવેલા મંદિરો ખૂબ જ ઓછા જોવા મળે છે. માળવાના શાસનકાળમાં ભૂમિજા શૈલી ઘણી પ્રખ્યાત હતી. સામાન્ય રીતે પણ અષ્ટભદ્ર મંદિર બહુ જ મુશ્કેલીથી ક્યાંક જોવાં મળતાં હોય છે, આ મંદિર તેમાંનું જ એક છે. મધ્ય ભારતમાં ભૂમિજા શૈલીમાં બનેલા મંદિરની સંખ્યા બહુ જ ઓછી છે. ગળતેશ્વર મંદિર પરમાર શૈલીથી બિલકુલ જ અલિપ્ત જ રહ્યું છે. આ મંદિર નિરંધરા પ્રકારનું છે, જેમાં વિશેષરૂપે ગર્ભગૃહ અને મંડપ પર ખાસ ધ્યાન આપવામાં આવે છે.

Galteshwar Temple (1).jpg

મંદિરનું ગર્ભગૃહ કેવું છે?

આ મંદિરનું ગર્ભગૃહ તેના પાયાથી પણ નીચે આવેલું છે. આ સાથે ગર્ભગૃહ અંદરથી ચારભુજામાં બનાવેલું છે, પરતું બહારથી આ મંદિર ગોળાકાર છે. તેનો વ્યાસ 24 ફૂટ છે. મંદિરની બધી દિશાઓનાં સંરક્ષક દેવતા દિકપાલની શિલ્પાકૃતિઓ છે. મંદિરની પહેલી દીવાલ પર ભગવાન શિવજીને વિભિન્ન અવતારોમાં દર્શાવવામાં આવ્યા છે. મંદિરના પ્રવેશદ્વારને રૂપસ્તંભથી અલંકૃત કરવામાં આવ્યો છે, જેને અબુની શૈલી કહેવામાં આવે છે. મંદિરની દીવાલો પર ગંધર્વ, તપસ્વી, ઘોડેસવાર, હાથી સવાર, રથ અને પાલખીના શિલ્પો કંડારવામાં આવ્યાં છે.

મંડપને આઠભુજાઓમાં બનાવવામાં આવ્યાં

આ મંદિરના મંડપને આઠ ભુજાઓમાં બનાવવામાં આવ્યા છે. તે જોઈને ચાલુક્ય વંશના સમયગાળા દરમિયાન બનેલા મંદિરોની યાદ તાજી થાય છે. આ મંદિર ચાલુક્ય વંશના શાસનકાળ દરમિયાન બનેલા મોઢેરાનું સૂર્યમંદિર અને સેજકપૂરના મંદિરના જેવું છે. મંડપના પાછળના ભાગમાં બે ભુજાને બદલે ત્રણ ભુજા છે. આ મંડપમાં અંદરથી 8 અને બહાર નાના નાના 16 સ્તંભ છે, તેને કારણે જ મંડપની છતને સુરક્ષિત કરવામાં આવી છે.

ચતુષ્કોણીયના આકારના સ્તંભો

મંદિરની અંદરના સ્તંભો ચતુષ્કોણીય આકારમાં બનાવવામાં આવ્યા છે. તેમને કિનારા પરથી થોડા કાપવામાં પણ આવેલાં છે. આ સ્તંભના એક તૃતીયાંશ ભાગમાં ચાર બાજુવાળા દસ્તા બનાવવામાં આવ્યા છે અને તેના નીચેના અડધા ભાગમાં અષ્ટકોણીય દસ્તા બનાવવામાં આવ્યા છે. પછી સ્તંભો પર 16 અલગ અલગ ગોળાકાર દસ્તાઓને કીર્તિમુખમાં અલંકૃત કરવામાં આવ્યા છે. સૌથી છેલ્લે આ સ્તંભ પર નીચે ઝાડ પરથી પડતાં પાંદડાંને દર્શાવવામાં આવ્યાં છે.