Dharm

OMG! શ્રાવણમાં સૌરાષ્ટ્રના શિવસ્થાનો થકી 775 કરોડનું રીલિજિયસ ટુરિઝમ, ફક્ત સોમનાથ તીર્થમાં 500 કરોડનું ટર્નઓવર

By GS Team
24 Aug 20263 mins read
TukuTouch Logo
શ્રાવણ માસમાં સૌરાષ્ટ્રના સોમનાથ, નાગેશ્વર સહિતના શિવાલયોમાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી છે. આ ધાર્મિક આસ્થાને કારણે ₹750 થી ₹775 કરોડનું 'રીલિજિયસ ટુરીઝમ' નોંધાયું છે. સોમનાથમાં જ ₹500 કરોડનું ટર્નઓવર થયું, જેનાથી હોટેલ, રેસ્ટોરન્ટ અને નાના વેપારીઓને 6થી 12 મહિના જેટલી કમાણી થઈ છે. પરિવહન ક્ષેત્રે પણ ₹50 કરોડનો વ્યવસાય થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

OMG! શ્રાવણમાં સૌરાષ્ટ્રના શિવસ્થાનો થકી 775 કરોડનું રીલિજિયસ ટુરિઝમ, ફક્ત સોમનાથ તીર્થમાં 500 કરોડનું ટર્નઓવર
IMAGE - X/Somnath_Temple

Saurashtra religious tourism: શ્રાવણ માસ દરમિયાન સમગ્ર સૌરાષ્ટ્રમાં શિવભક્તિની ભારે લહેર જોવા મળે છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ અને દ્વારકા જિલ્લામાં આવેલા નાગેશ્વર સહિતના પ્રાચીન શિવાલયોમાં રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ ધાર્મિક આસ્થાની સાથે જ સૌરાષ્ટ્રના અર્થકારણમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. એક આંકડા મુજબ, આ એક જ મહિનામાં અહીં ₹750 કરોડથી ₹775 કરોડ સુધીનું 'રીલિજિયસ ટુરીઝમ' નોંધાય છે, જેના કારણે સ્થાનિક નાના-મોટા વેપારીઓને આખા વર્ષ (6થી 12 મહિના) જેટલી કમાણી થઈ જાય છે.

એકલા સોમનાથ તીર્થમાં જ ₹500 કરોડનું ટર્નઓવર

સામાન્ય દિવસોમાં સોમનાથ મંદિરે રોજ 10 હજાર ભક્તો દર્શનાર્થે આવતા હોય છે, જે શ્રાવણ માસ દરમિયાન વધીને દરરોજ 50 હજાર સુધી પહોંચી જાય છે. શ્રાવણના સોમવારે તેમજ જન્માષ્ટમીના તહેવારે આ સંખ્યા 1થી 1.5 લાખે પહોંચે છે. આ ભીડને કારણે વેરાવળ અને પ્રભાતપાટણની 200થી 300 હોટેલ તેમજ રેસ્ટોરન્ટ્સમાં ₹500 કરોડથી વધુનું ટર્નઓવર થાય છે. એડવાન્સ બુકિંગ વગર આ સમયમાં ઉતારા કે રૂમ મળવા પણ મુશ્કેલ બની જાય છે.

નાના વેપારીઓથી લઈ પરિવહન ક્ષેત્રે અધધ આવક

અહીં પ્રસાદ, ફૂલહાર અને પૂજાપો વેચતા નાના વેપારીઓ પણ શ્રાવણ મહિનામાં ₹3 લાખથી ₹10 લાખ સુધીની કમાણી કરી લે છે. આ ઉપરાંત, મંદિરના ચોગાનમાં હેન્ડીક્રાફ્ટ વેચતા લોકોનું ટર્નઓવર ₹15 લાખથી ₹25 લાખ સુધી પહોંચી જાય છે. દર્શનાર્થીઓની સંખ્યામાં 5થી 10 ગણો વધારો થવાને કારણે એસ.ટી. બસો, ખાનગી ટ્રાવેલ્સ અને ટ્રેન સહિત પરિવહન ક્ષેત્રે વાહનોનું ટર્નઓવર ₹50 કરોડ સુધી પહોંચે છે.

અલગ-અલગ ક્ષેત્રોમાં થયેલો અંદાજિત વ્યવસાય

ઉતારા-ભોજન: ₹550 કરોડ
ફૂડ બિઝનેસ: ₹150 કરોડ
પરિવહન: ₹30 કરોડ
દૂધ, ફળ-ફળાદિ: ₹20 કરોડ
પૂજાપા-પ્રસાદ: ₹10 કરોડ
ધાર્મિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિ: ₹10 કરોડ
ધર્માદો અને ઘાસચારો: ₹05 કરોડ

નાગેશ્વરમાં પણ રોજ 5થી 6 હજાર ભાવિકો

દ્વારકાથી 18 કિલોમીટર દૂર આવેલું અને 12 જ્યોતિર્લિંગોમાં દસમું સ્થાન ધરાવતું નાગેશ્વર મહાદેવ મંદિર અત્યંત ચમત્કારી અને મોક્ષદાયક માનવામાં આવે છે. અહીં સામાન્ય રીતે રોજ 5થી 6 હજાર ભાવિકો આવે છે. શ્રાવણ માસમાં જ દ્વારકાધીશના જન્મોત્સવ (જન્માષ્ટમી)નો પર્વ પણ આવતો હોવાથી દ્વારકાધીશ મંદિરે દોઢથી બે લાખ ભાવિકો દર્શનનો લહાવો લે છે. શિવ અને કૃષ્ણ ભક્તિના આ ત્રિવેણી સંગમથી સમગ્ર દ્વારકા પંથકના અર્થકારણમાં અનેરો ઉત્સાહ છવાઈ જાય છે.

મધ્ય ગીરના પાતાળેશ્વર મહાદેવના દ્વાર પણ ખૂલ્યા

મધ્ય ગીરના ગાઢ જંગલમાં આવેલું પાતાળેશ્વર મહાદેવ મંદિર સામાન્ય દિવસોમાં બંધ રહે છે. જંગલ વિસ્તાર હોવાથી અહીં માત્ર ચોક્કસ દિવસોમાં જ વન વિભાગ દ્વારા પ્રવેશની મંજૂરી આપવામાં આવે છે, પરંતુ શ્રાવણ માસ દરમિયાન આ પવિત્ર મંદિર ભક્તોના દર્શનાર્થે વિશેષ રૂપે ખુલ્લું મુકાય છે.

સ્થાનિક રોજગારી અને ફરાળી વાનગીઓની ભારે માંગ

શ્રાવણ માસ દરમિયાન સૌરાષ્ટ્રભરના શિવાલયોમાં ભક્તોની ભીડ રહેતી હોવાથી દૂધ, ફૂલ, પૂજાપો, ફળ અને ઘાસચારાના વ્યવસાયમાં જબરદસ્ત તેજી જોવા મળે છે. આનાથી સ્થાનિક નાના ધંધાર્થીઓ અને પૂજા-વિધિ કરાવતા ભૂદેવોને મોટી રોજગારી મળી રહે છે. આ સિવાય, દેશ-વિદેશમાં પ્રખ્યાત એવી સૌરાષ્ટ્રની ફરાળી વાનગીઓની ખપતમાં પણ પ્રવાસીઓ અને ગ્રાહકોના કારણે મોટો ઉછાળો આવે છે.