Dharm

અહીં શિવજી ‘બ્રહ્મહત્યા’ના પાપથી થયા મુક્ત, રુદ્રકુંડમાં સ્નાન કરવાથી મટે છે ચામડીના રોગ; જાણો ઇતિહાસ

By GS Team
29 Aug 20262 mins read
TukuTouch Logo
ભરૂચના અંકલેશ્વર તાલુકાના સજોદ ગામે આવેલું પ્રાચીન શિવાલય 'સિદ્ધનાથ મહાદેવ' શિવજીએ બ્રહ્મહત્યાનું પાપ ઉતાર્યું હતું તે સ્થળ છે. શિવપુરાણ મુજબ, બ્રહ્માજીનું પાંચમુ મસ્તક કાપ્યા બાદ શિવજીએ અહીં પ્રાયશ્ચિત કર્યું હતું. મહંમદ ગઝનીએ આ મંદિર પર હુમલો કરી શિવલિંગ અને નંદીને ખંડિત કર્યા હતા, જેના નિશાન આજે પણ મોજુદ છે. અહીંના રુદ્ર કુંડમાં સ્નાન કરવાથી ચામડીના રોગ મટે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અહીં શિવજી ‘બ્રહ્મહત્યા’ના પાપથી થયા મુક્ત, રુદ્રકુંડમાં સ્નાન કરવાથી મટે છે ચામડીના રોગ; જાણો ઇતિહાસ

Siddhnath Mahadev: ભરૂચના અંકલેશ્વર તાલુકાના સજોદ ગામે આવેલું છે એક અનોખું પૌરાણિક શિવાલય ‘સિદ્ધનાથ મહાદેવ’. અહીં જ શિવજીએ પોતે બ્રહ્મહત્યાનું પાપ ઉતાર્યું હતું. આ ઉપરાંત અહીં મહંમદ ગઝનીએ હુમલો પણ કર્યો હતો. આવો જાણીએ આ શિવાલયની રોચક ગાથા…

શું છે પૌરાણિક કથા?

શિવપુરાણની વિદ્યેશ્વર સંહિતાના અધ્યાય 6થી 8 પ્રમાણે, બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન વચ્ચે સર્વશ્રેષ્ઠ કોણ એ બાબતે વિવાદ ચાલતો હતો. ત્યારે શિવજી પ્રગટ થયા. તેમણે જ્યોતિસ્તંભ પ્રગટ કર્યો અને કહ્યું કે, જે આનો છેડો શોધી લાવશે એ સૌથી શ્રેષ્ઠ ગણાશે. ત્યારબાદ બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન બંને વિરુદ્ધ દિશામાં છેડો શોધવા માટે નીકળ્યા હતા.

Siddhnath Mahadev Ankleshwar.jpg

શિવજીએ બ્રહ્માજીનું પાંચમુ મસ્તક કાપ્યું

બંને મળ્યા ત્યારે વિષ્ણુએ જણાવ્યું હતું કે, મને છેડો નથી મળ્યો. જ્યારે બ્રહ્માજી ખોટું બોલ્યા કે, મને છેડો મળી ગયો છે. આ સાંભળીને કેતકીના વૃક્ષે પણ બ્રહ્માજીના પક્ષમાં ખોટી સાક્ષી પુરાવી હતી. આ સાંભળીને શિવજી મૂળ સ્વરૂપમાં આવી ક્રોધે ભરાયાં અને બ્રહ્માજીનું પાંચમુ મસ્તક કાપી નાંખ્યું હતું. આ સાથે કેતકીના વૃક્ષ અને ફૂલને શાપ આપ્યો હતો.

Siddhnath Mahadev Ankleshwar (2).jpg

નર્મદાકિનારે શિવજીનું બ્રહ્મહત્યાના પાપનું પ્રાયશ્ચિત થયું

ત્યારબાદ ભગવાન શિવ બ્રહ્મહત્યાના પાપનું પ્રાયશ્ચિત કરવા માટે પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળ્યા હતા. તેઓ ફરતા ફરતા મા નર્મદાના તટ પર આવેલા સજોદ ગામે પાસે આવીને થંભી ગયા. ત્યાં હજારો દેવ, ગાંધર્વો અને સિદ્ધોની હાજરીમાં એક કુંડની સ્થાપના કરી હતી. એવી માન્યતા છે કે, નર્મદા સહિત અનેક પવિત્ર નદીને આહ્વાન કરીને આ કુંડ ભરવામાં આવ્યો હતો. ત્યારબાદ શિવજીનું લિંગ સ્થાપી ત્યાં પૂજા કરવામાં આવી હતી. અંતે ભગવાન શિવે અહીં ધૂર્જટીની સ્થાપના કરી અને આશીર્વાદ આપીને અંતર્ધ્યાન થયા હતા.

Siddhnath Mahadev Ankleshwar (1).jpg

રુદ્રકુંડમાં સ્નાન કરવાથી મટે છે ચર્મ રોગ

એવી માન્યતા છે કે, જો કોઈ અહીં સ્નાન કરી મહાદેવનું પૂજન કરે છે તે બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્ત થાય છે. દેવનિર્મિત દેખાતો કુંડ ‘રુદ્ર કુંડ’ નામે જાણીતો છે. તેમાં સ્નાન કરવાથી ચામડીના રોગ પણ દૂર થતો હોવાની માન્યતા છે. રુદ્રકુંડની બાજુમાં જ સિદ્ધનાથ મહાદેવનું શિવાલય આવેલું છે, જે વીતેલા પ્રાચીનકાળની યાદ અપાવે છે. તો કુંડની બાજુમાં આજે પણ રુદ્રેશ્વર મહાદેવનું વિશાળ શિવલિંગ આવેલું છે.

Siddhnath Mahadev Ankleshwar (3).jpg

મહંમદ ગઝનીએ મંદિર પર કર્યો હતો હુમલો

વર્ષો પહેલાં મુઘલ વંશજ મહંમદ ગઝનીએ આ ગામમાં હુમલો કરીને ગામ અને મંદિરને લૂંટીને શિવજીની સવારી નંદી અને શિવલિંગ ઉપર તલવારના ઘા ઝીકીને ખંડિત કર્યું હતું. આ ઘા શિવલિંગ અને નંદી પર આજે પણ હયાત છે. જો કે, 250 વર્ષ પૂર્વે ગ્રામજનો દ્વારા આ રુદ્ર કુંડના ઉપરના ભાગે નવા મંદિરની સ્થાપના કરવામાં આવી હતી અને ત્યાં નવા શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. મંદિરમાં આજે પણ ખંડિત શિવલિંગ સહિત ભક્તો નવા શિવલિંગની પૂજા કરી રહ્યા છે.