સપ્તર્ષિએ સ્થાપેલા સાત શિવલિંગ, ‘સપ્તેશ્વર મહાદેવ’ પર થાય છે અવિરત જળાભિષેક; જાણો ઇતિહાસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sapteshwar Mahadev: સાબરકાંઠા જિલ્લામાં સાબરમતી નદીના કિનારે મનોરમ્ય જગ્યાએ આવેલું છે અલૌકિક ‘સપ્તેશ્વર મહાદેવ’નું શિવાલય. એવું માનવામાં આવે છે કે, સપ્તર્ષિએ અહીં ભગવાન શિવની તપશ્ચર્યા કરી હતી અને સાત શિવલિંગની સ્થાપના કરી હતી. આવો જાણીએ સપ્તેશ્વર મહાદેવની રોચક ગાથા…

શું છે પૌરાણિક કથા?
શિવાલયના નામ પરથી જ જાણી શકાય છે કે, તેને સપ્તર્ષી સાથે સંબંધ હશે. ત્યારે એક દંતકથા પ્રમાણે, આ જગ્યાએ સાત ઋષિઓએ તપશ્ચર્યા કરી હતી. આ સપ્તર્ષિ એટલે કશ્યપ મુનિ, વશિષ્ઠ મુનિ, વિશ્વામિત્ર મુનિ, ભારદ્વાજ મુનિ, અત્રિ મુનિ, જમદગ્નિ મુનિ અને ગૌતમ ઋષિ. આ સપ્તર્ષિએ આ જગ્યાએ શિવલિંગની સ્થાપના કરી હતી અને શિવજીની આરાધના કરી હોવાની માન્યતા છે.

આ ઋષિઓ હિંદુ ધર્મની અનેક પૌરાણિક કથાઓ સાથે સંબંધ ધરાવે છે. સપ્તનાથ એટલે કે સપ્તેશ્વર મહાદેવના મંદિરમાં સાતેય શિવલિંગ અલગ અલગ રીતે એવાં ગોઠવાયેલા છે કે, જાણે આકાશમાં સપ્તર્ષિ તારાજૂથ ગોઠવાયેલું હોય!

ત્રેતાયુગનું આ શિવાલય હોવાની માન્યતા
આ શિવાલય ત્રેતાયુગનું હોવાનું માનવામાં આવે છે. આ સાથે ખગોળવિદ્યા સાથે આ મંદિર સંકળાયેલું છે. ગુજરાત રાજ્યના ઈશાન ભાગમાં આવેલા આ શિવાલય પાસે ડેભોલ નદી અને સાબરમતી નદીનું સંગમ સ્થાન છે. આ ઉપરાંત અહીં એક કુંડ પણ આવેલો છે. મંદિરમાં શિવલિંગ ઉપર સતત ગૌમુખમાંથી નદીના પાણીની જળાધારી થતી રહે છે અને આ પાણી વહીને બહારનાં કુંડમાં એકત્ર થાય છે.

લોકબોલીમાં ‘હાતેરા’ તરીકે ઓળખ
આ શિવાલયને સ્થાનિક બોલીમાં ‘હાતેરા’ (સાતેરા) કહે છે અને આકાશમાં આવેલા સપ્તર્ષિના તારાઓને પણ અહીંની લોકબોલીમાં હાતેરા (સાતેરા) કહે છે. લોકબોલીમાં વૃદ્ધ માણસો આજે પણ હાતેરા જ બોલે છે.




