શું ભગવાન કૃષ્ણએ ખરેખર 16,108 લગ્ન કર્યા હતા? જાણો આ રહસ્ય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Krishna Janmashtami: જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર માત્ર ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટ્યનો જ ઉત્સવ નથી, પરંતુ તે તેમના સંપૂર્ણ અને પ્રેરણાદાયી જીવન દર્શનને સમજવાનો એક પાવન અવસર છે. ભાદરવા મહિનાની આઠમની તિથિએ જ્યારે આખો દેશ કૃષ્ણ કનૈયાના સ્વાગતમાં ગરકાવ હોય છે, ત્યારે તેમના જીવન સાથે જોડાયેલી એવી ઘણી ગાથાઓ પણ ચર્ચામાં આવે છે જે અવારનવાર લોકોને અચંબિત અને વિસ્મિત કરી દે છે.
શ્રીકૃષ્ણનું જીવન માત્ર તેમની બાળલીલાઓ કે માખણ ચોરી સુધી સીમિત નહોતું. પરંતુ, તેમના જીવનનો દરેક અધ્યાય પછી ભલે તે ધર્મની સ્થાપના હોય, સામાજિક ચેતના હોય કે સંબંધોની નિભાવણી હોય, તે ઊંડો અર્થ ધરાવે છે. જન્માષ્ટમીના આ શુભ અવસરે ચાલો જાણીએ ભગવાન શ્રીકૃષ્ણના વિવાહ, તેમની આઠ પ્રમુખ રાણીઓ (અષ્ટભાર્યા) અને 16,108 પત્નીઓ સાથે જોડાયેલી તે પૌરાણિક તેમજ સામાજિક કથા વિશે, જે આજે પણ કૌતૂહલ અને શ્રદ્ધાનો વિષય બનેલી છે.
ભગવાન શ્રીકૃષ્ણની કેટલી પત્નીઓ હતી? આ સવાલ સાંભળવામાં ભલે સરળ લાગતો હોય, પરંતુ તેનો જવાબ લોકોને ઘણીવાર હેરાન કરી દે છે. ધાર્મિક ગ્રંથો અને લોકપ્રિય માન્યતાઓમાં ભગવાન શ્રીકૃષ્ણની 16,108 પત્નીઓનો ઉલ્લેખ મળે છે. આમાં તેમની આઠ મુખ્ય પત્નીઓ હતી, જેમને અષ્ટભાર્યા કે અષ્ટમહિષી કહેવાય છે.
પૌરાણિક કથાઓ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણે નરકાસુરના જેલમાંથી હજારો મહિલાઓને મુક્ત કરાવી હતી. આ પછી આ મહિલાઓએ સમાજમાં સન્માનજનક સ્થાન મેળવવા માટે શ્રીકૃષ્ણને પોતાના પતિ તરીકે સ્વીકારવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ જ પ્રસંગને શ્રીકૃષ્ણના 16,000 કે 16,100થી વધુ લગ્નો સાથે જોડીને જોવામાં આવે છે. ચાલો જાણીએ ભગવાન શ્રીકૃષ્ણના અષ્ટભાર્યા કોણ હતી અને 16,108 પત્નીઓ પાછળની પૌરાણિક કથા શું કહે છે.
કોણ હતા ભગવાન શ્રીકૃષ્ણના 8 મુખ્ય પત્નીઓ?
ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન શ્રીકૃષ્ણની 8 મુખ્ય પત્નીઓ હતી. તેમને અષ્ટભાર્યા કહેવામાં આવે છે. તેમના નામ આ મુજબ છે.
રુકમિણી
સત્યભામા
જામ્બવતી
કાલિન્દી
મિત્રવિંદા
નાગ્નજિતી અથવા સત્યા
ભદ્રા
લક્ષ્મણા
રુકમિણી અને શ્રીકૃષ્ણના લગ્ન
રુકમિણીને ભગવાન શ્રીકૃષ્ણની મુખ્ય પત્નીઓમાં માનવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર, રુકમિણી શ્રીકૃષ્ણને પોતાના પતિ માની ચૂક્યા હતા, પરંતુ તેમના ભાઈ રુકમી તેમના લગ્ન શિશુપાળ સાથે કરાવવા માંગતા હતા. કથા અનુસાર, રુકમિણીએ શ્રીકૃષ્ણને સંદેશો મોકલીને તેમની પાસે મદદની વિનંતી કરી હતી. આ પછી શ્રીકૃષ્ણ વિદર્ભ પહોંચ્યા અને રુકમિણીને પોતાની સાથે લઈ ગયા. બાદમાં બંનેના લગ્ન થયા. ધાર્મિક પરંપરામાં રુકમિણી અને શ્રીકૃષ્ણના સંબંધને પ્રેમ, સમર્પણ અને ભક્તિનું પ્રતીક માનવામાં આવે છે.
સત્યભામા સાથે કેવી રીતે થયા હતા શ્રીકૃષ્ણના લગ્ન?
સત્યભામાને શ્રીકૃષ્ણના મુખ્ય રાણીઓમાંથી એક ગણવામાં આવે છે. તેમનો સંબંધ સત્રાજિત અને સ્યમંતક મણિની કથા સાથે પણ જોડવામાં આવે છે. સત્યભામાના વ્યક્તિત્વ સાથે જોડાયેલી ઘણી પૌરાણિક કથાઓ પ્રચલિત છે. કેટલીક પરંપરાઓમાં તેમને દ્રઢ નિશ્ચયી અને સ્વાભિમાની વ્યક્તિત્વના રૂપમાં દર્શાવવામાં આવ્યા છે.
જાંબવતી સાથે લગ્નની કહાની
જાંબવતી, જાંબવાનની પુત્રી હતી. સ્યમંતક મણિ સાથે જોડાયેલી કથામાં ભગવાન શ્રીકૃષ્ણ અને જાંબવાન વચ્ચે લાંબા સમય સુધી યુદ્ધ થયું હોવાનું વર્ણન મળે છે. બાદમાં જ્યારે જાંબવાનને શ્રીકૃષ્ણના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થયું, ત્યારે તેમણે પોતાના પુત્રી જાંબવતીના લગ્ન શ્રીકૃષ્ણ સાથે કરાવી દીધા હતા.
કાલિન્દીએ શ્રીકૃષ્ણને પતિ તરીકે પસંદ કર્યા
કાલિન્દી સૂર્યદેવના પુત્રી માનવામાં આવે છે. પૌરાણિક કથા પ્રમાણે તેઓ ભગવાન વિષ્ણુને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે તપસ્યા કરી રહ્યા હતાં. જ્યારે શ્રીકૃષ્ણને તેમના સંકલ્પ વિશે ખબર પડી, ત્યારે તેમણે કાલિન્દીનો પોતાની પત્ની તરીકે સ્વીકાર કર્યો હતો.
મિત્રવિંદા, નાગ્નજિતી, ભદ્રા અને લક્ષ્મણા
શ્રીકૃષ્ણની અન્ય મુખ્ય પત્નીઓ અંગે પણ વિવિધ પૌરાણિક કથાઓ મળે છે. મિત્રવિંદાના લગ્ન શ્રીકૃષ્ણ સાથે સ્વયંવર પ્રસંગ સાથે જોડવામાં આવે છે. તો બીજી તરફ નાગ્નજિતી, જેમને સત્યા પણ કહેવામાં આવે છે, તેમના લગ્ન સંબંધિત કથામાં સાત શક્તિશાળી બળદોને વશમાં કરવાની શરતનો ઉલ્લેખ મળે છે. ભદ્રાને શ્રીકૃષ્ણના સંબંધી જણાવવામાં આવ્યા છે, જ્યારે લક્ષ્મણાના લગ્નનો ઉલ્લેખ પણ સ્વયંવર પ્રસંગોમાં મળે છે.
આખરે 16,000 મહિલાઓ સાથે કેમ લગ્ન કર્યા?
ભગવાન શ્રીકૃષ્ણના 16,000 કે તેથી વધુ લગ્નોનો સૌથી ચર્ચિત પ્રસંગ નરકાસુર સાથે જોડાયેલો છે. પૌરાણિક કથાઓ પ્રમાણે નરકાસુરે હજારો મહિલાઓને બંધક બનાવીને રાખી હતી. ભગવાન શ્રીકૃષ્ણે નરકાસુરનો વધ કર્યા પછી આ મહિલાઓને મુક્ત કરાવી હતી. કથા પ્રમાણે આ મહિલાઓને ડર હતો કે સમાજ તેમને સ્વીકારશે નહીં. તેમણે શ્રીકૃષ્ણને પ્રાર્થના કરી કે તેઓ તેમને પોતાના રક્ષણ હેઠળ લે.
ધાર્મિક માન્યતાઓ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણે તેમની પ્રાર્થના સ્વીકારી અને તેમને પોતાની પત્નીઓ તરીકે સન્માન આપ્યું હતું. આ જ કારણ છે કે આ પ્રસંગને માત્ર લગ્નોની સંખ્યા તરીકે નહીં, પરંતુ તે સમયની સામાજિક પરિસ્થિતિઓ અને પૌરાણિક કથાના સંદર્ભમાં પણ જોવામાં આવે છે.
શ્રીકૃષ્ણએ રાધા રાણી સાથે લગ્ન કેમ નહોતા કર્યા?
ભગવાન શ્રીકૃષ્ણની પત્નીઓની ચર્ચા થાય અને રાધાનું નામ ન આવે, એ શક્ય જ નથી. લોકોના મનમાં ઘણીવાર એ સવાલ ઊઠે છે કે જો રાધા અને કૃષ્ણનો પ્રેમ આટલો પ્રસિદ્ધ છે, તો પછી બંનેના લગ્ન કેમ ન થયા?
રાધા અને કૃષ્ણના સંબંધને વિવિધ ધાર્મિક અને ભક્તિ પરંપરાઓમાં અલગ-અલગ રૂપે સમજવામાં આવ્યો છે. વિશેષરૂપે ભક્તિ પરંપરામાં રાધા-કૃષ્ણનો સંબંધ સાંસારિક પ્રેમથી ઉપર આત્મા અને પરમાત્માના મિલનનું પ્રતીક માનવામાં આવે છે. આથી જ ભક્તો માટે રાધા અને કૃષ્ણનો સંબંધ માત્ર લગ્નના બંધનથી વ્યાખ્યાયિત નથી થતો. તેમના પ્રેમમાં સમર્પણ, ભક્તિ અને પૂર્ણ એકત્વનો ભાવ જોવામાં આવે છે.
શુ્ં ભગવાન શ્રીકૃષ્ણનો પરિવાર ઘણો મોટો હતો?
ધાર્મિક ગ્રંથોમાં ભગવાન શ્રીકૃષ્ણના વિશાળ પરિવારનો ઉલ્લેખ મળે છે. તેમની રાણીઓ, પુત્રો અને વંશજો દ્વારકાના ઈતિહાસ અને યદુવંશ સાથે જોડાયેલી પૌરાણિક કથાઓનો મહત્વપૂર્ણ હિસ્સો છે. જોકે, પાછળથી યદુવંશના વિનાશનું પણ વર્ણન જોવા મળે છે. પૌરાણિક કથાઓ પ્રમાણે યદુવંશના લોકો વચ્ચે અંદર-અંદરના સંઘર્ષ અને પરિસ્થિતિઓના કારણે તેમનો અંત થયો હતો.
આ પ્રસંગને ધાર્મિક દ્રષ્ટિએ કર્મ, અહંકાર અને અધર્મના પરિણામો સાથે જોડીને જોવામાં આવે છે. સંદેશો એ જ માનવામાં આવે છે કે શક્તિ અને સામર્થ્ય હોવા છતાં વ્યક્તિએ પોતાના કર્મોના પરિણામોનો સામનો કરવો જ પડે છે.




