પૂજા-અનુષ્ઠાનના અંતે ક્ષમાયાચના શા માટે જરૂરી છે? જાણો મંત્રો અને સ્તુતિઓ પાછળનું રહસ્ય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Kshama Prarthana: આપણે ત્યાં સામાન્ય રીતે વિવિધ પ્રસંગોએ દેવી-દેવતાઓની ઉપાસના, આરાધના, પૂજા કે અનુષ્ઠાન કરવામાં આવે છે. એક સામાન્ય કહેવત પણ છે કે, ‘માનવ માત્ર, ભુલને પાત્ર’ આપણે જે કંઈ પણ ધાર્મિક વિધિ કરીએ છીએ ત્યારે જાણે-અજાણે આપણાથી જે કોઈ અપરાધ કે ભૂલ થઈ જાય છે તેથી વિધિઓના અંતમાં અપરાધની ક્ષમા માગવાનો રિવાજ છે. પ્રભુની રાજોપચાર, શોડષોપચાર પૂજા કર્યા પછી, આરતી-પ્રસાદ ધર્યા બાદ જ્યારે દેવને કે સ્થાપિત દેવતાઓને અથવા અગ્નિ નારાયણને વિદાય આપતાં પહેલાં તેમની ક્ષમા માગીએ છીએ. આ વિધિમાં જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો હે પ્રભુ અમને ક્ષમા કરશો.
આપણે ત્યાં દેવી ઉપાસનામાં ખૂબ જ ખ્યાલ રાખવો પડે છે અને ચુસ્ત નિયમો પાળવા પડે છે. માતાજીના કોપ કે રોષનો ભોગ ન બનાય તે માટે સહુ કાળજી લેતા હોય છે. આમ તો મા દયાળુ જ છે અને ભક્તોની ભીડ ભાંગે છે છતાં કોઈ પણ વિધિને અંતે ક્ષમાપનાનો ક્રમ નીભાવતા હોઈએ છીએ. ક્ષમાપના માટે કેટલાક જાણીતા શ્લોક પણ છે.
આવાહનં ન જાનામિ, ન જાનામિ વિસર્જનમ્
પૂજં ચૈવ ન જાનામિ ક્ષમસ્વ પરમેશ્વરિ!
હે માતાજી હું કોઈ પણ પ્રકારનું આહ્વાન, અર્ચન કે પૂજા જાણતો નથી માટે મા, મને ક્ષમા કરશો.
તસ્માત્ કારુણ્ય ભાવેન ક્ષમસ્વ પરમેશ્વરિ
અપરાધસહસ્રાણિ શરણં પ્રાપ્તસ્ત્વાં જગદંબિકે
છદાનિ મનુકંપોમ્મોડહમ્ યથેચ્છસિ તથા કુરુ।
હે માતા, તમે કારુણ્યથી સભર છો, અમે આપની શરણે છીએ તો અનુકંપા રાખીને આપને યોગ્ય લાગે તેમ કરો.
એક અન્ય શ્લોક આ પ્રકારનો છે.
અપરાધો ભવત્યેષ સાધકસ્ય પદે પદે
કોડપર સહતે લોકે કેવલં માતરં વિના।
ભવાની અષ્ટકમાં ઉલ્લેખ છે કે હું દાન, ધ્યાન, યોગ, મંત્ર, તંત્ર કે જાપ કશું જાણતો નથી. પૂજા, ન્યાસ કે અન્ય વિધિનો પણ હું જાણકાર નથી. માટે મારી ભૂલો બદલ મને ક્ષમા આપશો. કોઈપણ વિધિમાં ઉતાવળ ન થાય તે જોવું જરૂરી છે તથા મંત્રના ઉચ્ચાર શબ્દો પણ સ્પષ્ટ હોવા જોઈએ. આમ થાય તો પૂજા સફળ થાય છે. શ્લોક કે સ્તુતિ બોલવામાં માત્ર, અક્ષર કે પદની ભૂલ ન થવી જોઈએ.
આપણે સત્યનારાયણની કથાને અંતે પણ ભગવાનની ક્ષમા માગીએ છીએ. આપણે રોજ સવારે ઉઠીએ છીએ ત્યારે સૌ પ્રથમ પહેલો પગ ભૂમિ (પૃથ્વી) પર મૂકીએ છીએ તેની ક્ષમાનો મંત્ર આ પ્રમાણે છે.
સમુદ્ર વસને દેવિ પર્વતસ્તનમંડલે
વિષ્ણુ પત્નિ નમસ્તુભ્યં પાદસ્પર્શ ક્ષમસ્વ મે॥
માતાનું એક ખૂબ જ જાણીતું સ્તોત્ર 'દેત્યાપરાધ ક્ષમાપના સ્તોત્ર' છે જે ખાસ કરીને યજ્ઞ બાદ નોરતાંમાં કે માતાજીનાં અનુષ્ઠાનમાં ગાવામાં આવે છે.
જગદંબ વિચિત્રમત્ર કિં પરિપૂર્ણ કુરુણાંસિ ચૈમ્અપિ અપરાધ
પરંપરાવૃતં નહિ માતા સમુપેક્ષતે સુતમ્
હું મંત્ર, સ્તુતિ, આહવાહન, પૂજા જાણતો નથી તેથી પુત્ર પણ જો કુપુત્ર થાય તો હે માતા તમે કુમાતા થશો નહીં.
કુપુત્રો જાયતે ક્વચિદપિ કુમાતા ન ભવતિ।
આપણે ત્યાં ક્ષમા એ વીરનું ભૂષણ છે. ક્ષમા આપવામાં મહાનતા છે. માફી માગવાથી કોઈ નીચું થઈ જતું નથી. ભૂલ કે અપરાધની ક્ષમા માગી શકાય છે. માતા કે દેવો પણ માનવીઓની ભૂલોને ઉદારથી માફ કરી દે છે. આપણી સંસ્કૃતિ, રિવાજ તથા પરંપરામાં અપરાધની ક્ષમા માગવાનો મોટો મહિમા છે. આપણી ભૂલો જ્યારે ઈશ્વર માફ કરે છે ત્યારે આપણું કાર્ય સિદ્ધ તથા સફળ થાય છે. પણ ધાર્મિક વિધિઓમાં ક્ષમા માગવામાં આવે છે તે જરૂરી પણ છે અને ફાયદાકારક પણ છે. આવો, આપણે સહુ પણ આ જગતના નિયંતાને આપણાં કર્મો, ગતિ, વિધિ કે પાપોની ક્ષમા માંગીએ અને તેનાથી આપણાં ભવબંધનમાંથી મુક્તિ મેળવીએ અને તે જ સાંપ્રત સમયની માંગ છે.
- ભરત અંજારિયા









